Gujarat

ગુજરાતમાં ભાજપને ‘ઐતિહાસિક’ જીત અપાવનાર C R પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાય તેવી સંભાવના

સુરત: (Surat) જે માટે ખૂદ નરેન્દ્ર મોદી (Narendra Modi) તરસી રહ્યા હતા તેવી ગુજરાતમાં ભાજપને (BJP) મળેલી ઐતિહાસિક જીત અને 156 બેઠક મળવાનો શ્રેય જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને (C R Patil) આપ્યો હતો તે જોતાં જ એવા સંકેત મળી રહ્યા હતા કે સીઆર પાટીલને આગામી દિવસોમાં કેન્દ્રમાં મોટી પોસ્ટ મળશે. ગુજરાતમાં ભાજપમાં બુથ કમિટી અને પેજ પ્રમુખોની સિસ્ટમ ઊભી કરવાની સાથે તેને જે રીતે સીઆર પાટીલે મજબૂત બનાવી તેને પગલે આગામી લોકસભાની ચૂંટણી (Election) માટે આખા દેશમાં ભાજપને મજબુત કરે તેવા સક્ષમ નેતાની ભાજપની ખોજ સીઆર પાટીલ પર અટકે તેવી શક્યતા જોવાઈ રહી છે.

ભાજપમાં અત્યાર સુધીમાં 11 જેટલા રાષ્ટ્રીય પ્રમુખ બની ચૂક્યા છે. જેમાં અમિત શાહ અને રાજનાથસિંહ બે ટર્મ માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. ગત તા.20મી જાન્યુ., 2020ના રોજ જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. એક તરફ નડ્ડાની ટર્મ આગામી તા.20મી જાન્યુ., 2023ના રોજ પુરી થઈ રહી છે. બીજી તરફ નડ્ડાના ખુદના પ્રદેશ હિમાચલ પ્રદેશમાં ભાજપની કોંગ્રેસ સામે હાર થઈ છે. હિમાચલ પ્રદેશમાં નડ્ડા દ્વારા અનેક આગેવાનોની અવગણના કરવામાં આવી અને બળવાખોરો એટલા પેદા થઈ ગયા કે ભાજપની હાર થઈ ગઈ. જેને કારણે જેપી નડ્ડાની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહેલા એવું મનાતું હતું કે નડ્ડાને લોકસભાની ચૂંટણી સુધી ભાજપના પ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવે તેમ છે પરંતુ હવે હિમાચલ પ્રદેશમાં થયેલી હારએ સિનારીયો બદલી નાખ્યો છે.

બીજી તરફ ગુજરાતમાં ભાજપને ‘ન ભૂતો, ન ભવિષ્યતી’ જેવી જીત મળી છે. સીઆર પાટીલની સંગઠન શક્તિનો ગુજરાત ભાજપને મોટો લાભ મળ્યો છે. આ કારણે જ એવું મનાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદી સીઆર પાટીલને કેન્દ્રમાં લઈ જવા માંગે છે. કેન્દ્રમાં લઈ જતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિકા બાંધીને પહેલા ભાજપની સંસદીય દળની બેઠકમાં ગુજરાતની જીતમાં સીઆર પાટીલની મહેનત અને કાર્યદક્ષતાનો મોટો ફાળો ગણાવ્યો. હવે આવતીકાલે મંગળવારે ગુજરાતમાં ભાજપની જીત બદલ સીઆર પાટીલે એનડીએના તમામ સાંસદો માટે ફાઈવ સ્ટાર હોટલમાં ડિનરનું આયોજન કર્યું છે. આ ડિનરના આયોજનને આમ તો ઔપચારિક ગણાવવામાં આવી રહ્યું છે પરંતુ તે ગળે ઉતરે તેમ નથી. આ રીતે જીતનો જશન એનડીએના સાંસદો સાથે હોય તો તેમાં મોટી ગણતરી હોવાનું મનાઈ રહ્યું છે.

2023ની શરૂઆતમાં જ ભાજપમાં સંગઠન પર્વની શરૂઆત થશે. જેમાં જિલ્લાથી શરૂ કરીને છેક રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના પદો બદલાશે. નડ્ડા જે રીતે હિમાચલ પ્રદેશમાં નિષ્ફળ ગયા અને સીઆર પાટીલે જે રીતે ગુજરાતમાં ભારે સફળ રહ્યા તેનો શિરપાવ કેન્દ્રમાં મોટા પદનો હોઈ શકે છે. બની શકે કે ભાજપ દ્વારા નડ્ડા બાદ હવે સીઆર પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે. જોકે, ભાજપમાં એવું થતું આવ્યું છે કે જે બનવાનું હોય તેના પહેલા સંકેત આપવામાં આવે અને બાદમાં નિર્ણય લઈ લેવામાં આવે. જો સીઆર પાટીલને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેવું પદ આપવામાં આવે તો તે બીજી વખત થશે કે જ્યારે અમિત શાહ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ફરી ગુજરાતમાંથી હશે.

Most Popular

To Top