SURAT

સુરતમાં હનીટ્રેપ: ફેસબુક પર યુવતી સાથે ચેટિંગ કરવાનું વરાછાના આધેડને ભારે પડ્યું!

સુરત: સુરત (Surat) શહેરમાં જ્વેલર્સના (Jewelers) શોરૂમમાં નોકરી કરતા એક આધેડને ફેસબુક (Facebook) પર અજાણી યુવતીને હેલ્લોનો મેસેજ કરવાનું ભારે પડ્યું હતું. ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ આધેડને હનીટ્રેપમાં (Honey Trap) ફસાવી રૂ. 16.50 લાખનો તોડ કર્યો હતો. બંધ રૂમમાં આધેડને લઈ ગયા બાદ યુવતીએ તેના કપડાં ઉતાર્યા હતા ત્યારે જ બે અજાણ્યા ઈસમો રૂમની અંદર ધસી આવ્યા હતા અને ”મારી પત્ની સાથે તું શું કરી રહ્યો છે? મારે તેને રાખવી નથી, હવે તું જ લઈ જા..” તેવું કહી આધેડને ગડદાંપાટુંનો માર માર્યો હતો. ત્યાર બાદ પૂણા પોલીસ મથકમાં ફોન કરું છું એવી ધમકી આપી બ્લેકમેઈલ કર્યો હતો. ઝવેરાતની દુકાનમાં નોકરી કરતા આ આધેડે સમાજમાં બદનામ થવાની બીકે બ્લેકમેઈલરોને બે તબક્કામાં કુલ 16.50 લાખની રકમ ચૂકવી આપી હતી. આ મામલે આધેડે પોલીસ ફરિયાદ કરતા પુણા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોટા વરાછાના રીવર હેવરમાં રહેતા 54 વર્ષીય હિંમતભાઈ પરસોત્તમભાઈ ખેની કતારગામ દરવાજાની બાજુમાં આવેલી હસ્તમિલામ જ્વેલર્સની કંપનીમાં નોકરી કરે છે. ગઈ તા. 7મી ડિસેમ્બર 2022ના રોજ બપોરે આશરે 12 વાગ્યે તેમના ફેસબુક પર મીના પટેલ નામની યુવતીનો હેલ્લોનો મેસેજ આવ્યો હતો. હિંમતભાઈએ તે યુવતીને જવાબમાં હેલ્લોનો મેસેજ કરતા બંને વચ્ચે ચેટ શરૂ થઈ હતી. બે ત્રણ દિવસના ચેટિંગ બાદ 12 ડિસેમ્બરે મીના પટેલે વીડિયો કોલ કરી હિંમત ખૈનીને સીતાનગર ચોકડી પાસે બપોરે 2 વાગ્યે મળવા બોલાવ્યો હતો.

હિંમત ખૈની ત્યાં પહોંચ્યા ત્યારે મીના પટેલ તેમની મોટર સાયકલ પર બેસી ગઈ હતી અને હરીધામ સોસાયટીમાં મકાન નં. 144ના રૂમમાં લઈ ગઈ હતી. જ્યાં ગાદલું પાથર્યું હતું. રૂમમાં જતા વેંત જ મીના પટેલ હિંમત ખૈનીના કપડા ઉતારવા લાગી હતી. ત્યારે જ બે ઈસમો રૂમમાં ધસી આવ્યા હતા. તે પૈકી એક ઈસમે ”આ મારી પત્ની છે તું શું કરે છે” તેમ કહી હિંમત ખૈનીને માર માર્યો હતો. ”આ મારી ઘરવાળી ને તું જ લઈ જા મારે તેને રાખવી નથી” એમ કહી માર મારી પૂણા પોલીસમાં ફરિયાદ કરવા ધમકી આપી હતી. તેથી સમાજમાં બદનામ થવાની બીકે હિંમત ખૈનીએ માફી માગી હતી ત્યારે રૂમમાં ત્રીજો ઈસમ આવ્યો હતો અને ત્રણેય જણાએ સમાધાન માટે રૂ. 8.50 લાખની માગણી કરી હતી.

બદનામીના ડરે હિંમત ખૈનીએ પત્નીના દાગીના ગીરવે મુકી 4.98 લાખ તેમજ ઉધાર લઈ બીજા દિવસે 2.50 લાખ આપ્યા હતા. દરમિયાન થોડા દિવસ બાદ તા. 19 ડિસેમ્બરના રોજ હિંમત ખૈનીના ઘરની નીચે પોલીસના સ્વાંગમાં બે ઈસમો આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ કેસથી બચવું હોય તો 10 રૂપિયાની માગણી કરી હતી. બદનામીના ડરે હિંમત ખૈનીએ મિત્ર, સગાસંબંધી પાસે ઉધાર લઈ સાંજ સુધીમાં 9 લાખ કરી આપ્યા હતા. રૂપિયા લીધા બાદ બંને ઈસમોએ કોઈને કશું કહ્યું તો મારી નાંખીશું તેવી ધમકી આપતા હિંમત ખૈની ચિંતામાં મુકાયા હતા. હિંમત ખૈનીએ સમગ્ર ઘટના અંગે ભાઈને જાણ કર્યા બાદ વકીલ મારફતે તોડબાજો અરિવંદ મુંજપરા, પારસ ઉર્ફે ગોલ્ડન, હરેશ સરવૈયા તથા અલ્કા ઉર્ફે રેખા વિરુદ્ધ પોલીસને અરજી કરી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top