National

આબુમાં મેઘતાંડવ- 30 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ બંધ કરાયા

જયપુર: બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં (Gujarat) ભારે તબાહી મચાવી હતી ત્યારપછી તે રાજસ્થાન (Rajasthan) તરફ ફંટાયું હતું. રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. પર્યટન સ્થળ આબુમાં પણ 30 ઈંચ વરસાદ ખાબકતા અનેક માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. આબુમાં સર્જાયેલો આ મેધતાંડવ વધુ ઉગ્ર બને તેવી પણ આગાહી કરવામાં આવી છે. અંબાજીથી આબુ જવાના રોડ પર ભેખડો પણ ઘસી આવી છે. વાહન વ્યવહારને મોટી અસર થવા પામી છે. જો કે આ ઘટનમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

રાજસ્થાનમાં 25 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે અને હાલ જળબંબાકારની સ્થિત સર્જાઈ છે. હવામાન વિભાગે રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તેનાથી હજુ પરિસ્થિતિ ખૂબ બગડી શકે છે. રાજસ્થાનનું સાંચોર જળમગ્ન થઈ ગયું છે. રાજસ્થાનનાં બાડમેર, સિહોરી, જાલોર, પાલી, જોધપુર, અજમેર, બીકાનેર, સહીત ડઝનથી વધુ જીલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 500 થી વધુ ગામોમાં બ્લેક આઉટની સ્થિતિ વચ્ચે એનડીઆરએફ તથા એસડીઆરએફને રાહત બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે.

રાજસ્થાનના મારવાડમાં છેલ્લા 24 કલાકમાં 12 સ્થળોએ અતિ ભારે વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સિરોહીના શિવગંજમાં 18 ઈંચ વરસાદ પડ્યો છે. સાંચૌરના રાનીવાડામાં 13 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે આગામી 24 કલાકમાં બિપરજોયની અસર રહેશે.

રાજસ્થાનમાં ચક્રવાતી વાવાઝોડું બિપરજોયના કારણે ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં આ દુર્ઘટનાને કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. રવિવારે 4 લોકોનું ડૂબી જવાથી અને શિલા નીચે દટાઈ જવાથી 17 જૂને એક વ્યક્તિનું મોત થયું હતું. અરબી સમુદ્રમાંથી આવેલા વાવાઝોડાઓમાં બિપોરજોયને સૌથી અસરકારક માનવામાં આવે છે. આ ચક્રવાત 13 દિવસ સુધી સક્રિય રહ્યું છે તેમજ આ ચક્રવાત સાથે સૌથી વધુ વરસાદ પણ પડ્યો છે. આ જ કારણ છે કે ચોમાસાના આગમન પહેલાં રાજસ્થાનમાં પ્રથમ વખત પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.

Most Popular

To Top