Sports

આર્જેન્ટિના ફાઈનલમાં પહોંચતા બ્યુનસ આયર્સ સહિતના શહેરોની શેરીઓ વાદળી જર્સીથી ઢંકાઇ

બ્યુનોસ આયર્સ : આર્જેન્ટિનાની ફૂટબોલ (Football) ટીમ કતારમાં ક્રોએશિયા સામે વર્લ્ડકપ (Workcup) સેમીફાઇનલમાં 3-0થી જીતી તેની સાથે જ બ્યુનસ આયર્સ સહિતના આર્જેન્ટીનાના દરેક શહેરમાં ચારે તરફ શેરીઓમાં દેશના ધ્વજ, વાદળી જર્સીમાં લોકોની ભીડ અને ચોમેર બસ ‘મેસી-મેસ્સી’નો પોકારથી સમગ્ર આર્જેન્ટીના જાણે કે ઉજવણી કરવા માંડ્યું હતું. દેશના લગભગ દરેક શહેર આ દ્રશ્યના સાક્ષી હતા. ફૂટબોલ પાછળ ગાંડુ રાષ્ટ્ર ક્યારેય ન સમાપ્ત થતી ઉજવણીમાં જાણે કે ડૂબી ગયું હતું. રાજધાની બ્યુનસ આયર્સમાં મેચ પૂરી થતાં જ લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. ટીમની જર્સી પહેરેલા લોકોના હાથમાં દેશનો ધ્વજ હતો અને મુખે રાષ્ટ્રગીત હતું.

  • 100 ટકા ફુગાવો ધરાવતા દેશના લોકોના ચહેરા પર મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટીનાની ટીમ ઝળહળતુ સ્મિત લાવી
  • ટીમની જર્સી પહેરેલા લોકોના હાથમાં દેશનો ધ્વજ હતો અને મુખે રાષ્ટ્રગીત હતું
  • ફૂટબોલ પાછળ ગાંડુ રાષ્ટ્ર ક્યારેય ન સમાપ્ત થતી ઉજવણીમાં જાણે કે ડૂબી ગયું હતું

મેચ શરૂ થાય તે પહેલા આખું પાટનગર થંભી ગયું હતું. ઉનાળાની આકરી બપોરના સમયે, લોકો કાફે, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ મોટી સ્ક્રીનની સામે ઉભા રહી ગયા હતા. બધાની નજર તેની ટીમ અને તેના સુપરસ્ટાર લિયોનેલ મેસીના પ્રદર્શન પર ટકેલી હતી. એક જાહેરાત કંપનીમાં કામ કરતા 31 વર્ષીય એમિલિયાનો એડમે કહ્યું હતું કે હું ખુશીથી પાગલ થઈ ગયો છું. આ પહેલી મેચ હતી જેમાં મને કોઈ ટેન્શન નથી લાગ્યું. મેં શરૂઆતથી અંત સુધી મેચને સારી રીતે માણી હતી. ટીમના આ પ્રદર્શનથી આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા આ દેશના લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા સામે અણધારી હાર બાદ ટીમ સતત જીત નોંધાવીને ફાઇનલમાં પહોંચી હતી. આર્જેન્ટિનામાં ફુગાવો દર વર્ષે લગભગ 100 ટકા છે, અને દેશમાં દસમાંથી ચાર લોકો ગરીબીમાં જીવે છે.

Most Popular

To Top