આખરે સરકારે પોતાની પાસે જે હથિયાર હતું તે ઉગામીને સોનમ વાંગચુક અને અભિજિત દીપકેને તેમની હેસિયતનું ભાન કરાવવાની ભૂલ કરી જ દીધી છે. જે થયું તે અપેક્ષિત જ હતું. બલકે ખુદ એ બેઉ મનોમન તો ઊંડે-ઊંડે આવી જ અપેક્ષા પણ રાખતા હશે. અદાલત આદેશ ન આપે તો પણ શાસન કરતા અધિષ્ઠાતાને પોતાની વ્યક્તિગત ઇમેજ પર કોઈ નાગરિકનાં લોહીછાંટણાં થોડાં જીરવાય?
સરકારે કોર્ટના આદેશનો હવાલો આપીને ઉપવાસ પર બેઠેલા ‘શખ્સ’ સોનમ વાંગચુકને સફેદ ચાદરોની ઝોળીમાં ઉઠાવી, જાણે કોઈ ગાંસડી ખસેડતાં હોય એમ, સફદરજંગ હોસ્પિટલમાં ઠૂંસી દીધા હતા. ત્યાં પણ ઉપવાસ ચાલુ રાખવાની જીદ પકડી રાખતાં, પછી તેમની પત્નીની ઇચ્છા મુજબ તેમને ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યા છે. આખરે સત્તા નાગરિકજીવનની સુવિધા અને સુરક્ષાના બળે જ ટકે છે.
એ સાચું કે ગાંધીજી અને વાંગચુક વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. છોકરાં નથી સમજતાં, પણ સરકાર ચલાવી રહેલા બે ગુજરાતી નેતાઓ તો આ વાત બરાબર જાણે છે. જોકે નવી પેઢીને પણ જીવના જોખમે આંદોલન ટકાવી રાખવા માટે એક રોલ મોડેલની જરૂર તો હતી જ.
ગાંધીજી તેમની મૂઠી હાડકાંની કાયામાં પ્રચંડ બ્રિટિશ શાસનને હંફાવવાની તાકાત ધરાવતા લોકનાયક હતા. તેમની એક હાકલ પર આખો દેશ આળસ મરડીને ઊભો થઈ જતો અને તેમના કાર્યક્રમનાં સારાં-માઠાં પરિણામોની ચિંતા કર્યા વગર, નર્મદના શબ્દોમાં કહીએ તો, ‘યા હોમ કરીને’ કૂદી પડતો. પરદેશી અંગ્રેજ સરકાર પણ તેમના આંદોલનનાં આગોતરાં પરિણામો સૂંઘી શકતી હતી અને એટલે શરૂઆતમાં જ સામે ચાલીને સમાધાનનો માર્ગ શોધવા સક્રિય બની જતી. આખરે પ્રજા ગાંધીજીની હાકલના જવાબમાં રસ્તા પર ઊતરી આવે અને આંદોલન સામે બિનજરૂરી બળપ્રયોગ કરવાની નોબત આવે તેના કરતાં પાણી પહેલાં પાળ બાંધવામાં જ શાણપણ જોતી.
આપણી દેશી ગુજરાતીમાં એક કહેવત છે. એ મુજબ સોનમ વાંગચુકનો ઉપવાસ-સત્યાગ્રહ ‘મિયાંના વાદે બીબીએ ચણા ખાવા’ જેવી ઘટના લાગે. મિયાંના દાંત મજબૂત હતા એટલે તેઓ તો કઠણ લોખંડના ચણા પણ ભચડ-ભચડ ખાઈ શકતા હતા. બીબીને તેમની હરીફાઈ ભારે પડશે એવું લાગી રહ્યું છે. ઉપર મોદી સરકાર બેઠી છે, ગાંધીજી વખતની અંગ્રેજ સરકાર નથી — એટલું તેઓ નથી સમજતા. પરંતુ તેથી વાંગચુકને આપણે નજરઅંદાજ ન કરવા જોઈએ. એક બૂઠું થઈ ગયેલું અને વખારે નંખાઈ ગયેલું હથિયાર લઈને તેમણે સરકાર નામના ખૂંખાર હિંસક પ્રાણી સામે મોટા ઉપાડે બાથ ભીડી છે. તેથી પરિણામ તો મળવાનું જ નથી, એવી શાણા અને સંજોગો સાથે સમાધાન કેળવવાની કળા જાણનાર એકવીસમી સદીના ભારતીય પ્રજાજનોને પાકી ખાતરી હતી. એટલે છોકરડાંની રોકકળ કે કાગારોળ થોડા દિવસ ચાલે તો ભલે ચાલે, પણ તેનું કશું જ પરિણામ નહીં મળે એવી તેમના વાલીઓને પણ ખાતરી હશે જ.
વીસમી તારીખે સંસદ સુધી કૂચ કરવાની ઇચ્છા ધરાવતા વાંગચુકને એ તક મળી નહીં. તેઓ હવે હોસ્પિટલમાં ‘સરકારી સારવાર’ હેઠળ હતા અને છતાં તેમણે કોઈ પણ પ્રકારની સારવાર નહીં લેવાની તથા ઉપવાસ ચાલુ રાખવાની જીદ પકડી રાખી હતી. ડૉક્ટરો બળજબરીપૂર્વક તેમને ડ્રિપ ચડાવી શકે એમ હતા, પણ દર્દી જાતે સંમતિ ન આપે તો એ તેના મૂળભૂત અધિકાર વિરુદ્ધનું કૃત્ય ગણાત. જોકે તેમના વાઇટલ ઓર્ગન્સ નબળાં પડી જશે તો કોર્ટની પરવાનગી મેળવી તેમને એ બધી જ સારવાર આપવામાં આવશે, જે તેમને મરતા બચાવવા અનિવાર્ય ગણાય. તેઓ મરી જાય તો સરકારને ઘણાં મોંઘા પડે એમ છે.
અંગત રીતે હું આ પ્રકારની મરી જવાની જીદનો કટ્ટર વિરોધી છું. જીવનને હોડમાં મૂકીને ઉદ્દેશ સિદ્ધ કરવો એ ખરેખર ગેરકાનૂની કૃત્ય ગણાવવું જોઈએ. આપણા પૂર્વજોએ તેને માનવીનો અંગત અધિકાર ગણી ખોટી રીતે મહિમામંડિત કર્યો છે. ખરેખર તો એ જાત સાથે આચરેલી હિંસા ગણાય, જે હિંસાની પરાકાષ્ઠા છે.
કોર્ટે તંત્રને વાંગચુકને કોઈ પણ સંજોગોમાં બચાવવાનો પ્રયાસ કરવાનો આદેશ આપ્યો હતો અને દિલ્હી પોલીસે પોતાની સૂઝબૂઝ મુજબ તેનો અમલ કરીને તેમને નામાંકિત સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. વાંગચુકનાં ધર્મપત્નીએ તેમને પોતાની રીતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની માગણી કરી, તે પણ કોર્ટે આખરે માન્ય રાખી છે. માણસ ગમે તેવા ઉમદા અને ઉદાત્ત મુદ્દે પણ જીવ હોડમાં મૂકવા માગે તો તેને એમ કરતાં રોકીને તેની માગણીઓ વિશે વિચાર-વિમર્શ કરવામાં આવે એ જ ઉત્તમ માર્ગ છે. આખરે લોકો જ લોકતંત્રની કરોડરજ્જુ સમાન છે એટલે ચૂંટાયેલી સરકાર તેમની માગણીઓની સદંતર ઉપેક્ષા તો ન જ કરી શકે. એથી સતત મૌન રહીને આંદોલનની ઉપેક્ષા કરતા રહેલા વડાપ્રધાનને પણ નીટ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા ગુનેગારોને સખત સજા થશે એવું નિવેદન કરવું પડ્યું છે અને આંદોલન કરતા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરવા મંત્રીમંડળના નડ્ડા જેવા વજનદાર સભ્યને અધિકાર આપવો પડ્યો છે. જોકે તેમની સાથેની મુલાકાતથી આંદોલનકારીઓ સંતુષ્ટ નથી થયા. પહેલાં તેઓ એકલા શિક્ષણપ્રધાનનું રાજીનામું માગી રહ્યા હતા. હવે તો તેઓ વડાપ્રધાનનું પણ રાજીનામું માગવા લાગ્યા છે.
આંદોલન વિશે તજજ્ઞોમાં ઘણી દ્વિધા પ્રવર્તે છે, એ મુદ્દો પણ નજરઅંદાજ ન કરવો જોઈએ. અભિજિત દીપકેના ઓચિંતા આંદોલનને શંકાની નજરે જોનારા એમ માને છે કે આ ખુદ શાસક સરકાર દ્વારા ઊભું કરાયેલું આંદોલન હોય તો નવાઈ નહીં. રાહુલ ગાંધી દેશના ખૂણે-ખૂણે ફરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને થઈ રહેલા અન્યાય સામે બુલંદ અવાજ ઉઠાવી રહ્યા છે. મીડિયા તેની નોંધ નથી લેતું અને જંતર-મંતર પર ભેગા થયેલા થોડા યુવાનોના મસીહા તરીકે સોનમ વાંગચુક અને અભિજિત
દીપકેને લાઇમલાઇટમાં રાખે છે.
ઓછામાં પૂરું, સોનમ સાથે દીપકેની મુલાકાત દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ રહી ચૂકેલા મહાનુભાવે કરાવી હતી. તેથી આ આખો ઉપક્રમ કેન્દ્ર સરકારના ઇશારે ઊભો કરાયો હોય એવી શંકા પણ કેટલાક રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
મીડિયા અને પ્રજાનું ધ્યાન અયોધ્યામાં થયેલા લૂંટકાંડ અને રાહુલ ગાંધીની દેશભરમાં ચાલી રહેલી ગંજાવર રેલીઓથી ભટકાવી દિલ્હીના જંતર-મંતર પર કેન્દ્રિત થાય એવી કુત્સિત કૂટનીતિ હોવાનું પણ કહેવાય છે. બીજી તરફ સંજય સિંહ અને શબાના આઝમી જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા સ્થળ પર પહોંચી જાય છે. કલા અને શિક્ષણ ક્ષેત્રે સક્રિય હસ્તીઓને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાયને ખુલ્લું સમર્થન આપવામાં વિચિત્ર પ્રકારની દ્વિધાનો અનુભવ થઈ રહ્યો છે. કૃતિ શર્મા જેવાં સંવેદનશીલ કલામર્મજ્ઞ અને નાટ્યપ્રવૃત્તિ સાથે જોડાયેલાં પ્રતિભાશાળી મહિલા જંતર-મંતર પર થઈ રહેલા વિરોધપ્રદર્શન બાબતે સરકારના તથા સમાજના નકારાત્મક અને શંકાશીલ અભિગમથી ઘણી ઊંડી વ્યથા અનુભવે છે અને લખે છે કે, ‘આપણે શિક્ષકોએ તેમની આ દુર્દશાના સમયે કેવું વલણ અપનાવવું એ એક કોયડો બની જાય છે. તેમની સાચી અને સીધી-સાદી, વાજબી માગણીઓ સંદર્ભે પણ શંકાશીલ અર્થઘટન કરતા સરકારી તંત્રને કેવી રીતે સમજાવવું કે સરકાર તેમની સાથે સમાધાનની ભૂમિકા રચવાને બદલે ઊલટાં તેમને ઉશ્કેરીને આંદોલનને વધુ વ્યાપક બનવાની તક પૂરી પાડી રહી છે? જંતર-મંતરથી સંસદ સુધી કૂચ કરી રહેલા નિર્દોષ અને નિરુપદ્રવી યુવાધન પર લાઠીચાર્જ કે આંસુગેસનો મારો કરવાની જરૂર જ ક્યાં હતી?’પરંતુ યોગેન્દ્ર યાદવ જેવા લોકતંત્રના પ્રખર હિમાયતી અને નીવડેલા રાજનીતિજ્ઞ કે કોંગ્રેસમાં રહીને પણ સરકારનાં વખાણવા લાયક પગલાંની પ્રશંસા કરતા રહેલા તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરવાને બદલે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહેલી સરકારના નકારાત્મક વલણથી દેખીતી રીતે જ સખત નારાજ છે. નસીરુદ્દીન શાહ જેવા આદરણીય અભિનેતાએ વિડિયો શેર કરીને તંત્ર સામે જે નારાજગી વ્યક્ત કરી છે, એ ફક્ત તેમની એકલાની વેદના નથી. એ કલા જગતના તમામ ધુરંધરોનો અવાજ છે. જે ડરના લીધે બહાર નથી નીકળી શકતા, એવા તમામને તેમાં સૂર પુરાવવાનું મન થતું હશે.રાહુલ ગાંધી, ખડગે અને પ્રિયંકાએ આ મુદ્દે લોકસભામાં અવાજ ઉઠાવ્યો ત્યારે સ્પીકર પણ પાણીમાં બેસી ગયા. સરકારને પૂછી-પૂછીને જ સંસદ ચલાવનારા અધ્યક્ષની દયા જ ખાવી રહી. શાસક પક્ષને વિદ્યાર્થીઓના પ્રશ્નો કરતાં વધારે રસ ‘મિશન ૩૬૦’ સંપન્ન કરવામાં છે, જેથી તે પોતાની મરજી મુજબ ‘બંધારણીય’ રીતે પોતાના કુત્સિત રાજકીય એજન્ડાને અંજામ આપી શકે.
અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધન સાથે રહેલા પ્રાદેશિક પક્ષોના સાંસદોને સામ, દામ, દંડ, ભેદના હથકંડા મારફતે તોડી-ફોડીને પોતાના સમર્થકો બનાવવાની કૂટનીતિથી પ્રજા વાકેફ છે, પણ તેમાં પોતે ચૂંટેલા પ્રતિનિધિઓ વેચાઈ અને ખરીદાઈ રહ્યા છે, તેની સામે ધરણાં કરવાની તાકાત નથી બચી. તેણે તો આ ગંદી રાજરમતને જાણે આડકતરી મંજૂરીની મહોર મારી દીધી છે.
એવા કપરા સંજોગોમાં કાચી વયે માથાં ફોડાવવા નીકળી પડેલાં ‘જન ઝી’નાં છોકરડાં જ આશાનું કિરણ બની રહે છે. સોનમ વાંગચુક તેમના રોલ મોડેલ તરીકે ઊપસી આવ્યા છે અને પોતાના જીવનને હોડમાં મૂકી તેમની લડતને ટેકો આપી રહ્યા છે. એટલે અંગત રીતે હું આવી આત્યંતિક આત્મહિંસાનો વિરોધી હોવા છતાં તેમનામાં ધબકતા તપસ્વીને વંદન કરું છું અને તેમના દીર્ઘાયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. -કેશુભાઇ દેસાઇ