National

પ્રથમ વન ડે : ટીમ ઇન્ડિયાની નજર વિજયી શ્રીગણેશ પર

પુણે, તા. 22 (પીટીઆઇ) : ઇંગ્લેન્ડની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ટેસ્ટ અને ટી-20 બંનેમાં પહેલી મેચ હાર્યા પછી પ્રભાવક વાપસી કરીને સીરિઝ જીતનારી ટીમ ઇન્ડિયા મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી ત્રણ વન ડેની સીરિઝની પ્રારંભિક મેચમાં વિજયી શ્રીગણેશ કરવાનો પ્રયાસ કરશે. આ વન ડે સીરિઝમાં બધાની નજર ઓપનર શિખર ધવન પર સ્થિર થઇ છે.
આ તરફ ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ અને ટી-20 બંનેમાં સારી શરૂઆત કર્યા પછી બંને ફોર્મેટમાં પોતાની રિધમ જાળવી શકી નહોતી, ત્યારે હવે ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ વન ડે સીરિઝમાં પોતાની આ ખામીને દૂર કરીને પ્રવાસનો અંત હકારાત્મકતા સાથે કરવા માગશે. ધવન માટે ખાસ કરીને આ સીરિઝ મહત્વની બની રહેશે. 35 વર્ષીય આ ઓપનર પહેલી ટી-20માં પ્રભાવ પાથરવામાં નિષ્ફળ પુરવાર થયો હતો અને તેના કારણે બાકીની મેચોમાં તેનો નંબર લાગ્યો નહોતો.
ભારતીય ટીમ પાસે હાલના તબક્કે ટોચના ક્રમે ઘણાં વિકલ્પ હાજર છે. 18 સભ્યોની ટીમમાં શુભમન ગીલ સામેલ છે, જ્યારે પૃથ્વી શો અને દેવદત્ત પડ્ડીકલ પણ પોતાનો દાવો આગળ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ધવન માટે આ સીરિઝ અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. એવી સંભાવના છે કે રોહિત શર્માની સાથે દાવની શરૂઆત તો શિખર ધવન જ કરશે. વન ડે ફોર્મેટમાં ઇનિંગને નિખારવા માટે પુરતો સમય મળે છે અને એ સ્થિતિમાં ધવન મંગળવારથી જ પોતાનું ફોર્મ પ્રાપ્ત કરી લેવાનો પ્રયાસ કરશે. બપોરે 1.30 વાગ્યાથી શરૂ થનારી મેચમાં ભુવનેશ્વરની સાથે નટરાજન, શાર્દુલ, સિરાજ કે પ્રસિદ્ધમાંથી કોનો સમાવેશ કરવો તે અવઢવ દેખાઇ રહી છે, જ્યારે સ્પિન વિભાગમાં યજુવેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદરને કૃણાલ પંડ્યા તેમજ કુલદીપ યાદવ પર પ્રાથમિકતા મળવાની સંભાવના છે.

વિરાટ કોહલી દોઢ વર્ષથી ચાલી આવતા શતકના દુષ્કાળનો અંત આણવા માગશે
ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા દોઢ વર્ષ જેવા સમયથી ત્રણેય ફોર્મેટ મળીને એક પણ સદી ફટકારી શક્યો નથી, આ સ્થિતિમાં આવતીકાલથી શરૂ થઇ રહેલી વન ડે સીરિઝમાં તે મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. કોહલીએ હાલમાં જ પુર્ણ થયેલી ટી-20 સીરિઝમાં ત્રણ અર્ધશતકીય ઇનિંગ રમી હતી. વિરાટે વન ડેમાં પોતાની છેલ્લી સદી 14 ઓગસ્ટ 2019માં વેસ્ટઇન્ડિઝ સામે પોર્ટ ઓફ સ્પેનમાં ફટકારી હતી અને તે પછી ટેસ્ટમાં તેણે બાંગ્લાદેશ સામે 23 નવેમ્બર 2019માં કોલકાતા ખાતે સદી ફટકારી હતી, તે પછી વિરાટની બેટમાંથી સદી નીકળી નથી. ત્યારે આવતીકાલની વન ડેમાં વિરાટ આ દુકાળનો અંત આણવા માગશે.

રાહુલ-પંતનું રમવાનું નક્કી, બાકીના એક સ્થાન માટે સૂર્ય કુમાર-ઐય્યર વચ્ચે સ્પર્ધા
ઇંગ્લેન્ડ સામેની પહેલી વન ડેમાં આવતીકાલે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કેએલ રાહુલ અને ઋષભ પંત બંનેનો સમાવેશ નક્કી મનાઇ રહ્યો છે. રાહુલ જો કે ટોપ ઓર્ડરમાં નહીં પણ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતરશે. પંત વિકેટકીપર તરીકેની જવાબદારી સાથે હાર્દિક પંડ્યાની સાથે મળીને લોઅર મિડલ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. આ સ્થિતિમાં અંતિમ ઇલેવનમાં બાકી રહેલા એક સ્થાન માટે મુંબઇના બે ખેલાડી શ્રેયસ ઐય્યર અને સૂર્ય કુમાર યાદવ વચ્ચે સ્પર્ધા થશે. હવે એ જોવાનું રહેશે કે આ બંનેમાંથી કોણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે.

ઇંગ્લેન્ડ માટે કેપ્ટન મોર્ગન, બટલર, જેસન રોય અને સ્ટોક્સનું ફોર્મ મહત્વનું
ભારતીય ટીમની જેમ ઇંગ્લેન્ડ પણ સીરિઝનો પ્રારંભ વિજયથી કરવા માગશે, જો કે તેમના માટે કેપ્ટન ઇયોન મોર્ગન, વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર, ઓપનર જેસન રોય અને ઓલરાઉન્ડ બેન સ્ટોક્સનું ફોર્મ ઘણું મહત્વનું રહેશે. જો ઇંગ્લેન્ડે સીરિઝ જીતવી હોય તો આ ચારેય મુખ્ય બેટ્સમેનોએ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવું પડશે. જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં માર્ક વુડની જવાબદારી વધી છે, સ્પિનરોમાં મોઇન અલી અને આદિલ રશીદ એટલી સમસ્યા ઊભી કરી શકતાં નથી ત્યારે તેમની વ્યુહરચના શું રહેશે તે જોવું રહ્યુ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top