Gujarat

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અને મતદાન વચ્ચે 30 દિવસનો સમય હશે

ગાંધીનગર: કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા હવે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત કરવાની કવાયતને તેજ બનાવવામાં આવી છે. સંભવત: આગામી તા.1લી કે 5મી નવે.ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. આ વખતે ચૂંટણીની જાહેરાત અને મતદાન વચ્ચે અગાઉની જેમ 45 દિવસને બદલે 30 દિવસનો સમય હશે. જેમાં ગુજરાતમાં બે તબક્કામાં મતદાન તથા 8મી ડિસે.ના રોજ હિમાચલની સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરાશે. જયારે તા.12મી ડિસે. સુધીમાં નવી સરકારની રચના પણ થઈ જાય તેવી સંભાવના છે.

બીજી તરફ કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા પીએમ નરેન્દ્ર મોદી ફરીથી એક વખત ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. તા.31.મી ઓકટો.ના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે માનગઢ ખાતે સમારંભમાં ઉપસ્થિત રહેશે. માનગઢનો થોડોક હિસ્સો રાજસ્થાનમાં તથા થોડોક હિસ્સો ગુજરાતમાં આવેલો છે. તેની સરહદ પંચમહાલ, દાહોદ, અરવલ્લી, છોટા ઉદેપુર સહિતના આદિવાસી જિલ્લાને અડીને આવેલી છે. આ રીતે આદિવાસી મતદારોને અસર કરે તેવા સમારંભમાં હાજરી આપશે. ચૂંટણીની જાહેરાત પહેલા ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની મહત્વની આખરી કેબિનેટ બેઠક મળે તેવી સંભાવના છે. જેમાં સરકાર દ્વારા મહત્વના નિર્ણયની જાહેરાત કરાય તેવી પણ સંભાવના છે.

Most Popular

To Top