Gujarat

વડોદરાની કેમિકલ ફેક્ટરીમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

વડોદરા: વડોદરા(Vadodara)નાં સાવલી(Savli) ખાતે આવેલી એક કેમિકલ ફેક્ટરી(Chemical factory)માં ગુજરાત (Gujarat) ATSએ દરોડા(Raid) પાડ્યા હતા. ATSની ટીમે કંપનીમાંથી કરોડ રૂપિયાનો ડ્રગ્સ(Drugs)નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત એટીએસના ડીઆઈજી(DIG) દિપેન ભદ્રનને બાતમી મળી હતી કે વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામે આવેલી નેક્ટર કેમ્પ. ફેક્ટરીમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન થાય છે. બાતમીના આધારે ડીવાયએસપી કે કે પટેલની આગેવાનીમાં ટીમે બે ડઝન કરતાં વધુના સ્ટાફ સાથે કંપનીમાં દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં 200 કિલોથી વધુનું એમડી ડ્રગ ઝડપી પાડ્યું હતું. જેની અંદાજીત બજાર કિંમત 1000 કરોડથી વધુ થાય છે.

  • વડોદરામાં કેમિકલ ફેકટરીમાં ગુજરાત ATSનાં દરોડા
  • ફેક્ટરીમાંથી 1000 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
  • કંપનીમાં વિવિધ પ્રકારના કેમિકલનું થતું હતું ઉત્પાદન
  • ડ્રગ્સનો પ્રકાર અને તીવ્રતા જાણવા માટે ફોરેન્સીક તપાસ માટે મોકલાયું

મોક્ષી ગામે આવેલી આ ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હતું. ખાસ કરીને કોરોનાકાળમાં આ ફેક્ટરી દ્વારા કોરોના સંબંધીત કેમિકલનું ઉત્પાદન થતું હતું. પરંતુ આ ફેક્ટરીના પાછલા ભાગે પ્રતિબંધિત ડ્રગનું ઉત્પાદન થઈ રહ્યું હતું આ અંગેની જાણકારી એટીએસને મળતા ડીઆઈજી દિપેન ભદ્રન, એસપી સુનિલ જોશી અને ડીવાયએસપી કે કે પટેલે વ્યૂહરચના ઘડી ગુપ્ત ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. ATS બે ડઝન કરતાં વધુના સ્ટાફ સાથે ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. ગુજરાત એટીએસની ટીમે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આ ડ્રગ્સ કયા પ્રકારનું છે અને તેની તિવ્રતા કયા પ્રકારની છે તે જાણવા તુરંત ફોરેન્સીક અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા. ફોરેન્સીક અધિકારીઓએ મળેલા કેમિકલનું પૃથ્થકરણ શરૂ કર્યું છે.

દરોડા પાડી ફેક્ટરીને ચારેય તરફથી ઘેરી લેવામાં આવી
ઓપરેશનની ગુપ્તતા રાખી દરોડાની ટીમમાં શામેલ અધિકારીઓને પણ કયા સ્થળે દરોડો પાડવાનો છે તેની જાણકારી છેલ્લી ઘડી સુધી આપવામાં આવી ન હતી. દરોડા પાડતા ફેક્ટરીમાં હાજર લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. દરોડા વખતે ફેક્ટરીમાં હાજર લોકો બહાર જઈ શકે નહીં તે પ્રકારે ફેક્ટરીને ચારેય તરફથી ઘેરી લેવામાં આવી હતી. જો કે આ દરોડાની કાર્યવાહી વધુ ચારેક કલાક સુધી ચાલે તેવી સંભાવના છે. ચાલુ વર્ષે ગુજરાત એટીએસએ સ્થાનીક કક્ષાએ ગુજરાતમાં પકડેલા ડ્રગમાં આ સૌથી મોટી કિંમતનો જથ્થો માનવામાં આવે છે.

ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું
આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ ગયું હોવાની ATSને શંકા છે. ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને MD ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું. હવે આ રેકેટના તાર શોધવા માટે ગુજરાતી ATS તપાસ કરી રહી છે. જો કે એક સમયે મોટે પાયે MD ડ્રગ્સ મળી આવતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા.

Most Popular

To Top