Editorial

ભારતમાં માણસ અને વન્ય પ્રાણીઓ વચ્ચે વધતો સંઘર્ષ: એક ચિંતાનો વિષય

હાલમાં કેરળના વાયનાડમાં એક જંગલી હાથીએ 47 વર્ષીય વ્યક્તિનો પીછો કર્યો અને તેને રહેણાંક વિસ્તારની દરવાજાવાળી મિલકતની અંદર કચડી નાખ્યો તે પછી વાયનાડ ઉકળી રહ્યું છે. આ હાથી વળી રેડિયો કોલર વાળો હતો, જેને રેડિયો કોલર પહેરાવીને પાડોશી કર્ણાટકના વન વિભાગે જંગલમાં છોડી મૂક્યો હતો, અને કદાચ એટલે જ લોકોમાં વઘૂ રોષ છે. સ્થાનિકો વન અને મહેસૂલ અધિકારીઓની નિષ્ક્રિયતાનો આક્ષેપ કરે છે અને હત્યારા હાથીને પકડવાની માંગ કરી રહ્યા છે. આ દુર્ઘટના રાજ્યમાં માનવ-પ્રાણી સંઘર્ષ તરફ ફરી એકવાર ધ્યાન દોરી રહી છે. રાજ્યભરમાં જંગલી પ્રાણીઓ, મુખ્યત્વે હાથી, વાઘ, ગૌર તરીકે ઓળખાતા એક પ્રકારના સાંઢ અને જંગલી ડુક્કરના વધતા પ્રમાણમાં માનવીઓ પર હુમલો કરતા હોવાનું નોંધાયું છે. વાયનાડ, કન્નુર, પલક્કડ અને ઇડુક્કી જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત છે.

2022-23 માટેના સરકારી ડેટામાં 8,873 જંગલી પ્રાણીઓના હુમલા નોંધાયા હતા, જેમાંથી 4193 જંગલી હાથીઓ દ્વારા, 1524 જંગલી ડુક્કર દ્વારા, 193 વાઘ દ્વારા, 244 દીપડા દ્વારા કરવામાં આવેલા હતા. નોંધાયેલા 98 મૃત્યુમાંથી 27 હાથીઓના હુમલાને કારણે થયા હતા.મનુષ્યો માટે જોખમ ઊભું કરવા ઉપરાંત, આ હુમલાઓએ કેરળના કૃષિ ક્ષેત્રને પણ ઘણુ નુકસાન કર્યું છે. 2017 થી 2023 સુધીમાં, જંગલી પ્રાણીઓના હુમલાઓને કારણે પાકને નુકસાનની 20,957 ઘટનાઓ બની હતી જેમાં 1,559 ઘરેલું પ્રાણીઓ, મુખ્યત્વે ઢોર માર્યા ગયા હતા. આ તો ફક્ત કેરળના આકડા છે. આખા ભારતમાં તો માણસ અને જંગલી પશુઓ વચ્ચે સંઘર્ષના આંકડા આના કરતા ક્યાંયે મોટા છે.

ભારતમાં કદાચ માણસ સાથે સૌથી વધુ સંઘર્ષ હાથીઓનો થાય છે. ભારતમાં સૌથી મોટી સંખ્યામાં જંગલી એશિયન હાથીઓ છે, જે પ્રોજેક્ટ હાથીની 2017ની વસ્તી ગણતરી અનુસાર અંદાજિત 29,964 છે, એટલે કે પ્રજાતિની વૈશ્વિક વસ્તીના લગભગ 60%. 2020-21માં 87 હાથીઓ અને 359 લોકોએ માનવ-હાથીના સંઘર્ષમાં જીવ ગુમાવ્યા. હાથી પછી કદાચ સૌથી વધુ સંઘર્ષ માણસનો વાઘ સાથે થાય છે. ભારતમાં હાથ ધરવામાં આવેલી 2018-19ની તાજેતરની વાઘની વસ્તી ગણતરી મુજબ, દેશમાં 2,967 વાઘ વસે છે. વાઘની વસ્તી વૃદ્ધિ દર વાર્ષિક છ ટકા છે. ભારત વિશ્વના 80 ટકા વાઘનું ઘર છે. 2020 ના સર્વેક્ષણ મુજબ, એશિયાટિક સિંહોની અંદાજિત વસ્તી ભારતમાં 674 સિંહો છે. આ સિંહો દેશમાં ફક્ત આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીરના જંગલોમાં વસે છે.

વનરાજ તરીકે ઓળખાતા આ સિંહો હાલમાં જંગલની આજુબાજુના ગામો અને નગરોમાં ઘૂસી આવ્યાના અનેક બનાવો નોંધાયા છે અને આ સિંહો પાલતુ ઢોરઢાંખર અને કૂતરાઓ વગેરેનો શિકાર પણ કરી જાય છે. દીપડાઓ માનવ વસ્તીમાં આવી જતા હોય તેવા તો અનેક બનાવો છેલ્લા અનેક વર્ષથી બની રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ ગામોમાં કે નાના શહેરોમાં ઘૂસી જાય એવા અનેક બનાવો બને છે. કેટલીક વખત આ દીપડાઓ પાલતુ પશુઓ, શેરીના કૂતરાઓ અને ક્યારેક માણસો પર પણ હુમલા કરે છે. જો કે દીપડાના હુમલા ઘણી વખત ઘાતક પુરવાર થતા નથી પરંતુ તેમનો ભય તો રહે જ છે. આ માણસ- વન્ય પશુ સંઘર્ષમાં માણસો જંગલી પશુઓને મારી નાખે તેવા પણ અનેક બનાવો બનતા રહે છે.

માનવ-પ્રાણી સંઘર્ષ સર્જાવાના કારણો અનેક છે. જેમ કે વધતું શહેરીકરણ અને વિકાસ, વન્ય પ્રાણીઓ માટે સંરક્ષિત વિસ્તારોનો અભાવ, વસ્તી વિસ્ફોટ, વન નાબૂદી, કૃષિ વિસ્તરણ, વાતાવરણમા ફેરફાર, ઇકો-ટૂરિઝમમાં વધારો, જંગલી ડુક્કર અને મોર જેવા ફળદ્રુપ સંવર્ધકોની વસ્તીમાં નોંધપાત્ર વધારો. માનવ-પ્રાણી સંઘર્ષની અસરો પણ અનેક છે. આમાં વન્ય પશુઓની પ્રજાતિઓનો ઘટાડો અને સંભવિત નાબૂદી, માણસની આરોગ્ય અને સલામતી, આજીવિકા, ખાદ્ય સુરક્ષા અને મિલકત માટે નાણાકીય નુકસાન અને જોખમો. જંગલી પ્રાણીઓ વચ્ચે આવી જવાના કારણે માર્ગ અને રેલવે અકસ્માતોમાં વધારો વગેરે. પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે માટે વન્ય જીવ સૃષ્ટિનું જતન જરૂરી છે તો સાથે જ માણસ અને તેની આજીવિકાની સલામતી પણ જરૂરી છે. આ બાબતો ઘ્યાનમાં રાખીને માણસ અને વન્ય પ્રાણીઓ વચ્ચેનો સંઘર્ષ ઘટાડવા યોગ્ય પગલાં ભરવા આવશ્યક છે.

Most Popular

To Top