Columns

સારાં કર્મો

એક દિવસ માણસને વિચાર આવ્યો કે બધા કહે છે જીવનમાં જે મળે છે તે આપણે કરેલાં સારાં અને ખરાબ કર્મોનું ફળ છે.તો સારાં કર્મો એટલે કેવાં કર્મો? આ જીવન મળ્યું છે તો તેમાં કેવાં કર્મો કરવાં? આ વિચારતાં વિચારતાં તે સૂઈ ગયો.

રાત્રે સપનામાં તેણે એક દેવદૂતને જોયો. દેવદૂત તેની પાસે આવી તેના માથા પર હાથ ફેરવતાં બોલ્યો, ‘શું કામ મૂંઝાય છે, જે કોઈ મૂંઝવણ હોય તે તું મને કહે. હું તારી મૂંઝવણ દૂર કરીશ.માણસે દેવદૂતને પૂછ્યું, ‘મને આ જીવન મળ્યું છે તો મારા જીવનનો ઉદે્શ શું છે? હું કેવાં કર્મો કરીને જીવનને અર્થપૂર્ણ બનાવી શકું.’

દેવદૂતે કહ્યું, ‘વત્સ, કોઈ પણ કામ ભલે નાનું હોય, પણ તે પોતાના માટે નહિ, પણ બીજા માટે કરવામાં આવે અને તે કામથી અન્યને ખુશી મળે તે બધાં જ કામ સારાં કર્મ છે અને દરેક માણસના જીવનનો મૂળ ઉદે્શ છે બીજાને ખુશી આપવી…’ માણસ બોલ્યો, ‘એટલે શું કરવું જોઈએ, મને કંઇક સમજાવો ને.’

દેવદૂતે કહ્યું, ‘જો હું કહું કે તારાં બાળકોની જોડે બેસીને વાતો કરજે અને તેમની વાતો સાંભળજે, તેમને ગમતી રમતો તેમની સાથે કલાક વધુ રમજે એ  એક સારું કર્મ છે, જે તારાં બાળકોને ખુશી આપશે.એવી જ રીતે તારાં માતા પિતા પાસે રાત્રે અડધો કલાક બેસી વાતો કરજે, જે હાથોએ તને જમાડ્યો હતો તે માતાને કોઈક વાર તારા હાથે જમાડજે.

ક્યારેક પિતા સાથે વોક પર જજે અને વાંકો વળીને તેમના બુટની દોરી બાંધી આપજે. આ સારાં કર્મ છે.ક્યારેક રસ્તા પર ભીખ માંગી પેટ ભરતાં બાળકોને ભીખ નહિ આપતો, પણ જાતે રેસ્ટોરાંમાં જઈને જમાડજે. તેમની આંખોની ચમક જોજે.ક્યારેક રસ્તા પર ઠંડીથી ઠુંઠવાતા માણસની સાથે સૂતેલા કૂતરાને પણ ધાબળો ઓઢાડી દેજે.

ક્યારેક સાવ અજાણ્યા માણસ સામે હસી લેજે અથવા કોઈ મુશ્કેલીમાં ફસાયેલા વ્યક્તિ તરફ મદદનો હાથ લાંબો કરી જોજે.ક્યારેક કોઈ ભૂલાયેલા મિત્રને યાદ કરી કોઈ કામ વિના તેની સાથે ચા પીવા દોડી જજે.આવાં નાનાં નાનાં ઘણાં કામ તું કરી શકીશ, જે બીજાને ખુશી આપશે અને તને આપોઆપ ખુશી મળશે અને વળી તારાં સારાં કર્મો ગણાશે તેમ તને બમણો ફાયદો થશે.’

માણસ સપનામાંથી જાગી ગયો અને રોજ યાદ રાખીને કોઈ ને કોઈ સારું કર્મ કરવા લાગ્યો.આ કામ કરવા કંઈ અઘરાં નથી.ચાલો, આપણે પણ આવાં સારાં કર્મો કરી આનંદ આપીએ અને આનંદ મેળવીએ અને જીવનનો ઉદે્શ સાકાર કરીએ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top