Business

પ્રિય સન્નારી

કેમ છો?
મજામાં?
હોળાષ્ટક પૂરા થતાં ફરી લગ્નની શરણાઈઓ વાગશે. લગ્ન માટે મુરતિયા શોધવા એ આજે પેરન્ટ્સ માટે પડકાર છે. જો કે લગ્ન થઇ ગયા પછી પણ એ લગ્ન કેટલા ટકશે એ ડર પણ મોટો છે. સાચી વાત તો એ છે કે લગ્ન કરતા પહેલાં યુવક-યુવતીઓ દીવા સ્વપ્ન જુએ છે, કપડાં, મેરેજની ઇવેન્ટ અને ફોટોગ્રાફી માટે તૈયારી કરે છે પરંતુ લગ્નજીવન કઇ રીતે સારું, સફળ અને આનંદદાયક બને એ માટે કોઇ સવાલ ખુદને કરતા નથી. લગ્નજીવનમાં ભૌતિક રોડ-મેપ સિવાય આંતરિક રોડમેપ શું છે? જીવનસાથી સાથે દિલના તાર જોડવા શું કરી શકાય? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા જોઈએ. આમ તો દરેક લગ્નની સફળતાના પોતાના માપદંડ છે પરંતુ કેટલીક એવી કોમન બાબતો છે જે લગ્નને પ્રેમથી સજાવી શકે.

દરેક સંબંધોમાં બેસ્ટ સંબંધ ફ્રેન્ડશીપનો છે પરંતુ લગ્નમાં પતિ-પત્ની, વહુ, નણંદ, જીજા, જમાઈ જેવા અનેક સંબંધોનાં છોગાં ઉમેરાય છે પરંતુ ફ્રેન્ડશીપ અદૃશ્ય થઇ જાય છે. ભલે એ લગ્નની નીવ ફ્રેન્ડશીપથી જ નંખાઈ હોય. લગ્નમાં પતિ-પત્નીના સીમિત સંબંધને વિસ્તૃત કરી ફ્રેન્ડશીપનું વિશાળ પ્રાંગણ આપવામાં આવે તો અન્ય સંબંધો પણ મ્હોરી ઊઠે… અગર પતિ-પત્ની પહેલાં મિત્ર હશે, મિત્રની ભૂમિકાએ જીવશે અને મિત્ર બનીને એકબીજાની ખામી- વિશિષ્ટતા સ્વીકારશે તો દરેક પ્રશ્ન ચિનગારી બનીને ભડકવાને બદલે જયોત બનીને પ્રગટશે. મતલબ કે એનો યોગ્ય ઉકેલ આવશે. મિત્રતાની દોર જીદ, ગુસ્સો, નટખટતા અને લાગણીના રંગોને બાંધી શકશે. એમાં ગાંઠ નહીં પડવા દે.

અનેક કપલ્સ લગ્નની શરૂઆતથી જ શારીરિક આકષર્ણને વધારે મહત્ત્વ આપે છે અને મનને, આંતરિક વ્યક્તિત્વને અવગણે છે તેથી બહારનું આકર્ષણ ખત્મ થતાં જ જીવનમાં શૂન્યાવકાશ સર્જાય છે અથવા તો મન બહાર ભટકે છે. અગર તનની સાથે મનને જોડયું હોય તો આ ખાલીપાથી બચી શકાય. મનને જોડવું એટલે એકબીજાનાં સપનાં- સંવેદના સમજવા, એમાં સાથ-સહકાર આપવો. અંગત મૂલ્યો અને ઇચ્છાઓની ચર્ચા કરવી, નિર્ણયમાં એકબીજાને ભાગીદાર બનાવવા. ભૂલો માફ કરીને આગળ વધવું અને બીજાને આગળ વધવામાં મદદ કરવી. સાથે હસવામાં જ નહીં રડવામાં અને પોતાની નબળાઈઓના સ્વીકારમાં પણ ખંચકાટ નહીં થાય એવો સંબંધ એટલે મનનો સંબંધ…

ચોવીસ કલાક સાથે રહેતી વ્યક્તિને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઇએ છીએ. લગ્નની શરૂઆતમાં નાની-નાની વાતમાં લેવાતી એકબીજાની કાળજી ધીમે-ધીમે ઓછી થઇ જાય છે. રૂટિન જવાબદારી કે સતત સાથ, સહવાસ પરસ્પરનું ધ્યાન ઓછું કરી નાંખે. સાથે હોવા છતાં દૂર… ટૂંકાં વાક્યોની આપ- લે અને પોતપોતાની દુનિયામાં વ્યસ્તતા. ઘણી વાર પત્ની બીમાર પડીને સાજી થઇ જાય તો પણ પતિને ધ્યાનમાં નથી આવતું અને પતિ ધંધાનું નુકસાન પચાવી બેઠો થઇ જાય ત્યાં સુધી પત્ની અજાણ રહે. એકબીજા પરથી ધ્યાન હટવાનું આ પરિણામ છે. વ્યસ્તતા, જવાબદારી અને ભાગદોડની વચ્ચે પણ એકબીજાની આંખોને અને ચહેરાને વાંચવાનું ભૂલાવું ન જોઇએ. આંખો નીચેનાં કુંડાળાં કે વધતા પેટ કે ટાલ પ્રત્યે બેદરકાર ન બનાય. કોરી આંખોનાં આંસુ અને મૌનમાં રહેલી વ્યથા એકબીજા પર ધ્યાન આપવાથી, કેર કરવાથી અને મહત્ત્વ આપવાથી જ સમજી શકાય.

ત્રીજી વાત છે અતીતને ભૂલીને ભવિષ્યનાં સપનાં જોવાં અને એને સાકાર કરવા મથવું. અતીત એટલે લગ્ન પહેલાંના પ્રેમસંબંધો જ નહીં પરંતુ લગ્નજીવનમાં કરેલી નાની-મોટી ભૂલો- કડવાં પરિણામો કે આકરો સંઘર્ષ પણ. ધીરે ધીરે સુખનો સૂરજ પ્રકાશવાનું શરૂ કરે ત્યારે આનંદિત થવાને બદલે જૂની રેકર્ડ વગાડીને દુ:ખી થવાની અનેક લોકોને આદત હોય છે. નવી કાર આવે ત્યારે કહેશે કે આટલાં વર્ષો ભંગાર સ્કૂટરથી કાઢયાં. સ્કૂટરને યાદ કરીને દુ:ખી થવાને બદલે કારનો આનંદ માણવામાં શું તકલીફ પડે? નજર ભવિષ્યને આનંદમય બનાવવા પર હોવી જોઇએ નહીં કે ભૂલાઈ ગયેલાં પીડાનાં પોટલાંને ખોલવા પર.

લગ્ન એટલે બે શરીર એક મન પરંતુ આ આદર્શ વાત છે હકીકત નથી. બંને વ્યક્તિ જુદી, એમના શોખ, કામની રીત, સ્વભાવ અને સુખ-દુ:ખ અનુભવવાની રીત બધું જ અલગ છે અને એ સંપૂર્ણ ન બદલાઈ શકે અને બદલાવું પણ ન જોઇએ. બે અલગ વ્યક્તિઓ અલગતાને સ્વીકારીને એકબીજાને ચાહે, વિકસે અને ઝઘડે પણ ખરા પરંતુ સમર્પણ, સમાધાન કે પ્રેમના નામે બંને એકબીજાને પોતાના જેવા બનાવવાનો પ્રયત્ન કરે, એમની ઓળખ છીનવી લે, એમના સ્વતંત્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વને કચડી નાંખે તો એ બીજું કંઇ પણ હોય શકે પ્રેમ ન હોય શકે. છેલ્લી વાત છે સાથે વિકસવાની… સામાન્ય રીતે પુરુષ એની કરિયરમાં આગળ વધતો રહે અને સ્ત્રી ઉચ્ચ શિક્ષિત હોય તો પણ ત્યાંની ત્યાં જ રહે. એનું નૃત્ય ભૂલાઈ જાય, વાંચવા માટે સમય ન મળે કે મિત્રો સાથે હરવા-ફરવા ન જઈ શકે. આજે સ્થિતિ થોડી બદલાઈ છે, પત્નીનાં શોખ-કરિયરને મહત્ત્વ અપાય છે પરંતુ એ માટે ઘર-પરિવાર અને પતિનું કામ, કમ્ફર્ટ ડિસ્ટર્બ ન થવા જોઇએ એ ગર્ભિત શરત હોય છે. આવી સ્થિતિ ટળે અને બંને સાથે વિકસે તો જ લગ્ન સુખનો સાગર બની શકે.
– સંપાદક

Most Popular

To Top