Gujarat

જુગારના અડ્ડા ચલાવો તો હવે ગુજસીટોક નહીં લાગે !

ગાંધીનગર: ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો હતો. એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ બુધવારે ગુજરાત (Gujarat) વિધાનસભામાં સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને અગાઉની વ્યાખ્યામાં જુગારના અડ્ડા (Gambling Dens) ચલાવવાના કૌભાંડનો ગુનો બનતો હતો. તે હવે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો ગણાશે નહીં. ખાસ કરીને સુરતમાં ચાલતા જુગારના નામચીન તત્ત્વોના જુગારના અડ્ડામાં તાજેતરમાં જ પકડાપકડી થઈ હતી. અલબત્ત, કોઈ લોબીના દબાણ હેઠળ સરકારે આ વ્યાખ્યા સુધારી તેમાં હવે જુગાના અડ્ડા ચલાવવા તે ગુજસીટોક હેઠળ ગુનો બનતો નથી. અગાઉ જે ગુના દાખલ થયા હોય તેને આ જોગવાઈ કોઈ અસર નહીં કરે.

બીજી તરફ આજે વિધાનસભા ગૃહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સંગઠિત ગુનાઓને ડામવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને આતંકવાદ સામેની લડાઈને વધુ ને વધુ મક્કમતાથી આગળ વધારવાનું મન બનાવીને ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે. આ સુધારા વિધેયકના ઉદ્દેશોની વિગતો આપતાં સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, ૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે.

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇપણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે, સરકારે આ અધિનિયમની કલમ-૨ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ-૪ અને કલમ-૨૦ની પેટા-કલમ (૫) સુધારા કર્યા છે. આ નવી જોગવાઈ મુજબ, કલમ-૨ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ)માં ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારનાં કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકિંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદે પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે એ શબ્દોને બદલે, ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકિંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખવી તે એ શબ્દો મૂકવામાં આવ્યા છે.

Most Popular

To Top