Health

ફેટી લિવર? કેવો ખોરાક લેશો?

આજકાલ સ્થૂળતાની વાત ચાલી જ રહી છે ત્યારે શરીરના આંતરિક ભાગો કે જ્યાં ચરબી જમા થઈ સ્થૂળતાના ભોગ બની ગંભીર પરિણામો સર્જી શકે છે. લિવર એ શરીરનું બીજા નંબરનું સૌથી મોટું આંતરિક અંગ છે. લિવરનું કાર્ય શરીરમાં પોષક તત્ત્વોનું નિયમન કરવાનું અને શરીરમાંથી હાનિકારક પદાર્થોને ગાળીને બહાર કાઢવાનું છે. ખોરાકમાં જો વધુ પડતા ચરબીયુક્ત અથવા વધુ પડતી શર્કરાયુક્ત પદાર્થો લેવામાં આવે, ત્યારે શરીર માટે ઉપયોગી ન હોય એવી શર્કરા અને ચરબી એ ચરબીના સ્વરૂપે લિવર પર જમા થાય છે. આ ચરબીની માત્રા લિવર પર વધતાં ઉત્પન્ન થતી સમસ્યાને ‘ફેટી લિવર  સિન્ડ્રોમ’ કહેવામાં આવે છે. આ ફેટી લિવર બે પ્રકારના હોય. વધુ પડતાં આલ્કોહોલના સેવનને કારણે લિવર પર સોજો આવે તેને ‘આલ્કોહોલિક ફેટી લિવર ડીસિઝ’ અને આલ્કોહોલ સિવાય અન્ય કારણોસર થતાં લિવરના રોગને ‘નોન આલ્કોહોલ ફેટી લિવર ડીસિઝ’ કહેવાય છે. લિવરમાં વધુ પડતી ચરબી જમા થવાને કારણે લિવરમાં સોજો આવે અને લિવર બગડવા માંડે, એની કાર્યશીલતા ઘટે અને શરીર વિવિધ રોગોનું ઘર બને.

  • લક્ષણો
  • ભૂખ ઓછી થઈ જવી
  • થાક લાગવો
  • અશક્તિ લાગવી
  • ત્વચા પર ખંજવાળ આવવી
  • અકારણ વજન ઉતરવું
  • પીળાશ પડતી ત્વચા અને આંખો
  • પેટ અને પગના ભાગે સોજા આવવા
  • પેટમાં જમણી તરફ દુખાવો સતત રહેવો
  • ફેટી લિવર થવાનાં કારણો
  • વધુ પડતાં આલ્કોહોલનું સેવન.
  • વધુ પડતાં ચરબી ધરાવતાં જેવા કે તળેલા ફરસાણ, બટર, ચીઝ, વધુ પડતા માંસાહારી ખાદ્યપદાર્થોનું સેવન.
  • ડાયાબિટીસ.
  • ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ.
  • લોહીમાં ટ્રાય ગ્લીસરાઇડનું ઊંચું પ્રમાણ
  • કોઈક દવાની આડઅસર

આમ, ઉપર મુજબનામાંથી કોઈ પણ કારણ ફેટી લિવર માટે જવાબદાર હોય શકે. આ ઉપરાંત નીચે મુજબની સમસ્યાઓમાં પણ ફેટી લિવર થવાની સંભાવના વધી જતી હોય છે.

  • ફેટી લિવરમાં કેવા પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ?
  • માંસાહાર ફેટી લિવરમાં નુકસાન કરી શકે છે. આથી ફેટી લિવર હોય તો સૌ પ્રથમ દર્દીને શાકાહાર પર ઉતારી દેવો જોઈએ અથવા ચિકન સૂપ અને તળેલી ન હોય તેવી ફિશ આપી શકાય.
  • વધુ પડતું વજન હોય તો એ ઉતારવાનો પૂર્ણ પ્રયાસ કરવો.
  • મેંદાની વાનગીઓ જેવી કે બ્રેડ, બિસ્કીટ, પાસ્તાનો ઉપયોગ કરવો નહિ.
  • મીઠાઈઓ, આઈસ્ક્રીમ, ચોકલેટ જેવા વધુ સાકર ધરાવતાં પદાર્થોનું સેવન ટાળવું.
  • તળેલા ફરસાણ અને ફાસ્ટ ફૂડનું સેવન ટાળવું.
  • દારૂનું સેવન બિલકુલ કરવું નહિ.
  • ફેટી લિવરમાં કેવા પ્રકારનો ખોરાક લેવો?
  • તાજાં ફળો અને શાકભાજીનો સલાડ, સૂપમાં પુષ્કળ ઉપયોગ કરવો.
  • તાજાં વેજીટેબલ જ્યુસ જેમાં પાલક, આમળાં, દૂધી, ટામેટાં, આદુનો સમાવેશ થતો હોય તે રોજ લેવો. આ વેજીટેબલ જ્યુસ લિવરની શુદ્ધિમાં મદદરૂપ થતો હોવાનું જાણવામાં આવ્યું છે.
  • લિવરના રોગોમાં બ્લેક કોફીનો આગવો ફાળો છે. દિવસ દરમિયાન ૧ થી ૨ કપ બ્લેક કોફી લીંબુના રસ સાથે લેવાનું ફાયદેમંદ સાબિત થયું છે. હા, રાત્રે સૂતા પહેલાં બ્લેક કોફીનું સેવન કરવાથી ઊંઘ પર અસર થઈ શકે. એથી સૂર્યાસ્ત બાદ બ્લેક કોફી લેવી નહિ.
  • લસણનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં વધારવો. લસણ લિવરના રોગોમાં ફાયદાકારક નીવડે છે.
  • સ્ટ્રોબેરી, આમળાં, ક્રેનબૅરી જેવા બેરી ફ્રૂટ્સ પણ ખૂબ સારી અસર ધરાવે છે.
  • અળસી, સૂર્યમુખીનાં બીજ, બદામ જેવા વિટામિન ઈ ધરાવતાં બીજ ફેટી લિવરનું સમારકામ કરવામાં મદદરૂપ થાય છે.
  • ગ્રીન ટી લિવર માટે ફાયદાકારક છે. દિવસ દરમ્યાન ૨-૩ કપ ગ્રીન ટી લઈ શકાય.

આમ, ઉપર મુજબના ફેરફાર ફેટી લિવરની સારવારમાં ઉપયોગી સાબિત થશે.

  • ફેટી લિવર ન થાય તે માટે શી સાવચેતી રાખવી?
  • શરીરનું વજન વધવા ન દેવું.
  • ડાયાબિટીસ હોય તો શુગર નિયંત્રણમાં રાખવી.
  • બેલેન્સ હેલ્ધી ડાયટનું સેવન કરવું.
  • કોલેસ્ટેરોલ અને ટ્રાય ગ્લીસરાઇડનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું.
  • નિયમિત કસરત કરવી.
  • ૪૦ વર્ષ બાદ નિયમિત વાર્ષિક હેલ્થ ચેક અપ કરાવવું.

Most Popular

To Top