Gujarat

ઘરનાને ખોળ, ભાજપે જાહેર કરેલા 160 ઉમેદવારોમાં 19 પક્ષ પલ્ટુઓને ટિકીટ આપી

ગાંધીનગર: ભાજપે (BJP) પોતાની પાર્ટીના કાર્યકરો પર વિશ્વાસ મૂકવા કરતાં હવે 19 પક્ષ પલ્ટુઓને ટિકીટ (Ticket) આપી દીધી છે. જેનાપગલે ‘ઘરનાને ખોળ’જેવો ઘાટ થયો છે. ભાજપની નેતાગીરીએ કોંગ્રેસમાંથી (Congress) આવેલા પક્ષ પલ્ટુઓ માટે લાલ જાજમ બિછાવી છે. ગઈકાલે જાહેર થયેલી 160 ઉમેદવારોની ભાજપની પહેલી યાદીમાં 19 જેટલા પક્ષ પલ્ટુઓને ટિકીટ આપી છે. પાટીદાર અનામત આંદોલન વખતે ભાજપની સામે પડનાર હાર્દિક પટેલને પણ ભાજપે ટિકીટ આપી દીધી છે. ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ટિકીટ માટે રાહ જોતા રહ્યા અને પક્ષ પલ્ટુઓને ટિકીટ મળી ગઈ છે.

એક દિવસ અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા તાલાલાના ભગા બારડને ટિકીટ અપાઈ છે. છોટા ઉદેપુર બેઠક પર મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકીટ મળી ગઈ છે. આ ઉપરાંત અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરમગામમાં હાર્દિક પટેલ , વડગામમાં મણિલાલ વાઘેલા , સિદ્ધપુરમા બલવંતસિંહ રાજપૂત , ખેડબ્રહ્મામાં અશ્વિન કોટવાલ , સાણંદમાં કનુભાઈ પટેલ , જસદણમાં કુંવરજી બાવળિયા , જેચપુરમા જયેશ રાદડિયા, જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ , માણાવદરમાં જવાહર ચાવડા , વિસાવદરમાં હર્ષદ રિબડીયા , તાલાલામાં ભગા બારડ , ધારીમાં જેવી કાકડિયા , બાલાસિનોરમાં માનસિંહ ચૌહાણ, ગોધરામાં સી કે રાઉલજી, છોટા ઉદેપુરમા રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા , કરજણમાં અક્ષય પટેલ , માંડવીમાં કુંવરજી હળપતિ , અને કપરાડામાં જીતુ ચૌધરીનો સમાવેશ થાય છે. અગાઉ આ કોંગીના ધારાસભ્યો પાર્ટીમાંથી તેમજ ધારાસભ્ય તરીકે રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. જયારે તેમાંના મોટા ભાગના ધારાસભ્યો ભાજપની ટિકીટ પર પેટા ચૂંટણી પણ જીત્યા છે.

Most Popular

To Top