Business

દિગ્ગજ નેતાઓ તથા ઉમેદવારોએ મતદાન કર્યુ, જાણો કોણે શું કહ્યું?

ગાંધીનગર: રાજયમાં આજે સવારે 8 વાગ્યાથી સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મતદાનનો (Voting) આરંભ થયો હતો.પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

વિજય રૂપાણી
પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પત્ની અંજલીબેન રૂપાણી સાથે મતદાન કર્યુ હતું. મતદાન કર્યા બાદ તેમણે કહયું હતું કે લોકશાહીની રક્ષા માટે મતદાન જરુરી છે. મને વિશ્વાસ છે કે 7મી વખત ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

રિવાબાએ સવારે મતદાન કર્યુ
જામનદરમા પંચવટી કોલેજ ખાતે જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ મતદાન કર્યુ હતું. મતદાન બાદ રિવાબા જાડેજાએ કહ્યું કે, કોઈ મુશ્કેલી નથી. એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાના લોકો હોઈ શકે છે. મને જામનગરના લોકો પર વિશ્વાસ છે, અમે સર્વાંગી વિકાસ પર ધ્યાન આપીશું, અને આ વખતે પણ ભાજપ સારા માર્જિનથી જીતશે.

મનસુખ માંડવીયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં તેમનો મત આપ્યો.. મનસુખ માંડવિયાએ પત્ની નીતા માંડવિયા અને પરિવારના અન્ય 25 સભ્યોએ સાથે મતદાન આપવા પહોંચ્યા હતા. માંડવીયાએ ભાજપની સરકાર બહુમતિ બેઠકો સાથે બનશે , તેવો વિશ્વાસ વ્યકત્ત કર્યો હતો.

જીતુ વાઘાણી
ભાવનગર પશ્વિમ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ કહયું હતું કે , વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે. વાઘાણીએ પરિવારના સભ્યો સાથે મતદાન કર્યુ હતું.

પરેશ ધાનાણી
અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તથા પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે સવારે મંદિરે દર્શન કરીને સાયકલ બેસીને મતદાન કરવા જવા નીકળ્યા હતા. જો કે તેમની સાયકલ પાછળ તેમણે ગેસનો બાટલો રાખ્યો હતો. એટલે કે ગેસના વધતાં જતાં ભાવો સામે તેમણે વિરોધ કરીને મતદાન કર્યુ હતું. કોંગ્રેસે 500માં ગેસનો બાટલો આપવાનું વચન આપ્યુ છે.

દિલીપ સંઘાણીની હાર્દિક પટેલને સલાહ
દિલીપ સંઘાણીએ કહ્યું, હાર્દિક પટેલ ભાજપની વિચારધારા સાથે રહેશે તો ફાવશે, નહીં તો સસ્પેન્ડ થશે. હજુયે ભાજપના કેટલાય સીનીયર નેતાઓ હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો તે ગમ્યું નથી. આજે સવારે અમરેલીમાં મતદાન બાદ ભાજપના સીનિયર અગ્રણી દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે સરદારનું સ્ટેચ્યુ બનતું હતું ત્યારે પણ તેણે બફાટ કર્યો છે, નરેન્દ્રભાઈ વિશે પણ ભૂતકાળમાં જે ટિપ્પણીઓ કરી હતી. હું વિચારાધારાના આધારે વાત કરી રહ્યો છું. વાલિયો લૂંટારો પણ વાલ્મિકી થઈ ગયો. પાણીને જે વાસણમાં નાખો તે આકાર બને છે. ભાજપની વિચારધારા સાથે ન ચાલે, ન સેટ થાય, તો ભાજપમાં ટકી શકતા નથી. સસ્પેન્ડ પણ કરે છે, કાઢી મૂકે છે.

તેમણે કહ્યું હતું હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે. નહીં તો નુકસાન થશે. ભાજપની વિચારધારા સાથે નહી જોડાય તો સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે હાર્દિકને સભ્ય બનાવ્યો છે. આંદોલનની નહીં. વધુમાં કહ્યું, ભાજપમાં વાલીયો લૂંટારો આવે તો પણ વાલ્મિકી બની જાય છે. તો ભાજપનું ભવિષ્ય સારું છે. તો હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે.ભાજપનું ભવિષ્ય સારું છે, હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે.

પભુભા માણેક
દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેકે મતદાન કર્યુ હતું. તેમણે મતદાન બાદ આપ પાર્ટી પર પ્રહાર કરતાં કહયું હતું કે , ગુજરાતની જનતા સ્માર્ટ છે. તેમણે કહ્યું કે રાજ્યની જનતા મહેનત કરીને કમાણી કરે છે. આવામાં હવે મફતની વાતો અહીં ચાલશે નહીં.

પરષોત્તમ રૂપાલા
અમરેલી જિલ્લામાં આજે સવારે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાના વતન ઇશ્વરીયા ગામે મતદાન કર્યું છે. રૂપાલાએ પોતાના પરિવાર સાથે પોતાના વતન ઈશ્વરીયા મતદાન કર્યું છે. પરસોતમ રૂપાલાના વૃદ્ધ માતાએ પણ મતદાન કર્યું છે.

ઈશુદાન ગઢવી
આપના ખંભાળિયા બેઠકના ઉમેદવાર ઈશુદાન ગઢવીએ મતદાન કર્યા બાદ કહયું હતું કે 89 બેઠકોમાંથી અમે 51 બેઠકો જીતી રહયા છીયે. હું સતત દરેક બૂથમાં ફરી રહ્યો છું , લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ છે પણ ઈવીએમ ખુબ જ ધીમા ચાલી રહ્યા છે.

Most Popular

To Top