SURAT

સુરતની 27 જેટલી ડાયમંડ કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં કરોડોના વ્યવહારો ખોરવાયા

સુરતL તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે (Police) સુરતની (Surat) 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ (Bank Account) ફ્રીઝ (Freez) કરી દીધા છે. બેંકોએ પણ પરરાજ્યોની પોલીસે આપેલી સૂચનાનું પાલન કરી પૂરેપૂરો કેસ જાણ્યા વગર હીરા પેઢીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઇ ચૂક્યા છે.

હીરા ઉદ્યોગના અગ્રણી અને જીજેઇપીસીના ડિરેક્ટર દિનેશ નાવડીયાએ કહ્યું કે આ અંગે સુરતના અનેક હીરા ઉદ્યોગપતિઓની મૌખિક અને લેખિત ફરીયાદ મળી છે. પર રાજ્યોની પોલીસે સુરતની હીરા પેઢીઓના કરન્ટ એકાઉન્ટ કે જેમાંથી પગાર, ખર્ચા, ખરીદીના બિલો ચૂકવાય છે એવા એકાઉન્ટને રાતોરાત સ્થગિત કરી દીધા છે. આ મામલો ખૂબ ગંભીર છે એટલે મેં સુરતના એડિશનલ પોલિસ કમિશનર શરદ સિંઘલને જાણ કરી છે. આવતીકાલ ગુરુવારે સવારે જે વેપારીઓના એકાઉન્ટ બિનજરૂરી રીતે ફ્રિઝ કરાયા છે તેઓ એડિશનલ કમિશનર શરદ સિંઘલને રૂબરૂ રજૂઆત કરવા જવાના છે.

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે પ્રથમદર્શી નજરે જોતા એવું જણાય છે કે વેપારીઓને બેંકોએ કોઇપણ કારણ આપ્યું નથી કે કયા કારણથી બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું છે.બીજુ એવું જણાય છે કે ત્રાહિત વ્યક્તિની ફરીયાદ છે, જે વ્યક્તિનું એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમ થયો છે તેની એકેય એન્ટ્રી નથી, આમ છતાં પોલીસે ત્રાહિત પેઢી કે જેને સાઇબર ક્રાઇમની સાઇકલમાં ક્યાંય સંબંધ નથી તેવા વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઉભી કરી આપી છે.

વધુમાં ઉમેર્યું હતું કે, વેપારીઓની એવી પણ ફરીયાદો હતી કે પરરાજ્યોની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે અને બેંક એકાઉન્ટ પુનઃ સ્થાપિત કરી આપવાના બદલામાં મોટી રકમના વ્યવહારો કરવાની ફરજ પડાતી હોવાની ફરીયાદો પણ મળી છે.

Most Popular

To Top