National

દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ઈમારતમાં ભીષણ આગ: 26નાં કરૂણ મોત

દિલ્હી: દિલ્હીના (Delhi) મુંડકા મેટ્રો સ્ટેશનની (Metro Station) પાસે આવેલી ત્રણ માળની એક ઈમારતમાં શુક્રવારે સાંજે 4.45 વાગ્યે આગ (Fire) લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગમાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડયો હતો. આ સાથે 60 લોકોને દોરડાની મદદથી બચાવકર્મીઓએ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે તુરંત પહોંચી હતી. આ ઉપરાંત પોલીસકર્મીઓ પણ બચાવ કાર્યમાં લાગી ગયા હતાં. આ ઈમારતમાં અનેક કંપનીઓની ઓફિસો તેમજ ફેક્ટરીઓ આવેલી છે.

મળતી માહિતી મુજબ આગ લાગતા જ કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઈમારતના પહેલા માળે લાગેલી આગએ તરત જ ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી. ગણતરીના સમયમાં જ ઈમારતમાંથી જ્વાળાઓ બહાર આવવા લાગી હતી. જનરેટરના કારણે આગ લાગી હતી અને ધુમાડાને કારણે લોકો કંઈ જોઈ શક્યા ન હતા એવી માહિતી મળી આવી છે.

ઈમારતમાં આગ લાગી હોવાની માહિતી મળતાની જ મિનિટોમાં આસપાસના સેંકડો લોકો ત્યાં પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ પણ આગમાં ઘેરાયેલા લોકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. પોલીસ કર્મચારીઓએ ઈમારતની બારીઓ તોડીને ત્યાં ફસાયેલા 60 જેટલા લોકોને દોરડાની મદદથી બહાર કાઢ્યા હતા, જેમાંથી કેટલાક લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને સામાન્ય દાઝી ગયા હતા. પોલીસે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સ્થાનિક લોકો પાસેથી જાણકારી મળી હતી કે આગ પહેલા માળે લાગતા જ લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સૂત્રો પાસેથી માહિતી મળી આવી છે કે કેટલાક લોકો કે જેઓ આગમાં ઘેરાઈ ગયા હતા તેઓએ પોતાનો જીવ બચાવવા માટે ઈમારત પરથી ઝંપલાવ્યુ હતું. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગ ઉપર કાબૂ મેળવ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે. જેથી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાય.

દિલ્હીમાં થયેલી દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી
દિલ્હી પોલીસે જણાવ્યું કે મેટ્રો સ્ટેશનના પિલર 544ની પાસે બનેલી 3 માળની આ કોમર્શિયલ ઈમારત છે, જેનો ઉપયોગ ઓફિસ સ્પેસ તરીકે કંપનીઓને ભાડેથી આપી છે. પોલીસે જણાવ્યું કે આગ ઈમારતના પ્રથમ માળથી શરૂ થઈ, જ્યાં CCTV કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપની છે. પોલીસે કંપનીના માલિકની અટકાયત કરી છે.

આ આગની ધટનાના પગલે મેટ્રોની કામગીરીને પણ અસર થઈ છે.
આ ઈમારત રોહતક રોડની બાજુમાં આવેલી છે. આવી સ્થિતિમાં, આગની જ્વાળાઓ વધી જતાં મેટ્રોનું સંચાલન પણ થોડા સમય માટે અવરોધિત કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top