વાપીમાં જંતુનાશક ડુપ્લિકેટ દવાના ચાલતા રેકેટનો પર્દાફાશ

વાપી : વાપીમાં(Vapi) જંતુનાશક ડુપ્લિકેટ (Duplicate disinfectant) દવાના ચાલતા રેકેટનો પર્દાફાશ કરી દિલ્હીથી ડુપ્લિકેટ દવાનો જથ્થો મંગાવનાર વાપી શખ્સને ઝડપી પાડ્યો હતો. વાપીની કંપનીની વિજીલન્સ ટીમે પોલીસની મદદથી ડુપ્લિકેટ જંતુનાશક દવાનો જથ્થો કારમાંથી રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાપીની જાણીતી યુપીએલ કંપની (UPL Company) તેમજ બાયર અને એફએમસી કંપનીની (FMC Company) ડુપ્લિકેટ બનાવટની જંતુનાશક દવા વેચવાના આ આખા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

દમણ રહેતા તથા ગોવિંદા કોમ્પલેક્સમાં ભાડાની ઓફિસમાં નવજ્યોત એગ્રો કેમિકલ્સ એન્ડ ટ્રેડર્સના નામે વેપાર કરતા મૂળ મહારાષ્ટ્રના નવલકિશોર સંપતરાવ દુધેની લાલ કલરની મહિન્દ્ર કંપનીની એક્સયુવી ૩૦૦ કારમાંથી જંતુનાશક ડુપ્લિકેટ દવાનો જથ્થો ઝડપી પાડી પોલીસે નવલકિશોર દુધેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસે મળતી વિગત મુજબ વાપીની યુપીએલ કંપનીના વિજીલન્સ જનરલ મેનેજર વાસુદેવ શીશપાલ યોગીએ તેમને મળેલી બાતમીના આધારે વાપી પોલીસને સાથે રાખી વાપીના ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ઓફિસ રાખી વેપાર કરતા નવલકિશોર દુધેની કારની તપાસ કરવા માટે પોલીસની ટીમ સાથે ગોવિંદા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પહોંચ્યા હતા. જયાં કારની ડીકીમાંથી પ્લાસ્ટિકના અલગ અલગ મીણીયા કોથળાઓમાં પુઠાના બોક્સના પાર્સલોમાં યુપીએલ કંપનીમાં બનતી જંતુનાશક દવાના પાઉચ જે બનાવટી લાગતા તેના બારકોડ સ્ક્રેન થયા ન હતા તેમજ બેચ નંબર ખોટો હોવાનું જણાયું હતું.

તેમજ બીજા પાર્સલમાં એફએમસી કંપનીનું ૧૫૦ મીલીની બોટલો તથા બાયર કંપનીના પાંચ ગ્રામના પાઉચો હતા. યુપીએલ કંપની સહિત ત્રણે કંપનીની જંતુનાશક દવા ડુપ્લિકેટ હોવાનું લાગતા નવલકિશોર પાસે બીલ માગતા તેની પાસે બીલ હતું નહીં. આ સમયે જ એફએમસી તેમજ બાયર કંપનીના ઓથોરાઇઝ઼્ડ પ્રતિનિધિ ભારતીબેન શર્માનો સંપર્ક કરતા તેઓ પણ સ્થળ પર આવતા તેમની કંપનીની દવાનો જથ્થો પણ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું.

આ ડુપ્લિકેટ દવાનો જથ્થો દિલ્હી મોકલ્યો હોવાની આરોપીની કબુલાત
નવલકિશોરની પૂછપરછમાં આ ડુપ્લિકેટ દવાનો જથ્થો યુપી લખનઉના આર્યન ઉર્ફે અમીતકુમાર માલ દ્વારા દિલ્હીથી મોકલ્યો હતો. વ્હોટસએપ કોલ કરીને દિલ્હીથી સાતેક વખત જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. વાપી પોલીસે હમણાં તો જંતુનાશક દવાઓ ડુપ્લિકેટ બનાવી તેમજ ડુપ્લિકેટ ટ્રેડમાર્કનો ઉપયોગ ખોટા નામે ઠગાઈ કરવાના ઇરાદાથી છેતરપિંડી કરી હોવાનું જણાતા નવલકિશોરની અટક કરી તેની કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top