SURAT

મુંબઇમાં જવેલરી પાર્ક શરૂ થાય તે પહેલા સુરતમાં જવેલરી પાર્ક ધમધમતો થઇ જશે

સુરત: 2004માં તે સમયના મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા ગુજરાત હીરા બુર્સ (Diamond bourse)ને જવેલરી પાર્કના નિર્માણ માટે ઇચ્છાપોર જીઆઇડીસીની જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જો કે તે સમયે કેન્દ્રની યુપીએ સરકારે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (Jewelry park) વિકસાવવા માટે મંજૂરી આપી હતી પરંતુ તે પછીના વર્ષમાં એટલે કે 2008-2009માં હીરા ઉદ્યોગ મંદીમાં સપડાતાં જવેલરી પાર્કનો પ્રોજેકટ મુશ્કેલીમાં મુકાયો હતો. તે પછી 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર (BJP govt) બનતા નોટિફાઇડ ઝોનને ડી-નોટિફાઇડ કરી જમીનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં હતાં તેને પગલે દસેક જેટલા યુનિટો શરૂ પણ થયા હતા.

તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુડા અને જીઆઇડીસીને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવતા 17 વર્ષ પછી ગુજરાત હીરા બુર્સની 60 હજાર વાર જગ્યામાં જવેલરી ટ્રેડ સેન્ટર (જવેલરી પાર્ક)બનાવવાનો માર્ગ મોકળો થયો છે. 2013-14 સુધીમાં જવેલરી પાર્ક શરૂ નહીં થતાં કેન્દ્ર સરકારે એસઇઝેડને મળતા લાભો પરત ખેંચી લીધા હતાં અને જગ્યા ડી-નોટિફાઇડ નહીં થતા ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઇ હતી. ડોમેસ્ટીક ઝોન વિકસાવવા જમીનના પ્લાન મંજૂર કરવાની સત્તા સુડાને હતી બીજી તરફ જમીનની ફાળવણી જીઆઇડીસીએ કરી હોવાથી પ્લાનની મંજૂરી માટે 15 ટકા પ્રિમિયમ વસૂલવાની દરખાસ્ત મુકાઇ હતી. ઉદ્યોગકારોએ જમીનનું પ્રિમિયમ સુડામાં ચૂકવી દીધું હોવાથી કોકડું ઊભું થયું હતું.

તાજેતરમાં મુખ્યમંત્રીએ આ પ્રશ્નનો ઉકેલ લાવતા મુંબઇમાં જવેલરી પાર્ક શરૂ થાય તે પહેલા સુરતમાં જવેલરી પાર્ક ધમધમતો થઇ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જવેલરી પાર્કમાં સિન્થેટિક ડાયમંડ અને જવેલરી મેન્યુફેકચર્સને પણ સ્થાન આપવા ગુજરાત હીરા બુર્સના નાનુભાઇ વાનાણીને જણાવ્યું હતું. સુરતમાં ડાયમંડ અને ગોલ્ડ જવેલરી બનાવનાર 300 જેટલા મેન્યુફેકચર્સ હોવાથી આ પ્રોજેકટને હવે વેગ મળશે. ગુજરાત હીરા બુર્સના સેક્રેટરી નાનુભાઇ વાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે અગાઉની હીરા ઉદ્યોગની મંદી અને કોરોનાને લીધે ટ્રેડ સેન્ટરના ડેવલપમેન્ટમાં વિલંબ થયો હતો. હવે આ બધા પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે. કેનાલની વધારાની જગ્યા મૂલ્યાંકન કિંમતે અથવા બાર્ટર્ડ સિસ્ટમથી સરકાર પાસે માંગવામાં આવશે. જેથી નવા એકમો સામેલ કરી શકાય.

સરકારે જવેલરી પાર્કમાં જતી સિંચાઇની કેનાલને ડેડ જાહેર કરી
જીઆઇડીસીના પ્રશ્નો ઉપરાંત મુખ્યમંત્રીએ ઇચ્છાપોર જવેલરી પાર્કમાંથી પસાર થતી સિંચાઇ વિભાગની કેનાલને લઇને પણ બાંધકામમાં અડચણો ઉભી થતી હતી તે પ્રશ્ન ઉકેલવા સરકારી રેકર્ડ પર કેનાલને ડેડ જાહેર કરવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે. તેથી હવે કમાન્ડ એરિયા નહીં રહેતા કેનાલને ફરતે નવું ડેવલપમેન્ટ થઇ શકશે.

Most Popular

To Top