Gujarat

વિજય રૂપાણી તથા નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી

ગાંધીનગર: ભાજપના (BJP) સિનિયર જૂના જોગીઓએ આજે ચૂંટણી (Election) નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી તથા પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે બુધવારે એવી જાહેરાત કરી છે કે, હું ચૂંટણી લડવાનો નથી.
પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે બુધવારે સાંજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને તેમને જાણ કરી દીધી છે કે મહેસાણા બેઠક માટે મારા નામની ઉમેદવાર તરીકે ચર્ચા કરવી નહીં. જેના પગલે હવે નીતિન પટેલ ઉમેદવારોની યાદીમાંથી આઉટ થઈ ગયા છે. તેવી જ રીતે વિજય રૂપાણીએ પોતે ચૂંટણી લડવા માંગતા નથી, તેવી જાહેરાત કરી દીધી છે. ભાજપની નેતાગીરી હવે આ બંને નેતાઓને ટિકિટ આપે તેવી શક્યતા પણ નથી. એટલે ટિકિટ કપાય એ પહેલા જ બંને નેતાઓએ પોતે ચૂંટણી લડવા માંગતા નથી, તેવી જાહેરાત કરી દીધી છે.

ભાજપ શાસનનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે,એટલે સિનિયર નેતાઓ ચૂંટણીથી ભાગી રહ્યા છે : કોંગ્રેસ
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. ભાજપે વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે, જે હવે લોકો સમક્ષ ખુલ્લો પડી ગયો છે. જેથી ભાજપના સિનિયર નેતાઓ ચૂંટણી લડવાથી દૂર ભાગી રહ્યા છે, તેઓ ગંભીર આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર લોકો સમક્ષ ખુલ્લો પડી ગયો છે. જેને કારણે સિનિયર નેતાઓને હારી જવાની બીક લાગી રહી છે. જેથી ભાજપના સિનિયર નેતાઓ ચૂંટણીનું મેદાન છોડીને ભાગી રહ્યાં છે. મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે કે, ભાજપના સિનિયર આગેવાનો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. ખરેખર તો ભાજપનો ભ્રષ્ટાચાર પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયો છે, એટલે હારી જવાના ડરથી સિનિયર નેતાઓ ચૂંટણી મેદાન છોડી રહ્યાં છે.

Most Popular

To Top