Dakshin Gujarat

બહેન સાથે સંબંધ હોવાની શંકામાં કામદારનું કારમાં અપહરણ કરાયા બાદ આવી હાલતમાં રોડ પર ફેંકી દેવાયો

સેલવાસ: સેલવાસમાં (Selvas) એક ઈસમે પોતાની બહેન સાથે સંબંધ હોવાની શંકા (Doubt) રાખી કંપનીમાં કામ કરતા કામદાર (Worker) યુવાનનું કારમાં અપહરણ (Kidnaping) કરી જંગલ વિસ્તારમાં લઈ જઈ ઢોર માર મારી રસ્તા ઉપર ફેંકી ફરાર થઈ જવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી માર મારનાર ઈસમો પૈકી ગુનામાં વપરાયેલી કારના માલિકની ધરપકડ કરી ફરાર અન્યોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • કંપનીમાં કામ કરતા કામદારનું કારમાં અપહરણ કરાયું
  • બહેન સાથે સંબંધ હોવાની શંકામાં યુવકને કારમાં બેસાડી જંગલ લઈ જવાયા
  • ત્રણ-ચાર શખ્સોએ જંગલમાં લઈ જઈ યુવકને ઢોર માર માર્યો
  • માર મારી યુવકને રોડ પર ફેંકી દેવાયો
  • સેલવાસમાં કાર માલિકની ધરપકડ, અન્ય ત્રણથી ચાર ઈસમો પોલીસ પકડથી દૂર

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 6 જૂનના રોજ મોડી સાંજે સાયલીમાં રહેતો 34 વર્ષીય અનિલકુમાર તિવારી નવનીત નામની કંપનીમાં કામ પર હતો ત્યારે સાંજે 7 વાગ્યાની આસપાસ વિલેશ પટેલ નામના શખ્સે તેના મોબાઈલ ફોન પર ફોન કરી તેને બહાર બોલાવ્યો હતો. જ્યાં કામદાર અનિલ બહાર આવતા જ વિલેશે તેને જબરસ્તીથી ભૂરા રંગની બલેનો કાર નંબર DD-01-A-2813 મા બેસાડી તેનું અપહરણ કરી લઇ ગયા હતા. કારમાં પહેલેથી જ ત્રણથી ચાર શખ્સો બેઠેલા હતા. અનિલનું અપહરણ કરી તેને ડોકમરડી કરમખલ વિસ્તારમાં લઈ જઈ પોતાની બહેન સાથે સંબંધ હોવાની અદાવત રાખી અનિલને ઢીક્કા મુક્કી તથા બોથડ પદાર્થ વડે ગંભીર માર મારી અધમૂવો કરી તેનો મોબાઈલ ફોન અને આઈ.ડી. કાર્ડ છીનવી પરત તેને બાલદેવી વિસ્તારમાં મોડી રાત્રે ફેંકી ભાગી ગયા હતા.

ઘટનાની જાણ ભોગ બનનાર અનિલે સેલવાસ પોલીસને કરતા પોલીસે સ્થળ પર આવી ગંભીર રીતે ઘવાયેલા કામદાર અનિલને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવાની કાર્યવાહી કરી હતી. જ્યાં કામદારને હાથમાં ફ્રેક્ચર, આંખના ભાગે ગંભીર ઈજાઓ તથા પેટના ભાગે ગંભીર મૂઢ માર મરાયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ભોગ બનનાર અનિલ તિવારીની ફરિયાદને પગલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યાં પોલીસે આ મામલે બલેનો કારનો 24 વર્ષિય માલિક લતીફ ઉર્ફે લાલુ રમેશ પટેલ ધરપકડ કરી છે. જ્યારે માર મારનાર બાલદેવીનો વિલેશ પટેલ તથા અન્ય આરોપી પોલીસ પકડથી નાસતા ભાગતા હોય એમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top