Editorial

ભારતીય ટેક કંપનીઓમાં રોકાણ કરવા માટે વિદેશી કંપનીઓ કેમ આટલી આતુર છે?

છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક ભારતીય કંપનીઓ તો વિદેશી કંપનીઓએ ખરીદી પણ લીધી છે. ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ કદાચ રિલાયન્સ જીઓએ આકર્ષ્યું છે. રિલાયન્સના ડિજીટલ પ્લેટફોર્મ જીઓમાં પીઆઇએફ, સિલ્વર લેક, સાઉદી અરેબિયાની પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ કંપની, મુબાદલા, જનરલ એટલાન્ટિક સિંગાપોર, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ વગેરે કંપનીઓએ હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક પણ જીઓમાં રોકાણ કરવા આવી તો ટેક જાયન્ટ ગુગલ પણ તેની સાથે સહકાર કરી રહી છે. ખૂબ સફળ ભારતીય ઇ-કોમર્સ કંપની વૉલમાર્ટે ખરીદી લીધી છે તો હવે ભારતની પેમેન્ટ સોલ્યુશન સર્વિસ કંપની બિલડેસ્કને પ્રોસેસ એનવી જૂથની પેયુ કંપની ખરીદી રહી છે.

હાલમાં આવેલા અહેવાલો જણાવે છે કેફિનટેક સર્વિસીઝમાં વિશ્વભરમાં અગ્રણી ગણાતી પેયુ કંપની ભારતની અગ્રણી અને ખૂબ સફળ બિલડેસ્ક કંપની ૪.૭ અબજ ડોલરમાં ખરીદી લેશે અને આને ભારતના સૌથી મોટા ફિનટેક સોદાઓમાંનો એક માનવામાં આવે છે. પ્રોસસ એનવી, જે વૈશ્વિક કન્ઝ્યુમર ઇન્ટરનેટ ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી મોટા ટેકનોલોજી રોકાણકર્તાઓમાંનુ એક છે, તેણે  જાહેરાત કરી છે કે પેયુ અને ભારતીય ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર બિલડેસ્કના શેર હોલ્ડરો વચ્ચે એક કરાર થયો છે. બિલડેસ્કને પેયુ ૪.૭ અબજ ડૉલરમાં ખરીદી લેશે. આ સૂચિત ખરીદીથી પેયુ, જે વિશ્વના ૨૦ હાઇ ગ્રોથ બજારોમાં કામગીરી કરતા પ્રોસસ જૂથનો પેમેન્ટ્સ અને ફિનટેક બિઝનેસ છે, તે કુલ પેમેન્ટ વોલ્યુમની દષ્ટિએ વિશ્વના સૌથી અગ્રણી ઓનલાઇન પેમેન્ટ પ્રોવાઇડરોમાંનો એક બની જશે.

પ્રોસસ એનવી એ નેધરલેન્ડમાં રચાયેલી વૈશ્વિક કંપની છે અને આ સોદા સાથે ભારતમાં તેનું રોકાણ વધીને ૧૦ અબજ ડૉલર જેટલું થઇ જશે. જો કે પેયુ-બિલડેસ્ક સોદાને હજી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા(સીસીઆઇ)ની મંજૂરી મળવાની બાકી છે અને આ સોદો ૨૦૨૨ના વર્ષની શરૂઆતમાં થાય તેવી આશા છે.  પેયુ એ વિશ્વના ઉંચો વિકાસદર ધરાવતા બજારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ત્રણ જુદા જુદા ધંધાઓમાં કામ કરે છે, આ કંપની પેમેન્ટ સર્વિસ આપવા ઉપરાંત ટેક કંપનીઓમાં રોકાણ અને નાના ધંધાઓને ધિરાણ આપવાનું કામ પણ કરે છે.

તે ભારતમાં ફુલ ફાયનાન્શ્યલ સેવાઓ સ્થાપી રહી છે. પેયુ કંપની ભારતની બિલડેસ્ક કંપનીને ખરીદી રહી છે તે બાબત વધુ ધ્યાનાકર્ષક એટલા માટે બની રહી છે કે બિલડેસ્ક એ ખૂબ સફળ પેમેન્ટ સોલ્યુશન સર્વિસ કંપની છે અને તે વિદેશોમાં પણ કામગીરી કરવા સક્ષમ છે.  વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલ બિલડેસ્ક એ ભારતની ખૂબ સફળ કંપનીઓમાંની એક છે અને દેશનો અગ્રણી પેમેન્ટ બિઝનેસ છે. હવે ભેગા મળીને પેયુ ઇન્ડિયા અને બિલડેસ્ક દેશમાં ડિજિટલ ગ્રાહકો, વેપારીઓ અને સરકારી સાહસોની બદલતી પેમેન્ટની જરૂરિયાતોને પહોંચી વળશે એમ માનવામાં આવે છે.

વિદેશી જાયન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને જાયન્ટ ટેક કંપનીઓ ભારત તરફ આટલી બધી આકર્ષાઇ રહી છે તેનું દેખીતું કારણ તો ભારતનું વિશાળ બજાર જ છે. ભારતમાં ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ વધ્યો છે, ઇ-કોમર્સ ઘણું વધ્યું છે અને ડિજિટલ પેમેન્ટ, ઓનલાઇન મની ટ્રાન્સફર વગેરેનું પ્રમાણ ખૂબ વધ્યું છે.

ટકાવારી ઓછી હોય તો પણ ભારતની વિશાળ વસ્તી જોતા આ બજારોમાં વિદેશી કંપનીઓને મધલાળ દેખાય છે. ભારતીય કંપનીઓમાં વિદેશી જાયન્ટ કંપનીઓ રોકાણ કરે તેમાં ભારતીય ગ્રાહકોને તો લાભ જ છે અને આ રોકાણ ભારતીય અર્થતંત્રને ઘણુ લાભદાયક પણ છે. પરંતુ કેટલીક ખૂબ સફળ ભારતીય કંપનીઓ પોતે વધુ વિકસીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો ફેલાવો કરે તેના બદલે જાયન્ટ વિદેશી કંપનીઓને વેચાઇ જાય તે બાબત ઘણાને કઠે તેવી છે પણ કેટલીક વાસ્તવિકતાઓ સ્વીકારી લેવી પડે છે.

Most Popular

To Top