SURAT

સુરતમાં મેટ્રો ટ્રેન માટે 200 કરોડના ખર્ચે અહીં ડેપો બનાવવા લેવાયો નિર્ણય

સુરત : સુરત શહેરમાં મેટ્રોના (Surat Metro) બંને રૂટ માટેની કામગીરી શરૂ થઈ ચુકી છે. સુરતમાં સરથાણાથી ડ્રીમસીટી (Dream City) અને સારોલીથી (Saroli) ભેસાણ (Bhensan) બે રૂટ પર મેટ્રો દોડશે. જે માટેનું કામ ફુલફ્લેજમાં ચાલી રહ્યું છે. સુરત મેટ્રોના બે ફેઝ હોય, શહેરમાં મેટ્રો માટે બે ડેપો સાકાર થશે. જેમાં એક ડ્રીમસીટી ખાતે સાકાર થશે, જે માટેનો કોન્ટ્રાક્ટ સોંપી દેવાયો છે. અને બીજો ડેપો ભેસાણ ખાતે બનશે. જે કુલ રૂા. 198.93 કરોડના ખર્ચે સાકાર થશે, તે માટેનો કોન્ટ્રાક્ટ પણ હાલ રેલ વિકાસ નિગમ લિ. ને સોંપી દેવાયો છે તેમ જાણવામાં આવ્યું છે.

  • સુરતમાં સરથાણાથી ડ્રીમસીટી અને સારોલીથી ભેસાણ બે રૂટ પર મેટ્રો દોડશે
  • શહેરમાં મેટ્રો માટે બે ડેપો સાકાર થશે, એક ડ્રીમસીટી ખાતે અને બીજો ડેપો ભેસાણ ખાતે બનશે
  • આર.વી.એન.એલ (રેલવિકાસ નિગમ લિ.) ને કોન્ટ્રાક્ટ સોંપાયો, 20 માસમાં ડેપોનું કામ પૂર્ણ કરાશે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એપ્રિલ માસમાં ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. અને અંતે રેલ વિકાસ નિગમ લિ.ને ભેસાણ ડેપોનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. ભેસાણ ડેપો થકી સુરત મેટ્રોના ફેઝ-2 ના 19.26 કિમી લાઈન માટેનું મેઈન્ટેનન્સ થશે. સારોલીથી ભેસાણના રૂટ પર મેટ્રો એલિવેટેડ હશે. જેમાં કુલ 18 સ્ટેશનનો સમાવેશ થયો છે. જે તમામનું મોનિટરીંગ ભેસાણ ડેપો ખાતેથી થશે. ભેસાણ ડેપોમાં મેટ્રો રેકના ક્લિનીંગ, લાઈન મેઈન્ટેનન્સ, ઈમરજન્સી ટ્રેન યુનિટ, વર્કશોપ, ક્લિનીંગ પ્લાન્ટ, ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ, કંટ્રોલ સેન્ટર જેવી તમામ સુવિધાઓ હશે. 20 માસમાં આ ડેપોનું કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ કરાશે.

ડેપોમાં એક ફ્લોર સંપૂર્ણ કંટ્રોલ સેન્ટર સાકાર થશે
ભેસાણ ડેપોમાં એક ફ્લોર પર સંપૂર્ણ કંટ્રોલ સેન્ટર બનાવાશે. સુરત મેટ્રો માટે (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન), ATO (ઓટોમેટિક ટ્રેન ઓપરેશન) અને ATS (ઓટોમેટિક ટ્રેન સુપરવિઝન) સબ સિસ્ટમનો સમાવેશ પણ ડેપોમાં સાકાર થનારા કંટ્રોલ સેન્ટરમાં કરાશે. જેમાં ટ્રેક સાઇડ અને ટ્રેન વચ્ચે રેડિયો કમ્યુનિકેશનનો ઉપયોગ કરી સંચાલન કરવામાં આવશે. ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એટીપી) સિસ્ટમ સલામત ટ્રેનની કામગીરી પર સતત નજર રાખશે. તે ઉપરાંત સુરત મેટ્રો માટે ડેપોમાં ઇમરજન્સી લાઇન આપવામાં આવશે. જેમાંથી ઇમરજન્સી રેસ્ક્યુ વાહન જો જરૂરી હોય તો કટોકટીની સ્થિતિમાં મુખ્ય લાઇન પર મોકલી શકાશે.

Most Popular

To Top