Dakshin Gujarat

ધરમપુરમાં ત્રાટકેલા ભારે પવન અને વરસાદને કારણે તબેલાના પતરાં 500 ફૂટ દૂર ફંગોળાયા

ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાના બારસોલ ગામે પવનના (Wind) સુસવાટા સાથે પડેલા ભારે વરસાદને (Rain) કારણે ખેડૂતોના તબેલાના પતરાં ૨૦૦ થી ૫૦૦ મીટર દૂર ફંગોળાયા હતાં, પરંતુ કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ધરમપુર પંથકમાં શુક્રવારે રાત્રીના પવનના સુસવાટા સાથે પડેલા ભારે વરસાદને કારણે બારસોલના ખેડૂત કિશોર ધનસુખ પટેલના ભેંસના તબેલાના સિમેન્ટના પતરાં ૫૦૦ ફુટ દુર હવામાં ફંગોળાયા હતાં. આ તબેલો પણ ધરાશીયી થવા છતાં નસીબે અંદર સૂતેલાં મજુરોનો ચમત્કારીક બચાવ થયો હતો. જોકે કેટલાંક વિસ્તારમાં ઝાડો તૂટી પડવાના બનાવો પણ બન્યા હતા, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ખેરગામના નડગધરી ગામમાં વાવાઝોડા સાથેના વરસાદથી છાપરું વીજ થાંભલા તૂટ્યા
ખેરગામ : છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાઈ જતા ડાંગરનો ઉભો પાક તૈયાર થવામાં પાણીની અછત સર્જાતા ધરતી પુત્રો ચિંતાગ્રસ્ત હતા. ગુરૂવારે રાત્રે ધડાકા ભડાકા વીજ ચમકારા સાથે બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ત્રાટકતા ખેતરો તરબતર થતા ધરતી પુત્રોને રાહત થઈ હતી.

ઉદયાતિથીના લીધે જન્માષ્ટમી સાતમી તારીખે ઉજવાતા કૃષ્ણ જન્મ દરમ્યાન મધરાતે સવા ઇંચ જેટલો વરસાદ થયો હતો, આઠ તારીખે ચાર ઇંચ જેટલો વરસ્યો હતો. આમ નવમીની સવાર સુધીમાં ખેરગામમાં સિઝનનો કુલ 93 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તોફાની વરસાદે નડગધરી ગામે મુખ્ય રસ્તાની બાજુમાં ડુંગરી ફ.મા મોટા સરૂનું ઝાડ સાથે આસોપોલવ પણ તૂટી પડતા જયેશ ઠાકોર પટેલના બે ગાળાના કાચા મકાન ઉપર પડતા એક ગાળાના ભાગના દસેક પતરાં તથા અસંખ્ય નળિયા ભાંગીને ભૂક્કો થઈ ગયા હતા. સદનસીબે કડાકા ભડાકાના લીધે સૌ જાગી જતા કોઈ જાનહાનિ થઈ નથી. નડગધરીના તલાટી કમ મંત્રી મીનાબેને સ્થળ મુલાકાત કરી હતી. બે વીજ થાંભલા પણ તાર સાથે ધ્વસ્ત થયા હતા, જેની જાણ વીજ કંપનીના અધિકારીઓને કરાતા વીજતંત્રએ બીજે દિવસે સમારકામ પૂરું કરી વીજ પુરવઠો કાર્યરત કર્યો હતો.

ચીખલી પંથકમાં પડી રહેલા સારા વરસાદથી ડાંગરનો પાક પણ લહેરાયો
ઘેજ : ચીખલી પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરજદાદાના દર્શન થયા ન હતા અને અસહ્ય બફારો યથાવત રહેવા સાથે રાત્રિ દરમ્યાનના વરસાદને બાદ કરતા છુટાછવાયા ઝાપટા સિવાય એકદંરે દિવસ કોરો રહ્યો હતો. સાંજે ચાર વાગ્યે પૂરા થતા ચોવીસ કલાકમાં 17મીમી જેટલા વરસાદ સાથે સિઝનનો કુલ 68.44 ઇંચ નોંધાયો છે. જોકે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટીમાં આંશિક વધારો થતા દસ ફૂટે વહી રહી હતી. જોકે છેલ્લા ત્રણ દિવસમાં સારા વરસાદથી ખેતરો તરબોળ થતા ડાંગરનો પાક પણ લહેરાઇ ઊઠ્યો હતો.

Most Popular

To Top