Dakshin Gujarat

કોસંબા નજીક હાઈવે પરથી પસાર થતી કારમાં આગ લાગી

હથોડા: મોડી સાંજે કોસંબા (Kosamba) નજીક સાવા પાટિયા હાઇવે (Highway) પરના ઓવરબ્રિજ (Overbriedge) પરથી પસાર થતી કારમાં (Car) અચાનક આગ ફાટી નીકળતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.

સુરતથી કારમાં બેસી બે યુવાન મોડી સાંજે અંકલેશ્વર જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર કોસંબા નજીકના સાવા ગામની હદમાં ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી. એ વેળા કારના બોનેટમાંથી ધુમાડો દેખાતાં કારના ચાલકે કાર ઊભી રાખી કારમાં સવાર બંને યુવાન નીચે ઊતરી પડ્યા હતા અને અચાનક કારમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી કારને લપેટમાં લેતાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગતાં હાઇવે પરથી પસાર થતાં વાહનોના ચાલકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આગ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નથી.

અંકલેશ્વર જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગ
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં સાંજે એકાએક આગ ફાટી નીકળતાં આગમાં કંપનીનો પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો હતો.
જીઆઈડીસીની ખ્વાજા ચોકડી પાસે આવેલી એમએસ કેમિકલ કંપનીમાં સાંજે પ્લાન્ટમાં આગ ફાટી નીકળતાં આગમાં હજારો લીટર કેમિકલ બળીને ખાખ થઇ ગયું હતું. આગને કારણે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં કેમિકલનો ધુમાડો છવાઈ ગયો હતો અને ૧૦ કિલોમીટર દૂરથી ધુમાડો નજરે પડતો હતો. આગમાં કંપનીનો પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી. આગને કાબૂમાં લેવા માટે ડીપીએમસીના ચાર લાયબંબા ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. આગનું કારણ અને નુકસાનની વિગત હજુ જાણવા મળી નથી.

મહુવાના કોષ ગામે ટ્રેક્ટર અડફેટે ઘાયલ યુવાનનું મોત
અનાવલ: મહુવા તાલુકાના કોષ ગામે નવા ફળિયામાં રહેતા ધર્મેશ પ્રવીણ પટેલ પોતાની મોટરસાઇકલ (GJ-19-AQ-4981) લઈ ગામમાં જતો હતો. એ દરમિયાન અજાણ્યા ટ્રેક્ટર ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ધર્મેશની મોટરસાઇકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક યુવાન ધર્મેશ પટેલને માથા અને હાથના ભાગે ગંભીર ઈજા થતાં તેને ત્વરિત 108મા સારવાર માટે અનાવલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ અને ત્યાંથી સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતક યુવાનના પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રેક્ટરચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top