Madhya Gujarat

સંધાણામાં PHC સેન્ટરના અભાવે દર્દીને પડતી હાલાકી

નડિયાદ: માતર તાલુકાના સંધાણા ગામમાં પાંચેક વર્ષ અગાઉ પી.એચ.સી સેન્ટર બનાવવાની સરકારની મંજુરી મળ્યાં બાદ, જગ્યા આપવામાં ઈરીગેશન વિભાગે આડોડાઈ કરી હતી. જેને પગલે પી.એચ.સી સેન્ટર બનાવવાનો આખો પ્રોજેક્ટ અભેરાઈએ ચઢી ગયો છે. જેને પગલે હાલ, ગામમાં આવેલ એક ખાનગી ટ્રસ્ટની નાનકડી જગ્યામાં છેલ્લાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલાવવા ફરજ પડી છે.

માતર તાલુકાના સંધાણા ગામમાં આજથી દશેક વર્ષ અગાઉ ખાનગી ટ્રસ્ટના બાલમંદિરની જગ્યામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. નાનકડા હોલમાં શરૂ કરાયેલાં આ પી.એચ.સી સેન્ટરમાં જેમ-જેમ સુવિધાઓ વધતી ગઈ તેમ-તેમ જગ્યાનો અભાવ વર્તાવા લાગ્યો હતો અને દર્દીઓ તેમજ સ્ટાફને ઘણી હાલાકી પડી રહી હતી. જેને ધ્યાનમાં રાખી ગ્રામજનોએ એક પી.એચ.સી સેન્ટર બનાવવાની માંગ સરકાર સમક્ષ કરી હતી. ગ્રામજનોની અનેક રજુઆતો અને અરજીઓ બાદ આખરે સરકારે સન ૨૦૧૬-૧૭ માં પી.એચ.સી સેન્ટર બનાવવાની મંજુરી આપી દીધી હતી.

જે બાદ પી.એચ.સી સેન્ટર માટેની જગ્યાનો પ્રશ્ન ઉભો થયો હતો. આખરે ઈરીગેશન વિભાગની એક પડતર જમીનમાં રૂપિયા ૧.૧૭ કરોડના ખર્ચે પી.એચ.સી સેન્ટર બનાવવાનું નક્કી પણ થઈ ગયું હતું. જેને પગલે ગ્રામજનોમાં આનંદ છવાયો હતો. પરંતુ ઈરીગેશન વિભાગે પી.એચ.સી સેન્ટર બનાવવા માટે જગ્યા ફાળવવાના બદલામાં અધધ….રૂપિયાની માંગણી કરતાં આ પ્રોજેક્ટમાં અવરોધ ઉભો થયો હતો.

સરકારના બંને વિભાગો વચ્ચે આ મામલે અનેકોવાર મિટીંગો થઈ હતી. પરંતુ કોઈ નિકાલ આવ્યો ન હતો. આ મામલે સરકાર તરફથી પણ ઈરીગેશન વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો અને પ્રજાહિતનું કામ હોવાથી જગ્યા ફાળવવા જણાવ્યું હતું. જોકે, ઈરીગેશન વિભાગ ટસનું મસ થયું ન હતું અને જગ્યાના બદલામાં રૂપિયાની માંગ પર અડગ રહ્યું હતું. જેને પગલે પી.એચ.સી સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ અભેરાઈએ ચઢી ગયો હતો. સરકારની મંજુરી મળ્યાને આજે પાંચેક વર્ષ જેટલો સમય વિતી ગયા બાદ પણ જગ્યાના પ્રશ્ને પી.એચ.સી સેન્ટર આજદિન સુધી બની શક્યું નથી. હાલ નાનકડી ઓરડીમાં 11 કર્મચારી ફરજ બજાવે છે.

ઓટલા ઉપર પાર્ટીશન મારી લેબ બનાવી
એક નાનકડા હોલમાં ચાલતાં આ પી.એચ.સી સેન્ટરમાં મેડિકલ ઓફિસર સહિત ડોક્ટરના બે ટેબલ ગોઠવવામાં આવ્યાં છે. જેની સામે બે કમ્પ્યુટરના ટેબલ અને વચ્ચે દર્દી માટેનો એક બેડ મુકવામાં આવ્યો છે. તદુપરાંત દવાઓનું સ્ટેન્ડ અને અગત્યની ફાઈલો તેમજ ડોક્યુમેન્ટ સાચવવા માટે તિજોરી ગોઠવવામાં આવી હોવાથી નાનકડો હોલ ખિચોખિસ ભરાઈ જવા પામ્યો છે. આમ, પી.એચ.સી સેન્ટરમાં જગ્યાનો ખુબ જ અભાવ હોવાથી હોલની બહાર ઓટલા ઉપર પાર્ટીશન મારી લેબોરેટરી રૂમ બનાવવામાં આવી છે.

Most Popular

To Top