Comments

હંસના મના હૈ? હંસના જરૂરી હૈ!

‘એ એક ગંભીર સવાલ છે કે હસવું શેની પર? કારણ કે વારાણસીથી લઈને વડીપટ્ટી સુધી બધે ઠેકાણે પવિત્ર ગાયો ચરી રહી છે. તેમની મજાક કરવાની કોઈની હિંમત નથી. અલબત્ત, પવિત્ર ગાયોનું એક પણ સૂચિપત્ર નથી. વ્યક્તિએ વ્યક્તિએ તેમજ પ્રદેશે પ્રદેશે એ બદલાતી રહે છે. અસલી ગાય, અતિ કુપોષિત અને નબળી હોય તો પણ યોગીના પ્રદેશમાં તે પવિત્ર બની જશે. પશ્ચિમ બંગાળમાં ટાગોરનો દરજ્જો આવો જ છે એ પાઠ ખુશવંતસિંઘને થોડી કિંમત ચૂકવીને ભણવા મળ્યો. આપણા પોતાના પ્રદેશ તમિલનાડુની વાત કરીએ તો પથભંજક ‘પેરિયાર’ શ્રી ઈ.વી. રામસ્વામી મહાપવિત્ર ગાય છે. આજના કેરળમાં માર્કસ અને લેનિન પર વ્યંગ્ય કરી શકાય નહીં. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી અને વીર સાવરકરનું એવું સ્થાન છે પણ દેશ આખામાં અંતિમ ગણાતી પવિત્ર ગાય એક જ છે અને એ છે ‘રાષ્ટ્રીય સુરક્ષા.’

મદ્રાસ વડી અદાલતની મદુરાઈ બેન્ચના ન્યાયમૂર્તિ જી. આર. સ્વામીનાથને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાવાયેલા એક મુકદ્દમા બાબતે ચુકાદો આપતાં ડિસેમ્બર, ૨૦૨૧માં આવી ટિપ્પણી કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું ‘દેશના નાગરિકોની ‘હસવાની ફરજ’ પણ છે એ શીખવવા માટે બંધારણમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે.’ આખી વાતનો સાર એ કે ન્યાયમૂર્તિ સ્વામીનાથને બહુ ગંભીરતાપૂર્વક સમજાવ્યું કે હસવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે. કયા કેસના સંદર્ભે તેમણે આમ કહ્યું એ જાણવું રસપ્રદ છે.

વાતના મૂળમાં ફેસબુક પર મુકાયેલી એક તસવીર અને તેને આનુષંગિક લખાણ જવાબદાર હતું. સપ્ટેમ્બરમાં મતિવનન નામના, સી.પી.આઈ. (ઍમ.ઍલ.) પક્ષના કાર્યાલયના ઍક હોદ્દેદાર પોતાનાં દીકરી- જમાઈ સાથે સીરુમલાઈના પ્રવાસે ગયા હતા. પોતાની આ મુલાકાતની તસવીરો તેમણે ફેસબુક પર મૂકી અને સાથે લખ્યું, ‘શૂટિંગ પ્રેકટિસ માટે સીરુમલાઈના પ્રવાસે’. તેમનો સીધો મતલબ કેમેરાથી તસવીરો ‘શૂટ’ કરવાનો હતો. પણ મદુરાઈ જિલ્લાના વડીપટ્ટી નગરની પોલીસને આ લખાણમાં ‘દેશ સામે યુદ્ધ છેડવાની’ હિલચાલની ગંધ આવી. સ્વાભાવિક છે કે ‘શૂટિંગ’ શબ્દને તેમણે ‘નિશાનબાજી’ સાથે સાંકળ્યો. ‘દેશ સામે યુદ્ધ છેડવાની’ હરકતના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી અને તેની પર ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો લગાવવામાં આવી. તેમને કસ્ટડીમાં રાખીને રિમાન્ડ પર લેવા માટે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા. અલબત્ત, મેજિસ્ટ્રેટ ઍમ.સી.અરુણે પરિસ્થિતિ સમજીને રિમાન્ડ આપવાનો ઈન્કાર કર્યો. આમ, હળવાશમાં લખાયેલા એક લખાણે મુશ્કેલી ઊભી કરી દીધી.

આ કેસને ન્યાયમૂર્તિ સ્વામીનાથને પહેલી વારમાં જ રદ કરી દીધો પણ આ મિષે તેમણે દેશમાં પ્રવર્તી રહેલી રમૂજ અંગેની અસહિષ્ણુતા અંગે સચોટ ટિપ્પણી કરી. દેશના કેટલાક અગ્રણી વ્યંગ્યકારો-કાર્ટૂનિસ્ટોને તેમણે યાદ કર્યા અને આ મુકદ્દમાનો ચુકાદો એ વ્યંગ્યકારો લખે તો કેવો લખે એવી પણ વાત કરી. તેમણે કહ્યું કે જગ સુરૈયા (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા), બચી કરકરિયા (ટાઈમ્સ ઑફ ઈન્ડિયા), ઈ.પી.ઉન્ની (ઈન્ડિયન ઍક્સપ્રેસ) અને જી. સંપત (ધ હિન્દુ) જેવા વ્યંગ્યકાર-કાર્ટૂનિસ્ટો આનો ચુકાદો લખે તો તેઓ આપણા દેશના નાગરિકોની મૂળભૂત ફરજોમાં વધુ એકનો ઉમેરો કરે- અને એ છે હસવાની ફરજ. ન્યાયમૂર્તિએ જણાવ્યું કે બંધારણના અનુચ્છેદ ૧૯ (૧) (અ)માં હસવાની ફરજનો સમાવેશ કરી શકાય. રમૂજી હોવું અને કોઈકની મજાક કરવી એ બન્ને અલગ બાબતો છે.

‘યુદ્ધ છેડવા’ની ક્રિયામાં વિવિધ તબક્કા હોય છે. એ માટે પહેલાં તો માણસો અને શસ્ત્રસરંજામ એકઠાં કરવામાં આવે છે. તેમાં સંકળાયેલા પ્રત્યેક માણસને ચોક્કસ કામ સોંપવામાં આવે છે. પોતાના પ્રવાસની તસવીરો માટે લખેલા લખાણ સિવાય મતિવનને કશું કર્યું નથી. તેમની ઉંમર ૬૨ વર્ષની છે. બાજુમાં તેમની દીકરી ઊભેલી છે. જમાઈ પણ તસવીરમાં જોવા મળે છે. સીરુમલાઈનું કુદરતી સૌંદર્ય દર્શાવતી અન્ય ચાર તસવીરો પણ મૂકવામાં આવી છે. કોઈ શસ્ત્ર યા વાંધાજનક લખાણ તેમની પાસેથી મળી આવ્યું નથી. આ લખાણ અને તસવીરો જોનાર કોઈ પણ સામાન્ય અને ધોરણસરના માણસે તેને હસવામાં જ લીધી હોત. પ્રથમદર્શી ફરિયાદ દાખલ કરવાની વાતને જ ન્યાયમૂર્તિએ વિચિત્ર ગણાવી હતી અને આ અરજીને ફગાવી દીધી હતી.

ન્યાયમૂર્તિ સ્વામીનાથને કરેલી ટિપ્પણી બહુ માર્મિક છે અને દેશની વર્તમાન પરિસ્થિતિની ગંભીરતા પ્રત્યે આંગળી ચીંધે છે. લાગણી દુભાવાનો જાણે કે હવે ગૃહઉદ્યોગ બની ગયો છે. દરેક પ્રદેશની, લોકોની પોતાની પવિત્ર ગાય છે, જેની પર કદી રમૂજ ન થઈ શકે. આવા વાતાવરણમાં ખ્યાતનામ અમેરિકન માસિક ‘મૅડ’ તીવ્રપણે યાદ આવ્યા વિના રહે નહીં. ૧૯૫૨થી આરંભાયેલા આ માસિકે ૬૫ વર્ષની સફર પછી ૨૦૧૭માં વિરામ લીધો ત્યારે હાસ્યવ્યંગ્યક્ષેત્રે તે એક દીવાદાંડી સમાન બની રહ્યું હતું. અમેરિકન સમાજના વિવિધ ક્ષેત્રોની જાણીતી વ્યક્તિઓને તેણે પોતાના વ્યંગ્યનું નિશાન બનાવી હતી. એમ કહી શકાય કે આ સામયિક માટે કોઈ કહેતાં કોઈ જ વ્યક્તિ યા વિષય પવિત્ર ગાય નહોતો. આપણા દેશમાં પણ રમૂજ તથા હાસ્યવ્યંગ્યની સમૃદ્ધ પરંપરા છે પણ હવે તેને લાગણી દુભાવાની બીમારી આભડી ગઈ હોય એમ લાગ્યા વિના રહેતું નથી. સ્વસ્થ રમૂજને માણી ન શકે એવો સમાજ ભાગ્યે જ સ્વસ્થ રહી શકે. ન્યાયમૂર્તિ સ્વામીનાથને આ મુકદ્દમાને સીધેસીધો ફગાવી દીધો હોત તો ચાલત પણ એ નિમિત્તે તેમણે રમૂજને લગતી ટિપ્પણી કરવાની તક ઝડપીને મહત્ત્વનું કામ કર્યું છે. નાગરિક તરીકે આપણે પણ આ બાબતે આંતરદર્શન કરવાની તક લેવા જેવી ખરી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top