Business

G20 સમિટમાં ક્રિપ્ટોકરન્સી બાબતે ગ્લોબલ રેગ્યુલેટરી ફ્રેમવર્ક પર સહમતિ સધાઈ

નવી દિલ્હી: ભારતના (India) નેતૃત્વ હેઠળ દિલ્હીમાં (New Delhi) યોજાયેલ G20 સમિટમાં (G20 Summit) ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેમાં હેવ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિટમાં ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G20 સમિટમાં ભાગ લેનારા તમામ દેશો એ વાત પર સહમત થયા છે કે ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે વૈશ્વિક કાયદાની જરૂર છે. આ માટે વૈશ્વિક નિયમનકારી માળખું (Global Regulatory Framework) બનાવવાની જરૂર છે. IMF-ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ (FSB) આ વૈશ્વિક નિયમનકારી માળખું બનાવશે. આ માહિતી આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ક્રિપ્ટોએસેટ ઇકોસિસ્ટમમાં ઝડપી વિકાસ અને જોખમો પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક નિયમનકારી માળખું બનાવવાથી ક્રિપ્ટોકરન્સીના દુરુપયોગને રોકવામાં મદદ મળશે. હાલમાં, ક્રિપ્ટોકરન્સીનો આતંકવાદી ભંડોળ અને ખોટા કામો માટે ઉપયોગ થવાનો ભય છે.

વડાપ્રધાને કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી સંબંધિત એક પડકાર છે. આ મામલે વધુ એકતાની જરૂર છે. મને લાગે છે કે આ સંદર્ભે વૈશ્વિક માળખું બનાવવું જોઈએ, જેમાં તમામ હિતધારકોના હિતોનું ધ્યાન રાખવામાં આવે.” તેમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાબતે પણ સમાન અભિગમની જરૂર છે. તેમણે કહ્યું, “આજે વિશ્વ AI વિશે ઘણો ઉત્સાહ બતાવી રહ્યું છે, પરંતુ કેટલીક નૈતિક બાબતો પણ છે.

મોદી-બિડેનના આ પગલાથી ચીનને લાગ્યો મોટો ઝટકો
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને જી-20 ફોરમમાંથી ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરની જાહેરાત કરીને ચીનના વન રોડ વન બેલ્ટ પ્રોજેક્ટ (બીઆરઆઈ)ને ફગાવી દીધો છે. આ સાથે વૈશ્વિક આર્થિક મંચ પર ઝડપથી ઉભરી રહેલા ભારતીય બજારને બુલેટ સ્પીડ આપવાની આશા જાગી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશ્વના 8 દેશો સંયુક્ત રીતે ઈન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોરનું નિર્માણ કરશે. તે ભારતથી ઈઝરાયેલ અને યુરોપ જશે. પીએમ મોદી અને જો બિડેનની આ દાવ ચીનના બજારમાં ભૂકંપ સર્જી શકે છે. બીજી તરફ, આ નિર્ણયથી ભારત માટે વિશ્વના ઘણા દેશોમાં વેપાર કરવાનું સરળ બનશે. તેમજ ભારત-અમેરિકા ભાગીદારી નવી ઉંચાઈએ પહોંચશે.

ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર, એક ઐતિહાસિક કરાર પૂર્ણ થયો- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર એન્ડ પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર રાષ્ટ્રપતિ જો બિડેન સાથે આ ઈવેન્ટની અધ્યક્ષતા કરીને મને ખૂબ જ આનંદ થાય છે. આજે આપણે બધાએ એક મહત્વપૂર્ણ વાત શેર કરી છે. એક ઐતિહાસિક કરાર પૂર્ણ થતો જોયો છે. આવનારા સમયમાં ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણ માટે અસરકારક વાહન બની રહેશે. આ સમગ્ર વિશ્વમાં જોડાણ અને વિકાસને ટકાઉ દિશા પ્રદાન કરશે. આ દરમિયાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે અમે આ બેઠકમાં આર્થિક પ્રોજેક્ટને લગતી જાહેરાતો અને પહેલને એક કરવાની આશા રાખીએ છીએ. હું આ મહત્વપૂર્ણ આર્થિક કોરિડોરની સ્થાપના તરફ આ પાયાનું પગલું ભરવા માટે અમારી સાથે કામ કરનારા લોકોનો આભાર માનું છું.

Most Popular

To Top