SURAT

હમ તુમ બંધે એક ડોરી સે… પત્ની કરે તારીફ તો પતિ થઈ જાય ખુશ-ખુશ

સામાન્ય રીતે પતિ પત્નીની તારીફોના પુલ બાંધતા કહેતા હોય છે કે, તેની પત્ની તેને ખૂબ સારી રીતે સમજે છે. પતિ પણ દરેક પરિસ્થિતિમાં પત્નીના સપોર્ટમાં તેની પડખે ઊભા હોય છે. દર વર્ષે એપ્રિલનો ત્રીજો શનિવાર હસબન્ડ અપ્રિશિયેશન ડે તરીકે ઉજવાય છે. ખાસ તો આ દિવસ એવા હસબન્ડ માટે હોય છે જે ડગલે ને પગલે પત્નીને સપોર્ટ કરવા માટે તૈયાર હોય છે. એવામાં પત્નીની પણ ફરજ બને છે કે તે તેના પતિના કામની કદર કરી તેના માટે તારીફના બે શબ્દો ઉચ્ચારે. પતિની સપોર્ટિવ ભૂમિકાની પ્રશંસા પત્ની અલગ-અલગ અંદાજમાં કરતી હોય છે. જેને લોકો હસબન્ડ અપ્રિશિયેશન ડે કહેવા લાગ્યા છે. ચાલો આપણે સુરતની કેટલીક સન્નારીઓને મળીએ જે 15 એપ્રિલે વર્લ્ડ હસબન્ડ અપ્રિશિયેશન ડે ઉજવવા થનગની રહી છે. તેઓ કઈ રીતે આ ખાસ દિવસ ઉજવશે? પતિ ઘરના કામમાં મદદરૂપ થાય તો પત્ની તેને પતિની ફરજ સમજે છે કે તે કામ માટે પતિની પ્રશંસા કરે છે ? તે આપણે આ સન્નારીઓ પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.

Thank you darling કહીને હસબન્ડને અપ્રિસીએટ કરીશ: અલ્પા કાપડિયા
શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય અલ્પા કાપડિયા ક્લિનિકલ મેનેજર છે. તેમના હસબન્ડ ગૌતમ કાપડિયાની ફેકટરી છે. અલ્પાબેને જણાવ્યું કે, ‘‘મારા હસબન્ડ ઘરનાં નાનાં-મોટાં કામ કરે ત્યારે હું તેમને એક સ્માઈલ આપીને અને જાદુકી ઝપ્પી આપીને તેમને અપ્રિસીએટ કરું જ છું. મારે ત્યાં એવરી ડે હસબન્ડ અપ્રિસીએશન ડે હોય છે. મારા હસબન્ડ જાણે છે કે સ્ત્રી ઘરનું કામ પણ કરતી હોય અને જોબ પણ કરતી હોય ત્યારે ઘરને સંભાળવાની જવાબદારી હસબન્ડ-વાઈફ બંનેની હોય છે. તે મને ઘરનાં કામોમાં હેલ્પ કરે જ છે. આ વખતે હસબન્ડ અપ્રિસીએશન ડે પર હું હસબન્ડ માટે સવારે મોર્નિંગમાં એક લોંગ ડ્રાઇવનો પ્રોગ્રામ બનાવીશ. સાંજે સાથે ઘરમાં બેસીને મૂવી જોઈશું તથા તેમને માટે તેમનું પસંદનું ફૂડ બનાવી પ્રેમથી જમાડીશ. સ્માઈલ આપી thank you darling કહી તેમની કર્તવ્ય ભાવનાની કદર કરીશ.’’

હસબન્ડ ડેના દિવસે જ મારો આ ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ થશે તે મારા પતિની મેં કરેલી કદર રહેશે: વિજયા બેદરે
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતાં 43 વર્ષીય વિજયાબેન બેદરે સ્કૂલમાં ટીચર છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારા હસબન્ડ મનીષ કોમ્પ્યુટર એન્જિનિયર છે. મેં પતિના રૂપે જેવો પુરુષ મેળવવાનાં સપનાં જોયાં હતાં તે મારું સપનું પૂરું થયું છે. મારા હસબન્ડ કિચનના કામમાં મને મદદ હમેશા કરતા હોય છે. વાસણ સાફ કરવામાં, કપડા મશીનમાં ધોવા નાંખવામા મદદ કરતા હોય છે. એટલે હું તેમની પસંદનું ભોજન બનાવી તેમના પ્રશંસા કરું છું. હું માંદી પડું તો મને સમય પર દવા આપવાનું ,મને સાદું ભોજન સમયસર મળી રહે અને પરિવારના ભોજન માટે ટિફિન લાવવાની જવાબદારી તેઓ ઉઠાવે છે. જ્યારે મારા પિતાનું અવસાન થયું હતું ત્યારે મારાં મમ્મી ડિપ્રેશનમાં ચાલ્યાં ગયાં હતાં. એવા સમયે એક દીકરો જેમ તેની મમ્મીને સાચવે તેમ મારા પતિએ મારી મમ્મીને સાચવી હતી. મમ્મી માંદી પડે તો તેમની સેવા કરે છે. મારા હસબન્ડ આ રીતે હેલ્પફુલ છે. 15 એપ્રિલે હસબન્ડ ડેના દિવસે મારો આ ઇન્ટરવ્યૂ ‘ગુજરાતમિત્ર’માં પબ્લિશ થશે તે મેં મારા પતિની કરેલી પ્રશંસા જ રહેશે. આ ઇન્ટરવ્યૂ તેમના માટે એક સરપ્રાઈઝ રહેશે.’’

સરપ્રાઈઝ પાર્ટી આપીને પતિના સપોર્ટિવ નેચરની કદર કરીશ: જીંતલ પટેલ
શહેરના સુમુલ ડેરી વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય જીંતલબેન પટેલ હાઉસવાઈફ છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારા પતિ મેહુલ પટેલ બોલ બેરિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છે. મારા હસબન્ડ લગભગ રોજ રાત્રે મારા માટે ચા બનાવતા હોય છે અને હું થાકેલી હોઉં ત્યારે મારો મૂડ બજારમાં જવાનો નહીં હોય ત્યારે તેઓ ફ્રૂટ્સ લઈ આવે. હું ત્યારે તેમની કદર કરતી જ હોઉં છું. હું તેમને કેડબરી ચોકલેટ આપી તેઓ ઘર કે મારા માટે જે કામ કરે તેને એપ્રિસીએટ કરું છું. મારા હસબન્ડને હું સરપ્રાઈઝ પાર્ટી આપવાની છું. મારા હસબન્ડ સપોર્ટિવ નેચરના છે. તેઓ અપ્રિશિયેશનવાળા કામ કરતા જ હોય છે. પછી તે બહારનાં કામ ફટાફટ પતાવવાનાં હોય કે પછી ઘરનાં કામોમાં મદદ કરવાની હોય. મારી તબિયત સારી નહીં હોય ત્યારે રાતના ઉજાગરા કરીને પણ મારી દવા, મારી ફૂડનું ધ્યાન રાખે છે. હું હસબન્ડ અપ્રિશિયેશન ડે પર તેમને thanks dear કહીને તેમણે મારા પ્રત્યે જે ફરજ બજાવી છે તેના માટે તેમને અપ્રિસીએટ કરી તેમનું મારા જીવનમાં જે ખાસ મહત્ત્વ છે તેનો અહેસાસ કરાવીશ.’’

બાળકોને ટ્યુશનથી ઘરે લાવવા, શાકભાજી લઈ આવવાનું કામ કરે એટલે તારીફ તો કરવી જ પડે ને: પીનલ જરીવાળા
શહેરના સિટીલાઈટ વિસ્તારમાં રહેતાં 33 વર્ષીય પીનલ જરીવાળા હાઉસવાઈફ છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારા હસબન્ડ સંજય ટેક્સટાઇલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. અમારા મેરેજને 12 વર્ષ ઉપર થઇ ગયા છે. આ સમય દરમિયાન મેં મારા પતિને એક સારા જીવનસાથીની સાથે-સાથે એક સારા મિત્ર તરીકે પણ જોયા છે. મારા હસબન્ડ બિઝનેસનું કામકાજ પતાવીને સાંજે ઘરે આવે ત્યારે ચા જાતે ગરમ કરીને પી લે છે. ઉપરાંત જમવાનું પણ જાતે ગરમ કરીને ખાઈ લે છે. બાળકોને ટ્યુશનથી ઘરે લઈ આવવાની અને શાકભાજી લઈ આવવાની જવાબદારી પણ તે ઉઠાવી લે છે. એક વખત મારી સર્જરી થઈ હતી ત્યારે તેમણે મારી બહુ સારી રીતે સાર સંભાળ રાખી હતી હું તે ઘટનાને આજે પણ યાદ કરી તેમને એપ્રિસીએટ કરું જ છું. હું જ્યારે પણ માંદી પડું તેઓ મને તેમના મહત્વના કામ પણ બાજુ પર મૂકી પહેલા મને હોસ્પિટલ લઈ જાય છે. મને મનગમતી વસતુઓ પણ લાવી આપે છે. તેઓ જે રીતે મારી કેર લે છે એને માટે હું તેમને દરવખતે thank you કહું છું. આ વખતે હું હસબન્ડ ડે અલગ અંદાજમાં ઉજવીશ. આ દિવસે પીઝ્ઝા, વેડમી બનાવીને ઘરના પુરુષોને જમાડીશું. રાતે આઈસ્ક્રીમ ખાવા બહાર લઈ જઈશું. આ ડે પર હું મારા હસબન્ડને thanks કહી તેઓ મારા અને પરિવાર પ્રત્યે જે જવાબદારી ઉઠાવે છે તેના માટે તેમને અપ્રિસીએટ કરીશ.’’

લગ્ન બાદ મને ડબલ M.A. પૂરું કરાવ્યું એટલે તેઓ પ્રશંસાને પાત્ર છે: મેઘા મહેતા
શહેરના વેસુ વિસ્તારમાં રહેતાં 43 વર્ષીય મેઘાબેન મહેતા સ્કૂલ પ્રિન્સિપાલ છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારા હસબન્ડ નૈનેશ કોર્પોરેટ ક્ષેત્રમાં એડમીનની જોબ કરે છે. અમારા લગ્નને 22 વર્ષ થયાં છે. લગ્ન બાદ મારા હસબન્ડ અને મારી મધર ઇન લોએ મને આગળ ભણાવી. લગ્ન બાદ મેં ડબલ M.A. પૂરું કર્યું. મારા હસબન્ડે ભણવામાં, બાળકના ઉછેરમાં, રસોઈ બનાવવામાં, સબ્જી સમારવામાં, ઘરને ક્લીન રાખવામાં મને મદદ કરી છે. જનરલી પુરુષ ઘરમાં કુકિંગનું કામ નથી કરતા પણ મારા હસબન્ડ સ્વાદિષ્ટ રસોઈ બનાવી મને કિચનના કામમાં મદદ કરે છે ત્યારે હું તેમના કેરિંગ નેચરની તારીફ કરતી જ હોઉં છું. હું માંદી પડું તો તેઓ મને દવાખાને લઈ જાય છે. હું તેમને ચોકલેટ આપીને તેમના પ્રેમાળ સ્વાભાવની તારીફ કરું છું. મારા પિયરના અહીં સુરત આવે ત્યારે તેમની ખાતીરદારીમાં મારા પતિ કોઈ કચાશ નથી રાખતા. હું વર્લ્ડ હસબન્ડ ડેના દિવસે મારા પતિને એમની મનગમતી પ્રવૃત્તિ કરવા માટે સપોર્ટ કરીશ. તેઓ તેમના ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ માટે જવા માંગતા હોય, મૂવી જોવા માંગતા હોય કે કોઈ તેમની પસંદની સ્પોર્ટ રમવા માંગતા હોય તો તેને માટે પ્રોત્સાહન આપીશ. હું બીમાર હોઉં ત્યારે તેઓ રોટલી પણ બનાવે છે. મારી સફળતા પાછળ મારા હસબન્ડનો ખૂબ મોટો હાથ રહ્યો છે.’’

હસબન્ડના સહકાર વગર મારા માટે જોબ કરવું ઇમ્પોસીબલ છે: મિલી બેદ
શહેરના વેસુ વિસ્તારમાં રહેતાં 39 વર્ષીય મિલી બેદ સ્કૂલટીચર છે. તેમણે જણાવ્યું કે, ‘‘મારા હસબન્ડ રોનક બેદ ટેક્સટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. અમે મુંબઈ પણ રહયા છીએ પણ ત્યાં મને નહીં ગમતું હતું. એટલે એમણે મારી ખુશી માટે હું સુરતમાં રહી શકું તે માટે તેમણે પોતાનો બિઝનેસ સુરત શિફ્ટ કરેલો. મેં તેમની મારા પ્રત્યેની આ ભાવનાને thank you dear કહીને તેમને એપ્રિસીએટ કરેલા. જ્યારે પણ તે મને હેલ્પફૂલ થાય છે હું સરપ્રાઈઝ ડિનર પ્લાન કરી તેમની પ્રશંસા કરું છું કદર કરું છું. મારા હસબન્ડ માને છે કે જ્યારે હસબન્ડ-વાઈફ બંને જોબ કરતા હોય ત્યારે બંને એકબીજાને કોપરેટ કરતાં હોય તો ઓ તો લાઈફ ઇઝી બને જ્યારે અમારા ઘરે કામવાળી નહીં આવે ત્યારે અમે બંને ઘરનું કામ કરી લઈએ છીએ એટલે હું માનું છું કે હસબન્ડને અપ્રિસીએટ કરવા જોઈએ. હસબન્ડ અપ્રિશિયેશન ડે પર હું હસબન્ડ માટે ડિનર ડેટ પ્લાન કરવાની છું. હું કેક કટિંગ કરી તેમને સરપ્રાઈઝ પણ આપીશ.’

પશ્ચિમી સંસ્કૃતિમાં પરિવારને લઈને અવનવા ડે ઉજવાય છે. સીબલિંગ્સ ડે, ફેમિલી ડે, સ્પાઉસ ડે, ફાધર્સ અને મધર્સ ડે. આ બધા ડે વિશે તો આપણે જાણીએ જ છીએ. હસબન્ડ અપ્રિશિયેશન ડે પણ ઉજવાય છે તે તો ઘણા ભારતીયોને ખ્યાલ જ નથી. જો કે હવે થોડાંક લોકોને આ ડેની ખબર પડવા લાગી છે એટલે હવે સુરતની ઘણી પરિણીત મહિલાઓએ આ દિવસ ઉજવવા માટેના પ્લાનીંગ કરી દીધા છે. જ્યારે અમે સુરતની ઘણી મહિલાઓને પૂછ્યું કે પતિ અગર ઘરનાં નાનાં-મોટાં કામ કરે તો તેને પતિનું પણ આ કર્તવ્ય છે એવું સમજવું જોઈએ કે પછી પતિને અપ્રિસીએટ કરવા જોઈએ? ત્યારે જવાબ એવો હોય છે કે, આજના જમાનામાં જ્યારે પતિ-પત્ની બંને નોકરી કરે છે ત્યારે બંને સમજીને જ અંડરસ્ટેન્ડિંગથી જ કામની જવાબદારી લઈ લેતા હોય છે એટલે બંનેની અંડરસ્ટેન્ડિંગને બંને અપ્રિસીએટ કરે છે. વાત રહી હસબન્ડ એપ્રિસીએટ ડેની તો હસબન્ડ વાઈફ બંને એકબીજાને વારે-તહેવારે કે વગર કારણે પણ એકબીજાને ગિફ્ટ આપી એકબીજાની કર્તવ્ય ભાવનાની કદર કરતા જ હોય છે પણ હવે જ્યારે હસબન્ડ અપ્રિશિયેશન ડેની ખબર પડી છે તો પતિને મનપસંદ વાનગીઓ બનાવવી કે પછી પતિને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા દઈને આ ડે ઉજવવાનું સુરતી પરિણીત મહિલાઓ વિચારી રહી છે.

Most Popular

To Top