World

યુરોપિયન યુનિયન લગાવશે રશિયન તેલ પર પ્રતિબંધ, તો પુતિન કરશે આવું….

બ્રસેલ્સ(Brussels): યુરોપિયન યુનિયન(EU) યુક્રેન(Ukraine) યુદ્ધ(War) પર રશિયા(Russia)ને અલગ કરવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. યુક્રેન પર હુમલાના બે મહિના બાદ યુરોપિયન યુનિયન રશિયા પર મોટા પ્રતિબંધો લગાવવાની તૈયારી કરી રહ્યું છે જે અંતર્ગત આગામી છ મહિનામાં રશિયાથી તમામ પ્રકારના તેલ ઉત્પાદનો(Oil Products)ની આયાત(Import) પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. EUના એક્ઝિક્યુટિવ યુરોપિયન કમિશનના વડાએ એક દરખાસ્ત રજૂ કરી હતી કે EU દેશો આગામી છ મહિનામાં રશિયન તેલ અને શુદ્ધ ઉત્પાદનોની આયાત બંધ કરશે.

પ્રસ્તાવને અમલમાં મુકવા 27 EU દેશોની મંજૂરીની જરૂર: યુરોપિયન સંસદ
ઉર્સુલા વોન ડેર લેયેને યુરોપિયન સંસદને જણાવ્યું હતું કે અમે છ મહિનાની અંદર વર્ષના અંત સુધીમાં ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઉત્પાદનોનો રશિયન પુરવઠો સમાપ્ત કરીશું. આ તમામ રશિયન તેલ, દરિયાઇ અને પાઇપલાઇન, ક્રૂડ અને રિફાઇન્ડ પર સંપૂર્ણ આયાત પ્રતિબંધ હશે. પ્રસ્તાવ પર, વોન ડેર લેયેને કહ્યું કે તે સરળ નહીં હોય. કેટલાક સભ્ય દેશો રશિયન તેલ પર ભારે નિર્ભર છે. પરંતુ આપણે ફક્ત તેના પર કામ કરવાનું છે. પ્રસ્તાવને અમલમાં મૂકવા માટે તમામ 27 EU દેશોની મંજૂરીની જરૂર પડશે.

પુતિન પ્રતિબંધ લાદેલા દેશો સાથે બદલો લેશે
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અન્ય દેશો અને સંગઠનો દ્વારા રશિયા પર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો સામે બદલો લેવાનો આદેશ આપ્યો છે. તેમણે પશ્ચિમી દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની કાર્યવાહીનો બદલો લેવા માટે આર્થિક પ્રતિબંધો લાદતા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. રશિયાના પ્રેસિડેન્શિયલ પેલેસ ક્રેમલિને કહ્યું કે પુતિને કેબિનેટને એવી વ્યક્તિઓ અને કંપનીઓની યાદી તૈયાર કરવા કહ્યું છે જેમની સામે 10 દિવસની અંદર બદલો લેવા પ્રતિબંધો લાદવામાં આવશે. રાષ્ટ્રપતિના આદેશ અનુસાર, રશિયા યાદીમાં સામેલ લોકો અને કંપનીઓ સાથે કોઈ વેપાર કરશે નહીં.

યુક્રેન યુદ્ધને લઈ પશ્ચિમી દેશો નારાજ
ઉલ્લેખનીય છે કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ યુક્રેનમાં રશિયન સૈનિકોની બર્બરતાની તસવીરો પણ સામે આવી છે. રશિયાના આ હુમલાને લઈને પશ્ચિમી દેશો ખૂબ જ નારાજ છે અને અમેરિકા સહિત ઈયુએ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.

Most Popular

To Top