Gujarat

ફ્લડ પ્લેન ઝોન એક્ટ: શહેરમાં પૂરની સ્થિતિ નિવારવા નદીઓની વહન ક્ષમતા વધારાશે

સુરત: (Surat) રાજ્યમાં સુરત સહિતના શહેરોમાં નદીઓમાં આવતા પૂર (Flood) અને તેને કારણે થતી ખાનખરાબીને અટકાવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ફ્લડ પ્લેન ઝોન એક્ટ (Flood Plain Zone Act) તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સને 1975માં આ એક્ટ બનાવવામાં આવ્યો હતો અને ઘણા વખતથી રાજ્યોને પણ આ એક્ટ બનાવવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી રહી હતી. જેને પગલે હવે ગુજરાતમાં પણ એક્ટ બનાવવામાં આવશે.

  • રાજ્યમાં નદીઓના પૂરમાં થતી ખાનાખરાબી અટકાવવા ફ્લડ પ્લેન ઝોન એક્ટ બનાવાશે
  • નદીઓની વહનક્ષમતાઓ ઘટી ગઈ હોવાથી પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે, એક્ટ દ્વારા વહનક્ષમતા વધારવાની સાથે અન્ય આયોજનો કરાશે
  • માજી સાંસદ જીવાભાઈ પટેલ દ્વારા આ એક્ટ બનાવવા માટે રજૂઆત કરાઈ હતી, જેને પગલે હવે સરકારે કામગીરી પણ શરૂ કરી
  • કેન્દ્ર સરકાર દ્વારા સને 1975માં આ એક્ટ ઘડવામાં આવ્યો હતો, બાદમાં રાજ્યોને પણ એક્ટ બનાવવા માટે એડવાઈઝરી અપાઈ હતી

રાજ્યના માજી સાંસદ જીવાભાઈ પટેલ દ્વારા આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. એક વર્ષ પહેલા કરાયેલી રજૂઆતોમાં જીવાભાઈ પટેલ દ્વારા એવી માંગણી કરવામાં આવી હતી કે સુરતમાં સને 1998 અ્ને 2006માં વ્યાપક પૂર આવ્યા છે અને તેને કારણે સુરતને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ક્યારેક અને ક્યારેક પૂર આવ્યા છે. પૂર આવવાનું કારણ એ છે કે હાલમાં નદીઓની વહનક્ષમતાઓ ઘટી ગઈ છે. જેથી નદીઓની વહનક્ષમતા વધે અને કાંઠાઓને સુરક્ષિત રાખી શકાય તે માટે આ એક્ટની જરૂરીયાત છે. રાજસ્થાન સરકાર દ્વારા આ એક્ટ પાસ કરવામાં આવ્યો હોવાથી હવે ત્યાં પૂરની સ્થિતિમાં ઓછું નુકસાન થાય છે.

થોડા સમય પહેલા અમદાવાદના એક જાગૃત નાગરિક દ્વારા પણ આ ફ્લડ પ્લેન ઝોન એક્ટ બનાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. મોદી સરકારે પણ તાજેતરમાં રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી હતી કે રાજ્યો દ્વારા ફ્લડ પ્લેન ઝોન એક્ટ બનાવવામાં આવે. મોદી સરકારની એડવાઈઝરીને પગલે હવે ગુજરાત સરકારે પણ આ એક્ટ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. સાંસદ જીવાભાઈ પટેલને સિંચાઈ યોજનાના રાજ્ય સરકારના ખાસ ફરજ પરના અધિકારી એસ.બી.પ્રજાપતિ દ્વારા પત્ર લખીને એક્ટ બનાવવાની કામગીરી ચાલુ હોવાની જાણ કરવામાં આવી છે. જો આ એક્ટ બની જશે તો રાજ્યમાં અનેક નદીઓને બચાવી શકાશે.

Most Popular

To Top