Sports

રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારા જેવી ટેકનીક નથી છતાં યશસ્વી જયસ્વાલ પાસે ઓપનરથી લઇને ત્રીજા ક્રમે ફિટ થવાની કાબેલિયત છે

28 વર્ષોથી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં નંબર 3 સ્થાન બે દિવાલ, રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારાએ સંભાળ્યું હતું. આ બંનેએ મળીને આ ક્રમે બેટીંગ કરવામાં કુલ 267 ટેસ્ટ રમ્યા છે. આ બંનેની રમવાની શૈલી શાસ્ત્રીય સંગીતની યાદ અપાવે છે, જેમાં માનસિક મજૂબતાઇ, ટેક્નિકની સાથે જ વધુ પડતા દેખવાથી દૂર રહેવું અને ક્રિઝ પર કબજો ધરાવવો એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો સખત મહેનત સાથે બોર્ડ પર રનનો ઉમેરો કરવાનો છે. આ બંને પોતાની ડિફેન્સ ટેકનીકથી તેજસ્વી હતા. સિડની 2008 અથવા જોહાનિસબર્ગ 2018 યાદ કરો કે જ્યાં રન બનાવવા કરતાં તેમણે છોડેલા ખાલી બોલ પર વધુ તાળીઓ પડી હતી. આ બંનેએ તમારા પર તેની છાપ છોડી દીધી હતી.

બોલને છોડવા એ એવી વસ્તુ છે જે તમે કદાચ તમારા મગજમાંથી બહાર કાઢી શકતા નથી અને નક્કર ડિફેન્સ તેમની યુએસપી છે. આ કારણોસર, આ બંને ટેસ્ટમાં કુલ મળીને 20,483 રન અને 55 સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. જો કે હવે હવા બદલાઇ છે. જે ક્રમે બેટીંગ કરવા માટે મજબૂત ડિફેન્સની જરૂર હોય છે ત્યાં હવે એવા બે બેટ્સમેનોને ફિટ કરવાની વાત થઇ રહી છે જેમના માટે આક્રમણ જ બેસ્ટ ડિફેન્સ છે. હવે ભારત જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ મેચની સીરિઝ સાથે નવી WTC સાયકલની શરૂઆત કરશે અને પૂજારા ટીમમાં નથી. ભારત પાસે હવે તેની જગ્યા ભરવા માટે ત્રણ વિકલ્પો છે.

જેમાંથી ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને પ્રથમ વખત ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં ઓપનર છે. તેઓ કોને પસંદ કરે છે તેના પર ધ્યાન આપ્યા વિના, એક વાત ચોક્કસ છે: પહેલાથી વિપરીત, ભારત સૌથી મહત્વપૂર્ણ બેટિંગ સ્થાનોમાંથી એક ભરવા માટે T20 સુપરસ્ટારને પસંદ કરશે. હાલના મોટાભાગના સંકેતો એ છે કે આ ભૂમિકામાં એક યુવાનની પસંદગી કરવામાં આવશે અને તે મુંબઈના 21 વર્ષીય જયસ્વાલ હશે, જે છેલ્લા ત્રણ સિઝનથી શાનદાર ફોર્મમાં છે.

સંભવતઃ, જયસ્વાલને આઈપીએલના કારણે પસંદ કરવામાં આવ્યો છે કારણ કે 2023ની સિઝનમાં કોઈપણ અનકેપ્ડ બેટ્સમેને તેના કરતા વધુ રન (625) બનાવ્યા નથી, જેમાં ટૂર્નામેન્ટની સૌથી ઝડપી 13 બોલમાં અર્ધસદીનો સમાવેશ થાય છે . તેને ઝડપી બોલરોને સરળતાથી ખેંચવામાં અને હૂક કરવામાં મજા આવે છે. તે જોસ બટલરના સ્કૂપ સાથે તાલીમનો આનંદ માણે છે અને તેની સાથે મેદાનમાં અને બહાર ઘણો સમય વિતાવે છે. જેઓ જયસ્વાલને ઓળખે છે તેઓ દાવો કરે છે કે તેનું ક્યારેય હાર ન માનવાનું વલણ તેના વ્યક્તિત્વની ઓળખ છે. એક યુવાન જે સતત પોતાનામાં સુધારો કરવા પર ધ્યાન આપે છે.

ગયા વર્ષે મીડિયા સાથેની વાતમાં જયસ્વાલે કહ્યું હતું કે મને લાગે છે કે જો તમે મદદ માગશો તો તમને મળશે અને જ્યારે તમારી પાસે મદદ કરવા માટે ઘણા લોકો તૈયાર હશે ત્યારે તમારે એક યુવાન તરીકે આગળ વધવું પડશે. પછીથી મને સમજાયું કે માત્ર મારી T20ની બેટિંગમાં જ નહીં પણ મારા અંગ્રેજીમાં પણ સુધારો થયો છે. આ મહિનાની શરૂઆતમાં, WTC ફાઇનલમાંથી પોતાના લગ્નના કારણે ઋતુરાજ ગાયકવાડ બહાર થયા બાદ જયસ્વાલ ટિમમાં એક રિઝર્વ ખેલાડી તરીકે સામેલ હતો. અને ફાઇનલમાં હાર્યા પછી, જ્યારે રોહિત શર્માએ ક્રિકેટની બ્રાન્ડ વિશે વાત કરી અને કહ્યું કે તેને એવા છોકરાઓની જરૂર છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા હોય.

આ એક સંકેત હતો કે જ્યારે આગામી WTC સાયકલમાં ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થશે. અહીંથી જ જયસ્વાલની પસંદગી કરવામાં આવી હતી. તેનો ફર્સ્ટકલાસ રેકોર્ડ શાનદાર છે. તેણે 26 ઇનિંગ્સમાં 80.21ની એવરેજથી 1845 રન બનાવ્યા છે. તેણે 11 અડધી સદીને સદીમાં બદલી છે. તે એવા તબક્કામાં છે જ્યાં તેનામાં રનની ભૂખ દેખાઈ રહી છે. આ ભૂખે જ તેને મુંબઈમાં તંબુમાં થોડો સમય સૂવા માટે મજબૂર કર્યો. આનાથી તેને અહેસાસ થયો કે જો કોઈ 100 બનાવે છે, તો તેણે ધ્યાન આકર્ષિત કરવા માટે 200 બનાવવા પડશે. એક સ્પષ્ટતા અહીં જરૂરી છે કે જયસ્વાલ, ટીમ માટે આગામી દિવાલ બને તેવી કોઇ સંભાવના નથી. તેનો સ્ટ્રાઈક રેટ 70 ની નજીક છે જે દર્શાવે છે કે તે એક ફ્રી સ્ટ્રોકર છે જે તેની ટેકનિક સાથે સમાધાન કરતો નથી. જયસ્વાલ હંમેશા આંખોની નીચે બોલ રમે છે. અને તેનું ફૂટવર્ક તેને ટૂંકા બોલ સામે સંતુલિત કરે છે, જ્યાં તે બોલને સ્ક્વેર તરફ સરળતાથી રમે છે. જો કે, જે બાબત તેને અલગ પાડે છે તે લાઇનની અંદર જવાની અને લોન્ગ લેગ તરફ સમાન સંખ્યામાં સ્ટ્રોક રમવાની તેની ક્ષમતા છે.

Most Popular

To Top