Vadodara

પીસીબીએ બીલ પાસેના એક ગોડાઉનમાંથી રૂ.11.21 લાખનો સડેલો ગોળ પકડી પાડ્યો

વડોદરા :  બીલ ગામ રોડ સીલસર કંપની પાસેના એક ગોડાઉનમાંથી પીસીબી દ્વારા 44850 કિલો રૂ.11 લાખથી ઉપરાંતની કિંમતનો અખાધ્ય(સડેલો) ગોળનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પીસીબી દ્વારા તમામ મુદ્દામાલ કબ્જે કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવી વધુ તપાસ અર્થે માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, બીલ ગામ રોડ સીલસર કંપની સામે વ્રજ વાટીકા એપાર્ટમેન્ટ પાસે અટલાદરા ખાતે આવેલા એક ગોડાઉનમાં અખાધ્ય ગોળ ઉતરી રહ્યો છે. જેના આધારે પીસીબીએ બાતમીવાળા સ્થળે દરોડા પાડ્યા હતા.

જે દરોડા દરમિયાન ગોડાઉન પરથી ગોડાઉનનો માલીક પ્રિયલ ઠાકોરભાઈ સુખડીયા(રહે, લકુલેશનગર સોસાયટી, પાદરા) મળી આવ્યો હતો. સાથે જ સ્થળ પરથી 44850 કિલો અખાધ્ય(સડેલો) ગોળ રૂ.11.21ની કિંમતનો મળી આવ્યો હતો.  પીસીબીએ ગોડાઉનમાં રાખેલા ગોળ અંગે કોઈ ટેસ્ટીંગ રીપોર્ટ છે કે કેમ?  તેની પુછપરછ કરતા ગોડાઉન કોઈ પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો. જેથી આ મામલે એફ.એસ.એલની ટીમની મદદ લેવામાં આવી હતી. જેમાં તે ટીમ દ્વારા પ્રાથમિક ચકાસણી કરાતા તે ગોળ ઘેરા બદામી જેવા રંગનો ગાંગડા તથા ભુકા સ્વરૂપનો અરૂચીકર વાસ ધરાવતા પદાર્થ તરીકે હોવાનું જાણાઈ આવ્યો હતો. આ પદાર્થ સડેલા ગોળની વ્યાખ્યાને અનુસરતો પદાર્થ હોવાની હકીક્ત જણાતા તમામ શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી પીસીબી દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવવામાં આવી હતી. અને તપાસ અર્થે તે મુદ્દામાલ માંજલપુર પોલીસને સુપરત કરવામામાં આવ્યો હતો.

ગોળના સેમ્પલ એફએસએલ માટે મોકલી અપાયા
સડેલો ગોળ પકડાયા બાદ તેના રીપાર્ટ માટે સેમ્પલ એફ.એસ.એલમાં મોકલી અપાયા હતા, સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવામાં આવી હતી અને તેની તપાસ માંજલપુર પોલીસ દ્વારા કરવામાં આવશે. એફએસએલનો રીપોર્ટ બાદ કાર્યવાહી કરાશે. -જે.જે.પટેલ(PI PCB)

Most Popular

To Top