Dakshin Gujarat

ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં સુરત લઈ જવાતો હતો વિદેશી દારૂ, પોલીસે કન્ટેનર ખોલીને જોયું તો..

બીલીમોરા: (Bilimora) ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં સુરત (Surat) લઈ જવાતો વિદેશી બનાવટનો રૂપિયા 13 રૂપિયાનો દારૂ (Alcohol) તેમજ ૨૧,૨૭,૮૦૦ રૂપિયાનો દારૂ સહિતનો મુદ્દામાલ બીલીમોરા પોલીસે અંભેટા ગામ ખાતેથી ઝડપી પાડી કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે. આ વિદેશી બનાવટનો દારૂ સુરત હજીરા ખાતે લઈ જવાતો હોવાની પોલીસને માહિતી મળી હતી.

  • બીલીમોરા પોલીસે 21.30 લાખના દારૂ સહિતનો મુદ્દા માલ પકડી પાડી કન્ટેનર ચાલકની ધરપકડ કરી
  • ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં સુરત લઈ જવાતો હતો વિદેશી બનાવટનો દારૂ
  • કન્ટેનરની પાછળ સીલ મારેલું હોય પોલીસે પંચો રૂબરૂ સીલને તોડી અંદર તપાસ કરી તો આખું કન્ટેનર વિદેશી દારૂ, વોડકા, ટીન બિયરના બોક્સથી ભરેલું હતું

બીલીમોરા પોલીસને મળેલ બાતમી મુજબ શુક્રવારની રાત્રે ૧૦:૩૦ કલાકે અંભેટા ગામ સમીર ફાર્મ એન્ડ નર્સરી સામેના રોડ ઉપર વોચમાં હતા તે સમયે બાતમી વાળો અશોક લેલેન્ડ કન્ટેનર એમએચ ૪૬ એએફ ૧૮૪૧ ચીખલી તરફથી આવતા તેને અટકાવાયું હતું. ચાલકને અંદર શું ભર્યું છે તેવું પૂછતા તેમાં ઇલેક્ટ્રોનિકનો સામાન હોવાનું તેણે જણાવ્યું હતું. જોકે કન્ટેનરની પાછળ સીલ મારેલું હોય પોલીસે પંચો રૂબરૂ સીલને તોડી અંદર તપાસ કરી તો આખું કન્ટેનર વિદેશી દારૂ, વોડકા, ટીન બિયરના બોક્સથી ભરેલું હતું.

રાતના અંધારામાં આટલો મોટો દારૂનો જથ્થો સ્થળ પર ગણવો મુશ્કેલ હોવાથી ચાલક રામજીવન દનારામ બિસનોઈ (૩૫) રહે ચાંદીગામ,તાલુકો રમસર, જીલ્લો બાડમેર, રાજસ્થાનની સાથે પોલીસના માણસો કન્ટેનરમાં બેસી જઇ કન્ટેનર ને બીલીમોરા પોલીસ સ્ટેશનને લઈ આવ્યા હતા. જ્યાં નાની મોટી વિસકી વોડકા અને ટીન બીયરની ૧૩,૭૨,૮૦૦ રૂપિયાની કિંમતની ૬૯૧૩ નંગ બોટલો પકડાઈ હતી. સાથે ચાલકનો ૫ હજારનો મોબાઇલ અને ૭,૫૦,૦૦૦ નો અશોક લેલેન્ડ કન્ટેનર મળી ખુલે રૂપિયા ૨૧,૨૭,૮૦૦ નો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસે ચાલકને આ માલ ક્યાંથી લાવી અને ક્યાં લઇ જવાનો હતો તે પૂછતા આ માલ તેના શેઠ પ્રમોદે વસઈથી તેને આ કન્ટેનરમાં ભરી આપ્યો હતો. તેને સુરત હજીરા લઈ જવાનું જણાવ્યું હતું. પોલીસે ચાલક રામજીવન દનારામ બિસનોઇની ધરપકડ કરી તેના શેઠ પ્રમોદ તથા તે સિવાય અન્ય તપાસ પછી કોઈ બીજા આ ગુનામાં સંડોવાયેલા નીકળે તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી છે.

Most Popular

To Top