National

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગનું કુસ્તીબાજોને સમર્થન કહ્યું આરોપો સાચા નીકળશે તો WFIને સસ્પેન્ડ કરાશે

ભાજપના (BJP) સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ (Wrestlers) પોતાના મેડલ ગંગામાં વહાવી દેવાની વાત કહી હતી. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક ગંગામાં તેમના મેડલ (Medal) વહાવવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસશે તેવું જણાવ્યું હતું.

કુસ્તીબાજોના આરોપો વચ્ચે બ્રિજ ભૂષણેનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હવે મામલો દિલ્હી પોલીસના હાથમાં છે. કુસ્તીબાજોની વિનંતી પર જ FIR દાખલ કરવામાં આવી હતી. હવે તપાસ ચાલી રહી છે. હવે એમાં તેમને મદદ કરવા આપણે શું કરી શકીએ? આજે તેમણે ગંગાજીમાં મેડલ વહાવાને બદલે ટિકૈતને મેડલ આપ્યા, તો આ તેમનું સ્ટેન્ડ છે, આમાં આપણે શું કરી શકીએ. રાજીનામું આપવાના પ્રશ્ન પર તેમણે કહ્યું- મારો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે. જો હું ખોટો સાબિત થઈશ તો મારી ધરપકડ થઈ જશે. આ અંગે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ કુસ્તીબાજોને સમર્થન આપ્યું છે અને એક નિવેદન જારી કરીને સમગ્ર મામલાની તપાસ કરવા જણાવ્યું છે. એમ પણ કહ્યું કે જો આરોપો સાચા નીકળશે તો WFIને સસ્પેન્ડ કરવામાં આવશે.

આ વાતની જાણ થતાં જ ખેડૂતનેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈત હરિદ્વાર પહોંચી ગયા હતા. તેમણે કુસ્તીબાજો પાસેથી મેડલ લઈ લીધા હતા. કુસ્તીબાજો સાથે વાત કરીને તેમણે કેન્દ્ર સરકારને કાર્યવાહી માટે 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, “આખો દેશ ચોંકી ગયો છે. આખા દેશની આંખોમાં આંસુ છે. હવે વડાપ્રધાને પોતાનું ઘમંડ છોડી દેવું જોઈએ.”

સગીર યુવતીના કાકાનો દાવો, રેસલર્સે મારા પરિવારને ગેરમાર્ગે દોરી બ્રિજ ભૂષણ પર આરોપ મૂકવા ઉપયોગ કર્યો
બ્રિજ ભૂષણ શરણ સિંગ પર જે સગીર રેસલર્સનું જાતિય શોષણ કરવાનો આરોપ હેઠળ પોક્સો એક્ટ લાગુ કરાયો છે તે છોકરીના કાકા હોવાનો દાવો કરતાં અમિત પહેલવાને ધરણા પ્રદર્શન કરનારા રેસલર્સ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ મારા પરિવારને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપો લગાવવા માટે મારા પરિવારનો ઉપયોગ કરી રહ્યા છે.

અમિતે દાવો કર્યો હતો કે રેસલર્સે છેતરપિંડી કરીને પોક્સોનો દુરુપયોગ કરવા માટે મારા ભાઈની પુત્રીની ઉંમર બદલીને 16 વર્ષ કરી દીધી છે. તેણે કહ્યું કે મારી ભત્રીજીનો જન્મ 22 ફેબ્રુઆરી 2004ના રોજ થયો હતો. તેણે વધુમાં ઉમેર્યું હતું કે આ રેસલર્સ મારા પરિવારનો ઉપયોગ કરી રહ્યા છે. હું એ સગીર છોકરીના પરિવારનો છું જેને તેઓએ પીડિતા તરીકે વર્ણવી છે. તે મારી ભત્રીજી છે અને હું તેનો કાકો છું. પંજાબના કેટલાક ખેલાડીઓ, સાક્ષી અને વિનેશ મારા ભાઈને ગેરમાર્ગે દોરે છે. તેઓ મગરના આંસુ વહાવી રહ્યા છે. અમને ન્યાય જોઈએ છે.

ગંગા સભાના પ્રમુખ નીતિક ગૌતમે ખેલાડીઓના મેડલ ગંગામાં ડૂબાડવાનો વિરોધ કર્યો
એક તરફ કુસ્તીબાજો પોતાના મેડલ ગંગામાં ફેંકવા માટે હરિદ્વાર પહોંચ્યાં હતા ત્યારે તેઓ મેડલ ગંગામાં વહાવતા પહેલા હરીકી પૌડી પર બેસીને ખૂબ રડ્યા હતા. બીજી તરફ ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગંગા સભાના પ્રમુખ નીતિક ગૌતમે ખેલાડીઓના મેડલ ગંગામાં ડૂબાડવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ગંગાને રાજકારણનો અખાડો ન બનાવવો જોઈએ.

મહિલા ખેલાડીઓની જાતીય સતામણીના મામલામાં બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનારા કુસ્તીબાજોએ જંતર-મંતરથી હટાવ્યા બાદ તેમની લડાઈ વધુ તીવ્ર બનાવી છે. આક્રોશ વ્યક્ત કરીને વિરોધ કરી રહેલા તમામ કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહાવી દેવાની જાહેરાત કરી હતી. કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર નિવેદનો જારી કરીને કહ્યું કે તેઓ તેમના મેડલ ગંગામાં વહાવવા જઈ રહ્યા છે કારણ કે ગંગાને જેટલી પવિત્ર માનવામાં આવે છે તેટલા જ પવિત્ર તેમણે મેડલ મેળવ્યા હતા. મેડલ ગંગામાં વહેવડાવ્યા બાદ કુસ્તીબાજો દિલ્હીના ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પણ કરશે તેવું તેમણે જણાવ્યું હતું.

દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે કુસ્તીબાજોને રાષ્ટ્રીય સ્મારક ઈન્ડિયા ગેટ પર વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી તરફ હરિદ્વાર પોલીસ પ્રશાસને કહ્યું કે તેઓ હરિદ્વાર આવતા કુસ્તીબાજોને રોકશે નહીં અને ચંદ્રકને ગંગામાં વહેવાને લઈને નદીમાં મેડલ વહેતા અટકાવશે નહીં.

આ દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે આ ખેલાડીઓ જેમણે દેશનું નામ રોશન કર્યું, દેશ માટે ઘણા પ્રતિષ્ઠિત મેડલ લાવ્યા, દેશની સેવા કરી, તેઓ આજે હારી રહ્યા છે. ખુદ વડાપ્રધાન તેમને દેશના હીરો તરીકે માન આપતા હતા. અને હવે તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે તે જોઈને દુઃખ થાય છે. હું સરકારનું આ વલણ સમજી શકતો નથી.

Most Popular

To Top