SURAT

સુરતમાં લૂટેરી દુલ્હન વોશરૂમ જવાના બહાને પૈસા અને દાગીના લઈ ફરાર

surat : મુંબઇના યુવકની સાથે વરાછાના પટેલ દંપતી અને તેના સાગરીતોએ મળીને યુવકને તાપી નદીના કિનારે આવેલા એક મંદિરમાં લઇ જઇને એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન માટે રોકડા રૂા. 1.65 લાખ તેમજ દાગીના મળી કુલ્લે 1.96 લાખ પડાવી લીધા હતા. જો કે, યુવતીએ પુણાના પરવત પાટીયા પાસે વોશરૂમ જવાના બહાને ભાગી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઇ ભાયંદર વેસ્ટ ખાતે ન્યુ ફાયર ‌બ્રિગેડ મહેશ્વરી ભવન ખાતે રહેતા અં‌‌કિત શાંતીલાલ જૈન (ઉ.વ.૩૮) કર્ણાટકના ચીકમંગલુરૂ ‌જિલ્લામાં નહેરૂ રોડ, થર્ડ ક્રોસ ખાતે નકુલ લાઇટસના નામથી ફેન્સી લાઇટિંગની દુકાન ધરાવે છે. તેમના એપાર્ટમેન્ટમાં જ રહેતી ખુશ્બુબેન સાથે લગ્ન કરવાની ઇચ્છા હતા. તેઓની વાત વિરારમાં રહેતા સાવંત નામના યુવકે કરી હતી. ત્યારબાદ તેઓની મુલાકાત વરાછા બુટભવાની રોડ ઉપર મણીબાપાર્ક સોસાયટીમાં રહેતા સતીષ પટેલની સાથે કરાવી હતી. સતીષે અંકિતને પોતાના ઘરે મળવા ગયો હતો અને મનીષા નામની એક છોકરી બતાવી હતી. જો કે, મનીષાને પહેલાથી જ બે છોકરા હોવાથી અંકિતે લગ્ન કરવાની ના પાડી હતી.

ત્યારબાદ સતીષે નવસારીના ચીખલીમાં બીલીમોરામાં ઓરિયામોરીયામાં રહેતી સ્વાતી ગણેશભાઇ ભટ્ટનો ફોટો મોકલાવ્યો હતો. અંકિતને સ્વાતી પસંદ આવી ગઇ હતી. અંકિત અને સ્વાતી બંનેએ લગ્ન કરવાની હા પાડી હતી. આ લગ્ન કરવા માટે અંકિતની પાસેથી 2.20 લાખ રોકડા માંગવામાં આવ્યા હતા. ગત તા. 4 જૂનના રોજ અંકિત પરિવારની સાથે સુરત આવ્યો હતો, જ્યારે સ્વાતી તેના ભાઇ હિતેશને લઇને આવી હતી. બંનેના લગ્ન તાપી નદીના કિનારે એક મંદિરમાં કરવામાં આવ્યા હતા. લગ્ન સમયે સ્વાતીને રૂા. 1.65 લાખ તેમજ દાગીના મળી કુલ્લે 1.96 લાખ આપ્યા હતા.

અંકિત સ્વાતીને લઇને પોતાના મામાના ઘરે જતો હતો ત્યારે સ્વાતીએ વોશરૂમ જવા માટે એક હોટેલમાં ગાડી ઊભી રખાવી હતી, અને પરત આવી ન હતી. અંકિતે સતીષભાઇને પણ ફોન કર્યા પરંતુ તમામના ફોન બંધ આવતા હતા. આખરે પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનો શક જતા અંકિત વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો અને તમામની સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top