SURAT

સુરતમાં પાંચ વર્ષની બાળકી પર બે કૂતરાં તૂટી પડ્યાં, થાપાના ભાગે કરડ્યું

સુરત: સુરતમાં શ્વાનના હુમલાની ઘટના ચિંતાજનક હદે દિનપ્રતિદિન વધી રહી છે. હવે અહીંના અલથાણ ગામમાં પાંચ વર્ષની બાળકી પર બે કૂતરાંઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શાંતિથી રમતી બાળકી પર બે કૂતરાં તૂટી પડ્યાં હતાં અને બાળકીના થાપાના ભાગે બચકું ભર્યું હતું.

આ ઘટના અલથાણ ગામની છે. અહીં ઘર નજીક રમતી પાંચ વર્ષની બાળકી મહેક રાઠોડ પર બે કૂતરાંએ હુમલો કર્યો હતો, જેમાં બાળકીના થાપાના ભાગે કૂતરાંઓએ બચકું ભર્યું હતું. જોકે, તરત જ આસપાસના લોકો દોડી ગયા હતા અને બાળકીને કૂતરાંના ચુંગાલમાંથી બચાવી લીધી હતી. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકીની માતા આરતી રાઠોડે કહ્યું કે, મહેક ઘર નજીક રમતી હતી ત્યારે કૂતરાંએ પાછળથી આવી કરડી લીધું હતું. આ વિસ્તારમાં 10થી વધુ રખડતાં કૂતરાં છે. પાલિકા પકડી જાય છે તેમ છતાં તેઓનો ત્રાસ ઘટતો નથી.

કૂતરાં કરડવાના લીધે છેલ્લા 40 દિવસમાં સુરતમાં બે બાળકોના મોત થયા છે. સુરત મહાનગરપાલિકા દ્બારા રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચીને યોગ્ય કામગીરી કરાતી હોવાના બણગા ફુંકવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.

આ અગાઉ  ભેસ્તાનમાં એક બાળકને કુતરાં (Dog) કરડતા 5 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો. સાહિલ નામના બાળકનું મોત થયું હતું. ભેસ્તાન ફાયર સ્ટેશન સામે આકાશ એપાર્ટમેન્ટ (Apartment) પાસે બપોરે 1 કલાકે આ ઘટની બની હતી. અહીં એક કન્સટ્રક્શન સાઈટ પર કામ કરતા માતા-પિતા સાથે બાળક ત્યાં હાજર હતો. તે સમયે તેના પર પાંચથી છ કુતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું.

તે અગાઉ ભેસ્તામાં બે બાળકી પર કૂતરાંઓએ હુમલો કર્યો હતો. શહેરના ભેસ્તાન સ્થિત ઉમ્મીદનગરમાં રહેતી 5 વર્ષીય અનાઈશા ઇબ્રાહીમ શેખ અને 6 વર્ષીય શાદીયાબી કમરાજ શાહ શનિવારે મોડી સાંજે ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન એક શ્વાન બંને બાળક પાસે દોડી આવ્યો હતો. અને ત્યાર બાદ શ્વાન બંને પર તૂટી પડ્યો હતો. બંને બાળકીઓ કંઈક સમજે તે પહેલા જ શ્વાને અનાઈશાના માથામાં અને શાદીયાબીના કમર, ગાલ અને પગે કરડી લીધું હતું. જેને લઇ બંને બાળકીઓ કોઈ બૂમાબૂમ કરી દીધી હતી. અને ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

શ્વાનનો હુમલો જોઈ ગભરાઈ ગયેલી બાળકીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. સ્થાનિકો આ દ્રશ્યો જોઈ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને શ્વાનને ત્યાંથી ભગાડી બાળકીઓને બચાવી હતી. ત્યાર બાદ બંને બાળકીના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top