Columns

શું ભારતને માત્ર ડોકટર્સ અને એન્જિનિયર્સ જ જોઇએ છે?

12ના પરિણામો આવી ગયાં. પોતાની ઇચ્છાઓ, અભિલાષા પ્રમાણે સ્નાતક કક્ષાએ પ્રવેશના ફોર્મ ભરી દીધા અને ગુજરાત લેવલે ગુજકેટના આધારે મેરીટ લિસ્ટ પણ બહાર પાડી દેવાયું, જેની વાસ્તવિકતા ખૂબ જ ચિંતાજનક છે. ટોટલ 257 કોલેજો, જેમાં 63400 બેઠકો સ્નાતક કક્ષાએ ઉપલબ્ધ છે. 95361 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી હતી. તેમાંથી 68681 વિદ્યાર્થીઓ પાસ થતા 72.02 % પરિણામ આવ્યું. આ ટકાવારીમાં ગ્રુપ A, B, AB એમ ત્રણેનો સમાવેશ થાય છે. જ્યાં ગયા અઠવાડિયે જાણ્યું તેમ જીવવિજ્ઞાન સાથે આગળ વધવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 60 હજાર જેવી છે અને મેથ્સ ગ્રુપ સાથે આગળ જવાવાળા 33396 છે.

હવે જો બધા પાસ થયેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગમાં પ્રવેશ લેવા ઇચ્છે તો મળી શકે તો પણ 50 %+ બેઠકો એન્જિનિયરીંગ કોલેજોમાં ખાલી રહેવાની શકયતા દેખાય છે. સાથે જ ભારતમાં બીજી બાજુ 48 % એન્જિનિયર્સ બેરોજગારીનો અનુભવ કરી રહ્યા છે. નીતિ આયોગના આંકડા પ્રમાણે સાથે જ L એન્ડ Tના નામાંકિત HR ડૉ. મિલિન્દ કુલકર્ણીના જણાવ્યા મુજબ ભારત એની $ 2 મિલિયન ઇકોનોમી માટે 15 લાખ એન્જિનિયર્સ બહાર પાડે છે, જ્યારે અમેરિકા $ 16 મિલિયન ઇકોનોમી માટે એક લાખ એન્જિનિયર્સ બહાર પાડે છે.

આપણે ત્યાં પહેલાં મેન્યુફેકચરીંગ સેકટર સૌથી વધારે GDPમાં ફાળો આપતું હતું. પછી IT સેકટરનો ફાળો વધ્યો. હવે ત્યાં પણ સ્ટેગનેશન દેખાવા માંડયું એટલે કે એન્જિનિયર્સ ડિગ્રી સાથે બેરોજગાર રહેવા લાગ્યા, ઓછા પગારે નોકરીનો સ્વીકાર કરે છે, જ્યારે ઘણા પોતાના ક્ષેત્રની બહારની નોકરી પણ સ્વીકારવા મજબૂર થાય છે. એની સામે ટુરીઝમ સેકટર, ફાઇનાન્શ્યલ સેકટર, હોટલ, રેસ્ટોરન્ટસ જેવા સેકટરોનો ફાળો નોંધપાત્ર થાય છે, જ્યાં એન્જિનિયર્સની જરૂર નથી હોતી. વાસ્તવમાં GDPના 50 %+ વધારે સેકટરમાં બીજા કાબેલિયત ક્ષેત્રોની બોલબાલા હોય છે.

તો પછી સમાજે, શિક્ષણ સંસ્થાઓએ, માતાપિતા સૌએ ચિંતન કરવા જેવું છે કે આજે ગ્લોબલ લેવલે જે કુશળતા, જ્ઞાન એક મલ્ટી ટાસ્કીંગ વ્યકિતમાં જોઇએ છે, તે લોકલ લેવલે કે વ્યકિતગત લેવલે કેટલું વિકસે છે? શું બીજી ડિગ્રીવાળો વિદ્યાર્થી અન્ય સાથેની હરીફાઇમાં પાર ઉતરે છે? ડિમાન્ડ સપ્લાયના નિયમ પ્રમાણે ડિમાન્ડની સામે જ્યારે સપ્લાય વધુ હોય ત્યારે ગુણવત્તાનું પલ્લું ભારે રહે છે, તેમ જેઓએ ખરેખર પોતાની ઊંચી ક્ષમતા પ્રમાણે જ્ઞાન, કૌશલ્ય ઊંડાણમાં વિકસાવ્યા છે તેઓ જ ટકી રહેવાના છે.

આપણી આજુબાજુ BEની ડિગ્રી સાથે સ્નાતક થયેલા કોમ્પ્યુટર લેબમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરી લેતા હોય છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કામ કર્યાનો સંતોષ મળવો મુશ્કેલ છે. આને લીધે નીચા પગાર ધોરણે કામ કરવાથી જિંદગીમાં અસંતોષ ઊભો થતો હોય છે. આમ, શૈક્ષણિક વર્ષો, સંસાધનો તથા આર્થિક શકિતનો વ્યય થતો નજરે પડે છે. અંતે ભારતની GDPને પણ નકારાત્મકતા જ મળે છે. જો આપણે વ્યકિતગત ધોરણે કામ કર્યાનો સંતોષ સાથે આર્થિક ઉપાર્જનનો સંતોષ મેળવવો હોય તો એન્જિનિયરીંગના માઇન્ડ સેટમાંથી બહાર આવી અન્ય ક્ષેત્રો વિષે વિચારવું જ પડશે.

આજે એવીએશન સેકટર, જેમાં માત્ર પાયલોટ કે એન્જિનિયરો સિવાયના અન્ય વર્કિંગ સ્ટાફની મોટી ડિમાન્ડ લોકલથી ગ્લોબલ લેવલે ઊભી થયેલી છે. એ આગળ જતાં વધવાની છે. તો આવા ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો વિષે માહિતગાર થઇ પ્રોફેશનલ ટ્રેઇનીંગ કરવાથી કૌશલ્યતાપૂર્વક સારા પગારની નોકરીની તકો ઝડપી શકાય છે. હોટલ મેનેજમેન્ટ હોટલ ઇન્ડસ્ટ્રી એવરગ્રીન કહેવાય છે. આજના સમયમાં ઊંચી ગુણવત્તાવાળું ફુડ ગ્રાહકે મેળવવાની મથામણ કરવી પડે છે, ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં છોકરા – છોકરીઓ માટે નોકરીની તકો તો છે જ. સાથે નાના – મોટા સ્ટાર્ટઅપ શરૂ કરી સમાજની સેવા પણ કરી શકાય છે. સારા પૈસા પણ કમાઇ શકાય છે. સાથે જ ઘણા લોકોને રોજગારી પૂરી પાડી શકાય છે.

સાયબર સિકયુરીટીના સેકટરમાં અનંત તકો પડેલી છે. સાયબર સિકયુરીટી દરેક ક્ષેત્રમાં અનોખી રીતે કામ કરે છે. દરેક ક્ષેત્રના દા.ત. બેંકના ડેટા, મેડિકલ ક્ષેત્રના ડેટા કરતાં અનોખી રીતે કરવા પડે માટે દરેક ક્ષેત્રમાં સાયબર સિકયુરીટીના અવકાશ રહેલો છે. જરૂરી નથી કે મોટી મોટી ડિગ્રીઓ જ લેવી પડે. નાના નાના કોર્ષીસ પણ નોકરીની તકો ઊભી કરે છે. Indian Armed forces હમણાં જ સરકાર દ્વારા જાહેરાત કરાયા મુજબ વિશાળ તકો સામે આવે છે, તો તેને ઝડપી લેવાની બાજ નજર રાખવી પડે.

Animationની દુનિયામાં ટેકનોલોજીના આગમનથી હલચલી મચી જવા પામી છે. તો એના ડિપ્લોમા કોર્ષીસ પણ સારી તકો આપી શકે છે. આપણે ત્યાં સાહિત્યમાં રસ ધરાવતા હોય તેમને બહુ માનની નજરે જોવામાં નથી આવતા પણ લોકલ ભાષા સાથે ફોરેન લેંગવેજમાં નિપુણતા મેળવવાથી વિવિધ તકો ઊભી થાય છે. જે કદાચ સામાન્ય લોકોને ખબર નથી હોતી પણ MNCમાં ખૂબ જ સારી તકો હોય છે.

મિત્રો આવા તો વખતોવખત નવા ક્ષેત્રો વિષે વાત કરતાં જ હોઇએ છીએ. તો આપણે સૌએ પ્રથમ ‘એન્જિનિયર અને ડૉકટર્સ’ને સામાજિક વેલ્યુમાં સૌથી ટોપ પર રાખીને આપણા સંતાનોને એના જ ગાડરિયા પ્રવાહમાં વહેતા કરવાના માઇન્ડ સેટમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે. દરેકે દરેક વ્યવસાય- રોજગાર સમાજ માટે સરખો જ ઉપયોગી અને જરૂરી છે. માટે ‘ઓલ વન એટ પાર’ કોઇ કામ નીચું નહીંની ફિલોસોફી અપનાવી નવા દ્રષ્ટિકોણથી સંતાનોને માર્ગદર્શન આપીએ.

Most Popular

To Top