Comments

કયાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે!

ઉદ્યોગપતિ જે. આર. ડી. તાતા જીવ્યા ત્યાં સુધી એક વાત કહેતા રહેતા કે ભારતની એક માત્ર સમસ્યા વસ્તીવધારો છે. વસ્તી નિયંત્રણમાં આવી જશે એટલે ભારતની દરેક સમસ્યાનો અંત આવી જશે. તેમની સખાવત પણ મોટે ભાગે પરિવારનિયોજનને લગતી પ્રવૃત્તિ માટે રહેતી. માત્ર તાતા જ નહીં; એ સમયે વિશ્વબેંક, આંતરરાષ્ટ્રીય નાણાંનિધિ, સંયુક્ત રાષ્ટ્રસંસ્થા (યુનો), ખાનગી રાહે ચાલતી અનેક અધ્યયનસંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ પણ લગભગ આવો જ મત ધરાવતા હતા. ત્રીજા વિશ્વના દેશો (સાવ ગરીબ કે અવિકસિત દેશો તેમ જ ભારત જેવા વિકાસશીલ દેશો જે મોટા ભાગે એશિયા અને આફ્રિકામાં આવેલા છે તેને એ યુગમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ તરીકે ઓળખવામાં આવતા હતા.)માં વસ્તીનું નિયંત્રણ થવું જોઈએ. એ દેશોમાં શિક્ષણનું પ્રમાણ વધશે અને જાગૃતિ વધશે એટલે વસ્તીનું પ્રમાણ ઘટશે. ‘દો યા તીન બચ્ચે હોતે હૈ ઘર મેં અચ્છે’એવું એ સમયે ભારત સરકારનું કુટુંબનિયોજન માટેનું સૂત્ર હતું. એ પછી એમાં સુધારો કરીને ‘હમ દો, હમારે દો’એવું સૂત્ર વહેતું કરીને એક બાળક ઘટાડી દેવામાં આવ્યું. વળી પાછો એમાં સુધારો કરવામાં આવ્યો અને ‘હમ દો હમારા એક’સૂત્ર વહેતું કરીને વળી એક બાળક ઘટાડવામાં આવ્યું. લોકો ફરજિયાત કુટુંબનિયોજન કરવાની પણ હિમાયત કરતા હતા અને ચીનને અનુસરવાની સલાહ આપતા હતા.

આની પાછળ સાદી સમજ એવી હતી કે તમે ગમે તેટલો વિકાસ કરો, આખરે રહેવાનું તો આ ધરતી ઉપર જ છે અને તેની પાસે મર્યાદિત સાધનો છે. અત્યાર સુધી વિજ્ઞાનનો, ખાસ કરીને આરોગ્યવિજ્ઞાનનો વિકાસ નહોતો થયો ત્યાં સુધી મૃત્યુદર એટલો મોટો હતો અને સરેરાશ આયુ (life expectancy) ટૂંકું હતું, જેને કારણે બધું સરભર થઈ જતું. વીસમી સદીમાં આયુર્વિજ્ઞાન એટલું વિકસ્યું કે મૃત્યુદર ઘટી ગયો અને લોકો લાંબુ જીવતાં થયાં અને એને કારણે વસ્તી વધવા માંડી. એ તો દેખીતી વાત છે કે પૃથ્વી ઉપર જેટલો બોજો ઓછો એટલી સુખાકારી વધુ. ક્યાં સુધી આ ધરતી બોજો સહન કરતી રહેશે!
આજે જગતમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે ત્યારે આ સાદી સમજ પણ બદલાઈ રહી છે. આજે દરેક ચીજનું રાજકારણ રમાઈ રહ્યું છે એમાં વસ્તીનું પણ રાજકારણ રમાઈ રહ્યું છે.

વસ્તીનું રાજકારણ એ સંખ્યાનું રાજકારણ છે. સાંખ્યદર્શનમાં પ્રકૃત્તિતત્ત્વની ગણના અને ચિત્તમાં રહેલા ગુણ-દોષોની ગણનાને અર્થાત્ સંખ્યાને સાંખ્ય તરીકે ઓળખાવવામાં આવે છે. મૂળ ઉદ્દેશ આંતરબાહ્ય વિવેક કરવાનો છે કે જેથી માણસને મોક્ષ મળે. અત્યારે પ્રકૃત્તિતત્ત્વને ભોગવનાર અને ચિત્તમાં રહેલા દોષો (રાગ, દ્વેષ, અનેક પ્રકારની પૃથક્ અસ્મિતાઓ અને વિષયસુખ)ને સંઘરનાર માનવીની સંખ્યાનું રાજકારણ રમાઈ રહ્યું છે. આનો અર્થ એ થયો કે આધુનિક અર્થતંત્રને રસ છે ઉપભોક્તાઓ (દરેક અર્થમાં)ની સંખ્યામાં અને અસ્મિતાજન્ય રાજકારણ કરનારાઓને રસ છે એકબીજા સામે ઝેર ઓકનારા જંગમ શસ્ત્રોની સંખ્યામાં. સાંખ્યથી સંખ્યાની દિશામાં ઉલટો પ્રવાસ ચાલી રહ્યો છે. ઉપભોક્તાઓની જેટલી સંખ્યા વધુ એટલો નફો વધુ અને પ્રતિબદ્ધ દ્વેષ્ટાઓની જેટલી સંખ્યા વધુ એટલો સત્તાનો ભોગવટો વધુ. ગયા રવિવારની કોલમમાં મેં લખ્યું હતું કે સત્યમેવ જયતે કહેનારા મૂંડક ઉપનિષદના ઋષિ અને ઋષિના મુખે એમ કહેવડાવનારા ઈશ્વરની કસોટી થઈ રહી છે. એ જ રીતે સાંખ્યદર્શનના પ્રણેતા કપિલમુનિની પણ કસોટી થઈ રહી છે. કપિલમુનિએ માનવીને થઈ રહેલા નફાની અને નુકસાનની એમ બન્ને ગણતરી કરી હતી જ્યારે અત્યારે વેપારીઓ અને સત્તાધીશો પોતાને થવા જોઈતા નફાની જ ગણતરી કરી રહ્યા છે. જે નુકસાન થવાનું છે એ પ્રજાનું થવાનું છે જે પ્રજાને નજરે પડતું નથી.

ગયા અઠવાડિયે યુનોએ ‘વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ’ના નામે વિશ્વવસ્તીના આંકડા જાહેર કર્યા એ પછી તે વિષે પ્રતિક્રિયા આપતા વિશ્વના સૌથી ધનિક માણસ એલન મસ્કે કહ્યું છે કે વસ્તીનો ઘટાડો સભ્યતા સામેનું સંકટ સાબિત થવાનો છે. અંગ્રેજીમાં તેમનું કથન આ મુજબ છે: “a collapsing birth rate is the biggest danger civilisation faces by far.”અત્યારે જગતની વસ્તીમાં વધારો થયો છે અને ૧૫ મી નવેમ્બરે વિશ્વવસ્તી આઠ અબજનો આંકડો પાર કરવાની છે એ વાતનો તેમને સંતોષ નથી. ઈ. સ. ૨૦૮૦ સુધીમાં વિશ્વવસ્તી વધીને ૧૦ અબજ ૪૦ કરોડ થશે એ વાતનો પણ તેમને સંતોષ નથી. તેમનો અસંતોષ એ વાતનો છે કે એ પછી વસ્તીનો આંકડો દાયકાઓ સુધી સ્થિર રહીને ઘટશે. કારણ કે જન્મદર ઘટી રહ્યો છે. collapsing birth rate એમ તેમણે કહ્યું છે. એક સમયે જે. આર. ડી. તાતા ચિંતા વ્યક્ત કરતા હતા તેના સામેના છેડાની આ ચિંતા છે.

એક સમયે ચીનનો હવાલો આપીને કેટલાંક લોકો કહેતાં હતાં કે ભારતે ચીનની જેમ ફરજિયાત કુટુંબનિયોજન દાખલ કરવું જોઈએ. એક કરતાં વધુ બાળક પેદા કરે તેને સરકારી લાભોથી વંચિત રાખવા જોઈએ. દંડ કરવો જોઈએ વગેરે વગેરે. યુનોના તાજા આંકડા મુજબ ભારત આવતા વર્ષે વિશ્વનો સૌથી મોટો વસ્તી ધરાવનારો દેશ બનશે અને ચીન તે સ્થાન ગુમાવી દેશે. મૂળ અનુમાન કરતાં ચાર વરસ વહેલી આ સુખદ કે દુઃખદ ઘટના બની છે. એટલા માટે નહીં કે ભારતની પ્રજાએ વધારે બાળકો જણ્યાં છે, પણ એટલા માટે કે ચીનાઓ ઓછાં બાળકો પેદા કરી રહ્યાં છે. ચીનના શાસકો માટે આ ગૌરવનો વિષય નથી, ચિંતાનો વિષય છે. પોતાની વસ્તી ઘટે નહીં એ માટે ચીને વસ્તીનિયંત્રણની નીતિ ઢીલી કરીને એક બાળકની જગ્યાએ બે બાળક પેદા કરવાની છૂટ આપી હતી. એ પછી પણ ધાર્યું પરિણામ મળ્યું નહીં તો બે ની જગ્યાએ ત્રણ બાળક જણવાની છૂટ આપી અને છતાંય ચીન ભારત સામે પછડાટ ખાઈ રહ્યું છે. ચીન હવે પછી કદાચ પ્રોત્સાહન નીતિ પણ અપનાવે તો નવાઈ નહીં. સંખ્યાના અર્થકારણના અને સંખ્યાના રાજકારણના આ વસ્તીમહિમાના યુગમાં સંખ્યાનાં પરિણામો સમજી લેવાં જોઈએ. માટે આટલી પ્રસ્તાવના પછી આવતા અઠવાડિયે સંખ્યાના સૂચિતાર્થો બતાવવાનો ઈરાદો છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top