Gujarat

જૂનાગઢમાં ચાર ઇંચ, વેરાવળ-સોમનાથમાં અઢી ઈંચ વરસાદ, ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં (Gujarat) ચોમાસાએ (Monsoon) જોર પકડ્યું છે ત્યારે વરસાદ (Gujarat Rain) ને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી (Forecast) કરવામાં આવી છે. આજથી બે દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી છે. ત્યારે આજે રવિવારે પણ અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ, સોમનાથ અને સુત્રાપાડામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમૂકીને વરસતા ચારેકોર પાણી પાણી થઈ ગયુ હતુ. અહીં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ બપોરે 2 વાગ્યા સુધી અવિરત વરસ્યો હતો. જેના પગલે ચાર કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. જૂનાગઢ શહેરની સાથે ગીરનાર પર્વત પર પણ ધોધમાર ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા તળેટીમાં આવેલા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હતી.

વલસાડ (Valsad) જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામા આવી છે. ઉમરગામ, ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે સવારથી જ મેઘરાજા મહેરબાન બન્યા છે. કપરાડા અને આસપાસના વિસ્તારમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. સુરત જિલ્લામાં પણ સવારથી ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે.

જામનગર જિલ્લામાં પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. શનિવારે ગોંડલમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને કારણે સમગ્ર ગોંડલ શહેર પાણીપાણી થઈ ગયુ હતું.

ગતરાત્રીથી વેરાવળ-સોમનાથ (Veraval Somnath) અને સુત્રાપાડા પંથકમાં વરસાદી માહોલ બંધાવવા લાગ્યો હતો. જેને પગલે રાત્રી દરમ્યાન વરસાદી ઝાપડા થયા હતાં. રવિવારે સવારે બે કલાકમાં વેરાવળ-સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતાં. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમાં આજે (રવિવાર) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. રાજકોટમાં ગઈકાલે 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. 

જાણો બે દિવસમાં ક્યાં કેટલા વરસાદની આગાહી

આજે રવિવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેને પગલે બપોર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આવતીકાલે સોમવારે 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top