Dakshin Gujarat

આખરે તિથલ રોડની ગટર ગંગાની સફાઇ શરૂ, પાલિકાએ જેસીબી તૈનાત કરી દીધું

વલસાડ: વલસાડના (Valsad) પોશ વિસ્તાર એવા તિથલ રોડ (Tithal road) પર ગવર્મેન્ટ કોલોની પાછળની ગટરની (Sewer) સફાઇના મુદ્દે ભારે ફરિયાદ ઉઠી હતી. આ અંગે એક સ્થાનિકે ન્યાયાધીશ સુધી ફરિયાદ કરી હતી. આ વિસ્તારના ચારેય ભાજપી સભ્ય હોવા છતાં અહીંની ગટરની સફાઇ થતી નહીં સ્થાનિકોની વારંવાર રજૂઆત અને અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં આખરે આ ગટરની સફાઇ શુક્રવારે સવારથી શરૂ થઇ ગઇ છે. જેના માટે પાલિકાએ ખાસ જેસીબી અહીં ખડકી દીધું છે.

  • તિથલ રોડ પર ગવર્મેન્ટ કોલોની પાછળની ગટરની સફાઇના મુદ્દે ફરિયાદ ન્યાયાધીશ સુધી થઇ હતી
  • આ વિસ્તારના ચારેય ભાજપી સભ્ય હોવા છતાં ગટરની સફાઇ થતી ન હતી

વલસાડમાં પ્રિમાનસૂન કામગીરીની શરૂઆત થઇ ગઇ છે. પાલિકાના બાહોશ ચીફ ઓફિસર સંજય સોનીના માર્ગદર્શન હેઠળ વલસાડ ગવર્મેન્ટ કોલોની પાછળ વોર્ડ નં. 8ની આ ગટરની સફાઇ જેસીબી મશીન દ્વારા શરૂ કરાવી દીધી છે. આ ગટરની યોગ્ય સફાઇ નહીં થતાં દર વર્ષે અહીં પાણીનો ભરાવો થઇ જતો હતો. ત્યારે પાલિકા દ્વારા આ ગટરની સફાઇ શરૂ કરાઇ છે. જેના માટે તેમના દ્વારા અહીં એક જેસીબી મુકી સફાઇ હાથ ધરતાં માત્ર એક કલાકમાં જ અહીં કાદવના ઢગ થઇ ગયા હતા. આ સફાઇ અભિયાન શરૂ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. વલસાડની આ ગટરના કારણે તિથલ રોડ પર જજ બંગલો પાસે પણ પાણીનો ભરાવો થતો હોય છે. આ ગટર વલસાડથી ભાગડાવડા ગામમાં જાય છે. ત્યાં પણ પાણીનો ભરાવો થતો હોય છે. ત્યારે હવે આ ગટરની સંપૂર્ણ સફાઇ કરી માર્ગ ખુલ્લો કરાય તો પાણીની સમસ્યાનું નિવારણ થઇ શકે એમ છે.

ગટરને બંધ કરવી જરૂરી
વલસાડ ગવર્મેન્ટ કોલોની પાછળની આ મોટી ગટર ખુલ્લી હોય અહીં આજુ બાજુના લોકો પણ ખાસ કચરો ઠાલવવા આવતા હોય છે. જેના કારણે ગટર કચરાથી ભરાઇ જાય છે અને ચોમાસા દરમિયાન અહીં પાણીનો પ્રવાહ અટકી જતો હોય છે. ત્યારે અહીં અંદર કચરો જતો અટકાવવા તેને કામચલાઉ પણ ઢાંકવામાં આવે એ જરૂરી છે. તેની ઉપર જાળી લગાવી મોટો કચરો જતો અટકાવાય તો પણ મોટી રાહત થાય એમ છે. ત્યારે આ અંગે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરાય એ માટે ભાજપી સભ્યો સક્રિય બને એ જરૂરી બન્યું છે.

Most Popular

To Top