Dakshin Gujarat

ભરૂચની 5 વિધાનસભામાં સરેરાશ 63.08 ટકા મતદાન

ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં પાંચ બેઠકો (Five Seats) પર સાંજે ૫ કલાક સુધીમાં જંબુસર બેઠક ઉપર ૬૧.૮૩ ટકા મતદાન (Voting) નોંધાયું હતું. જ્યારે વાગરા બેઠકમાં ૬૩.૧ ટકા, ઝઘડિયા બેઠકમાં ૭૭.૬૫ ટકા, ભરૂચ બેઠકમાં ૫૪.૩૫ ટકા અને અંકલેશ્વર (Ankleshwar) બેઠકમાં ૫૯.૪૩ ટકા મતદાન નોંધાયું હતું. આમ શાંતિપૂર્ણ માહોલમાં એકંદરે સરેરાશ કુલ ૬૩.૦૮ ટકા મતદાન નોંધાયું હતું.

  • ભરૂચની 5 વિધાનસભામાં સરેરાશ ૬૩.૦૮ ટકા મતદાન શાંતિમય માહોલમાં સંપન્ન
  • સૌથી વધુ ઝઘડિયામાં ૭૭.૬૫ ટકા, ભરૂચ બેઠક પર મતદારોની નીરસતાથી ૫૪.૩૫ ટકા મતદાન

દિવ્યાંગ મતદારો માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનો દિવ્યાંગોએ લાભ લઈ ચૂંટણીતંત્રની કામગીરીની સરાહના કરી હતી. બીજી તરફ ભલે શરીર સાથ ન આપે, મતદાનની ઈચ્છાશક્તિ પ્રબળ છે, દિવ્યાંગ મતદાન મથકે દિવ્યાંગ યુવતીએ મતદાન કરી સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી ખેંચાવી અચૂક મતદાન કરવાની અપીલ પણ કરી હતી. ભરૂચ શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે મહિલા સંચાલિત મહિલા સંચાલિત કેન્દ્રમાં ઉત્સાહભેર કામગીરીની સરાહના કરી હતી.

જિલ્લામાં વાગરા વિધાનસભામાં આંકોટ આંગણવાડી ખાતે આકર્ષક રંગોળી, સેલ્ફી પોઈન્ટ, સુશોભિત મતકુટિર સહિતની સુવિધા ધરાવતું ‘આદર્શ મતદાન’ ઊભું કરવામાં આવ્યું હતું. આ મતદાન મથકમાં મતદારોને બેસવાની સગવડતા માટે વેઇટિંગ એરિયા, મંડપ, ટેબલ, ખુરશી, પીવાના પાણી, નાનાં બાળકો માટે ઘોડિયા ઘર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આંગણવાડીનાં પ્રાંગણમાં રંગોળી દ્વારા ‘ચાલો મતદાન કરીએ’ના સ્લોગન દ્વારા મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. અહીં સેલ્ફી પોઈન્ટ, સુશોભિત મતકુટિર, મતદાન જાગૃત્તિ માટેનાં બેનરો પણ ઊભાં કરાયાં હતાં.

અંકલેશ્વરની ગંગા જમના સોસાયટીના રહેવાસી શ્રી રીગ્નેશ મોદી અને તપન મોદી બન્ને ભાઈઓના લગ્ન પ્રસંગની વિધિ હોવા છતાં પણ પોતાનો કિંમતી સમય કાઢી તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે વાગરાના નવયુવાન મતદારે લગ્ન પહેલાં મતદાનની ફરજ પૂરી કરી લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો.

નર્મદા જિલ્લામાં સરેરાશ 71.92 ટકા મતદાન, ગત ટર્મ કરતાં 7 ટકા ઓછું મતદાન
રાજપીપળા: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ ચરણ માટે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને નાંદોદ બેઠક માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. નર્મદા જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં નાંદોદ બેઠક પર 72.60 ટકા અને ડેડિયાપાડા બેઠક પર 71.20 ટકા મતદાન નોંધાયું હતું. બંને બેઠક માટે 71.92 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ-2017ની વિધાનસભામાં 79.15 ટકા મતદાન થયું હતું. વર્ષ-2022માં 71.92 ટકા મતદાન થતાં 7.11 ટકા મતદાન ઓછું નોંધાયું છે.

નાંદોદ બેઠક પર કુલ 235179 મતદારમાંથી 170729 લોકોએ મતદાન કર્યું હતું. જ્યારે ડેડિયાપાડા બેઠક પર કુલ 222701 મતદારમાંથી 158567 લોકોએ મતદાન કર્યું હતું. આ વખતે નાંદોદ બેઠક પર સુંદરપુરા ગામમાંથી જ બે ઉમેદવાર સામસામે હતા. સુંદરપુરામાં કોંગ્રેસના હરેશ વસાવા અને અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાએ મતદાન કર્યું હતું. તો ભાજપનાં ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખે અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલ ખાતે, જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવા અને રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીસિંહ ગોહિલે એમ.આર.વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું.

કલેક્ટર સ્વેતા તેવટિયાએ વડિયા કોલોની ખાતે મતદાન કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. રાજપીપળા વણકરવાસ વિસ્તારની એક સગર્ભા મહિલાએ પોતાની સીમંત સંસ્કાર વિધિ પહેલાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રાજપીપળા વણકરવાસમાં પરિણીત સગર્ભા મહિલાએ મક્કમતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Most Popular

To Top