SURAT

હજીરાના કેટલાક ઔધોગિક એકમોએ આ સરકારી જમીનો ઉપર કેમિકલયુક્ત ડસ્ટના ડુંગર બનાવી દીધા

સુરતઃ હજીરા (Hazira) ખાતે વિશ્વભરના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. પરંતુ આ ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી કચરો ગામના કેટલાક ટ્રાન્સપોર્ટર સરેઆમ સરકારી જમીન ઉપર ઠાલવી રહ્યાં છે. દામકા અને મોરા ગામમાં આવેલી સરકારી જમીનો ઉપર હજીરાના કેટલાક ઔદ્યોગિક એકમો કેમિકલયુક્ત ડસ્ટ ઠાલવી રહ્યાં છે. અને આ સરકારી જમીનો ઉપર આવા ઝેરી વેસ્ટના ડુંગરો લાગી જતા લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસર પડી રહી છે.

દામકા ગામ ખાતે રહેતા કમલેશભાઈ સુરતી દ્વારા એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં તેમના દ્વારા દામકા અને મોરાગામની સરકારી જમીનો ઉપર હજીરા ખાતે ધમધમતા કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલ યુક્ત ઝેરી ડસ્ટ ઠાલવવામાં આવી રહ્યો હોવાની રજૂઆત કરાઈ છે. પરંતુ આજદિન સુધી તેમની રજૂઆત ઉપર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગે છે. મોરા ગામની સરકારી સર્વે નંબર 148 અને દામકા ગામની સરકારી જમીન સર્વે નંબર 285 છે. આ બંને સરકારી જમીનો ઉપર કેટલાક ઔદ્યોગિક એકમો કેમિકલ યુક્ત ઝેરી ડસ્ટ ફેંકી રહ્યા છે. આ ઝેરી ડસ્ટના ઘણા સમયથી ડુંગરો બનાવી દેવાયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર આ રીતે કેમિકલયુક્ત ડસ્ટનો નિકાલ કરી શકાય નહીં તેમ છતાં આ ઔદ્યોગિક એકમો દ્વારા ખુલ્લેઆમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. અને લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. આ ઔદ્યોગિક એકમોએ સરકારી જમીન ઉપર આ પ્રકારનો કેમિકલ યુક્ત ઝેરી પદાર્થ ઠાલવવા માટે કોઈપણ પ્રકારની મંજૂરી કલેકટર કે ગ્રામ પંચાયતમાંથી લીધી નથી. આ અત્યંત જોખમી ડસ્ટ જો હવામાં પ્રસરે તો માનવજીવન ઉપર ગંભીર રોગોની અસર થઈ શકે છે. આ માટે ખરેખર ગ્રામપંચાયત પાસે એનઓસી લેવાનું હોય છે. તે ઉપરાંત ઝેરી કચરો સંગ્રહ કરવા માટે પણ જીપીસીબીની પરમીશન લેવાની હોય છે. આ પરમીશન પણ કેટલીક શરતો પરિપૂર્ણ કરે તો જ મળે છે. પરંતુ ગામના કેટલાંક લોકોએ ભેગા થઇ કેમિકલ કચરો સંગ્રહ કરવાનુ શરુ કરી દીધું છે.

દામકા ગામના સરપંચે તો બગીચો બનાવ્યો તેમાં પણ પુરાણ પણ ઝેરી કચરાથી કર્યું
હજીરા વિસ્તારની સરકારી જમીનો ઉપર ઠાલવવામાં આવી રહેલા ઝેરી કચરાને લઇને ગ્રામવાસીઓમાં ભારે રોષ ફેલાઇ ઉઠયો છે. કેમ કે આ ઝેરી કેમિકલ કચરામાં સીસાનુ પ્રમાણ પણ મોટાપાયે છે. જે કેન્સર જેવા ઘાતક રોગ માટે જવાબાદર છે. તેવી જ રીતે જોઇએ તો મોરા ગામના સરંપચે પણ હોલ બનાવ્યો છે. જેમાં પુરાણ માટે માટી કે ગ્રાવલને બદલે સીધો કેમિકલ વેસ્ટ ઠાલવી દેવાયો છે. આગામી દિવસોમાં આ મામલે નવાજૂની થાય તેવા એંધાણ વતાઈ રહ્યાં છે.

કેટલાાક ટ્રક માલિકોની પણ ખુલ્લી દાદાગીરી જાહેરમાં કચરાનો ખડકલો કરી દીધો
હજીરા વિસ્તારની ફેકટરીઓમાંથી નીકળતા કચરાને વહન કરવા માટે મોટાપાયે મોટી અને તગડી રકમોના કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આ કોન્ટ્રાકટ પછી પણ કેટલાંક કોન્ટ્રાકટરો અને ટ્રક માલિકો કાયદાની ઐસી કી તૈસી કરે છે. જેને લઇને હજીરા કાંઠા વિસ્તારના સેંકડો લોકોના જીવ ઉપર જોખમ ઊભું થયું છે આગામી દિવસોમાં સરકારી જમીનને બાપની માલિકીની સમજી કચરો ઠાલવી રહેલા લોકોના નામઠામ સાથે વધુ અહેવાલ પ્રગટ કરાશે.

Most Popular

To Top