SURAT

સુરતીઓને ડોમિનિકન દેશના વિઝા અપાવવાના બહાને કરોડોનો ચૂનો ચોપડનાર ઝડપાયો

સુરત : ડોમિનિકન (Dominican) દેશના વિઝા (Visa) અપાવવાના બહાને અસંખ્ય લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઇ (Fraud) કરનાર મોટા વરાછાના યુવકને એટીએસ (ATS) અને સુરત એસઓજી (SOG Police)ની સંયુક્ત ટીમે પકડી પાડ્યો હતો. પોલીસની મો.ઇરફાનની પાસેથી અનેક દેશોની પાસપોર્ટ (Passport) કોપીઓ મળી આવી હતી, આ ઉપરાંત મોબાઇલમાં ચેટીંગ (Mobile chatting) પણ મળી આવ્યા હતા. પોલીસે મો.ઇરફાનની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

સુરતના મોટા વરાછા પાસે અમરોલી ગામમાં જાદવત ફળિયામાં રહેતો એક યુવક કલર ઝેરોક્ષ કોપીના આધારે અનેક દેશોના વિઝા તેમજ પાસપોર્ટ પણ બનાવી આપતો હોવાની માહિતી એટીએસ તેમજ સુરત એસઓજીને મળી હતી. આ બાતમીને આધારે પોલીસે મોટા વરાછામાં રહેતા મો.ઇરફાન ઐયુબઇસ્માઇલ આદમને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરી તપાસ કરતા મો.ઇરફાને મહારાષ્ટ્ર, થાણે, દિલ્હી સહિત ભારતની અલગ અલગ પાસપોર્ટ ઓફિસથી ખોટા નામે બોગસ પાસપોર્ટ અપાવ્યા હતા. આ ઉપરાંત ડોમિનિકન દેશના વિઝા આપીને બોગસ સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરી હતી. આ સર્ટિફિકેટના આધારે લોકો અનેક દેશોમાં વેપાર કરી શકતા હતા. મો.ઇરફાને ડોમિનિકન વિઝા અપાવવાના બહાને એક વ્યક્તિ પાસેથી દોઢથી બે લાખ રૂપિયા લેતો હતો. આવા અનેક લોકો પાસેથી તેને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. મો. ઇરફાનની સામે સુરત, ભરૂચ, વડોદરા, મહેસાણા, મુંબઇ તથા કલકત્તામાં સાત જેટલા ઠગાઇના કેસો નોંધાવ્યા છે. આ તમામ કેસોમાં બોગસ વિઝા અપાવવાના નામે રૂપિયા લીધા હતા.

‘એરપોર્ટ ઉપર અમારુ સેટીંગ છે’, તેવી વ્હોટ્સએપ ચેટીંગ પણ પોલીસે કબજે લીધી
સુરત એસઓજી અને એટીએસએ મો.ઇરફાનનો ફોન કબજે લીધો હતો. આ ફોનમાં તપાસ કરતા તેને કેટલાક વ્યક્તિઓ સાથે ચેટીંગ કર્યું હતું. જેમાં ઇરફાને લખ્યું હતું કે, ‘આપણું એરપોર્ટ ઉપર સેટીંગ છે.’ પાકિસ્તાની બાંગ્લાદેશીને, પાકિસ્તાનથી યુરોપ, સાઉથ આફ્રિકા, કેનેડા તથા યુકેમાં અનેક લોકોને મોકલ્યા છે. ભારતની બે યુવતીને બાંગ્લાદેશના પાસપોર્ટ-વિઝાના આધારે દુબઇમાં સેટ કરવાનો છે અને ખોટા ડોક્યુમેન્ટ આઇડી પાસપોર્ટ, રેસિડેન્ટ પરમીટ બનાવવાની અન્ય વ્યક્તિઓ સાથેની વ્હોટ્સએપ ચેટીંગ પણ કબજે લેવામાં આવી હતી.

મો. ઇરફાને જાહેરતના માધ્યમથી અશ્લીલ પોસ્ટો કરી હતી
પોલીસ તપાસ દરમિયાન મો.ઇરફાને Locan.to નામની એક જાહેરાતની વેબસાઇટ ઉપર અશ્લિલ પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં મો.ઇરફાન જે યુવતી એકલી હોઈ, જેના કોઈ પરિવાર ન હોઈ અને જે બહાર દારૂ પી શકે, ડેટ ઉપર જય શકે, હરી ફરી શકે તેવી યુવતી અને મહિલાઓને દુબઇ લઇ જવાનું કહેતો હતો, દુબઇ જવાનો તમામ ખર્ચો મો. ઇરફાન કરશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી.

Most Popular

To Top