Gujarat Main

ગુજરાતના આ 29 જિલ્લાઓની સરકારી હોસ્પિટલોમાં ઓકિસજન પ્લાન્ટ સ્થપાશે

ગાંધીનગર: (Gandhinagar) એક તરફ રાજયમાં દિવસના કોરોના પોઝીટીવ હોય તેવા 14,000 કેસ આવી રહયા છે ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને (Oxygen Supply) ઉપલબ્ધ કરાવવામાં વેગ મળે તે માટે પ્રધાનમંત્રીના આદેશની દિશામાં આગળ વધવા દેશભરમાં જાહેર આરોગ્યના સ્થળો (હોસ્પિટલોમાં)એ મેડિકલ ઓક્સિજન જનરેશન (ઉત્પાદન) પ્લાન્ટ પ્રેસર સ્વિંગ એડસોર્પશન (પીએસએ) સ્થાપવા માટે ફંડની ફાળવણી માટે પીએમ કેર્સ ફંડે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેના પગલે ગુજરાતમાં જિલ્લાઓમાં (Gujarat District) 29 ઓકિસજન પ્લાન્ટ સ્થપાશે.

જિલ્લા વડામથકની નિયત કરાયેલી સરકારી હોસ્પિટલમાં આ વિશેષ પ્લાન્ટની રચના કરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ફંડ ફાળવવામાં આવનાર છે. જેમાં ગુજરાતના 29 જિલ્લાઓમાં PSA પ્લાન્ટ ઉપલબ્ધ થશે. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. જેના કારણે ગુજરાતમાં વ્યાપી રહેલી કોવિડ-19ની બીજી લહેરની તીવ્રતામાં સર્જાયેલી ઓક્સિજનની અછતનો સામનો કરવામાં મદદ મળી રહેશે.

રાજયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આ પ્લાન્ટ શક્ય તેટલી ઝડપથી કાર્યરત થઈ જશે. આ પ્લાન્ટથી જિલ્લા સ્તરે ઓક્સિજનના પુરવઠાની ઉપલબ્ધતામાં મોટો વેગ મળશે. અગાઉ પીએફ કેર્સ ફંડ દ્વારા દેશમાં જાહેર આરોગ્ય સંસ્થાઓની અંદર જ 162 જેટલા પીએસએ મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના માટે 201.58 કરોડની ફાળવણી કરી હતી. જિલ્લા વડામથક ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના થવાથી ઓક્સિજન જનરેશન સવલતથી આ હોસ્પિટલો તથા જિલ્લાઓમાં મેડિકલ ઓક્સિજનની દૈનિક જરૂરિયાતને પહોંચી વળવામાં મદદરૂપ રહેશે.

બનાસ ડેરીના એન્જિનિયરોએ માત્ર 72 કલાકમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપીને શરૂ કરી દીધો

ગાંધીનગર: હાલ કોવિડ-19 મહામારીની બીજી ઘાતક લહેરના સમયમાં ગુજરાતના મેટ્રો શહેરોમાં ઓક્સિજનની કારમી અછત સર્જાતી જોવા મળી છે ત્યારે કેટલીક સંસ્થાઓ ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે આગળ આવીને પોતાનું અસલી ખમીર દર્શાવી રહી છે. કોવિડ-19ના ક્રિટિકલ સ્થિતિમાં રહેલા દર્દીઓને ઓક્સિજન મળી રહે એ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ ડેરીના એન્જિનિયરોની ટીમે માત્ર 72 કલાકમાં જ તેની જિલ્લા મેડિકલ કોલેજ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો છે. આ જિલ્લા હોસ્પિટલમાં આથી ઓક્સિજનનો પુરવઠો મળતો રહેશે. બનાસ ડેરી દ્વારા પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટને સપોર્ટ કરતી રહી છે. આ હોસ્પિટલમાં ગત સપ્તાહે ઓક્સિજનની ભારે અછત સર્જાઈ હતી. અહીં 125 કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જો કે કેટલાક સિલિન્ડર્સ સાથે આ કપરી પરિસ્થિતિને કાબુમાં લઈ શકાઈ હતી.

Most Popular

To Top