Business

ખંડણીના કેસમાં દમણ જિ.પં.ના પ્રમુખ અને તેના ભાઈની ધરપકડ બાદ વધુ બે ઝડપાયા

દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈની દમણ પોલીસે ખંડણીના કેસમાં (Extortion Cases) ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ત્યારે આ કેસમાં વચેટિયા સહિત વધુ બે આરોપીની પોલીસે ધરપકડ (Arrest) કરી છે. વાપીમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા વેપારીએ કડૈયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં દમણ જિ.પં.ના પ્રમુખ નવીન પટેલ તથા તેનો નાનોભાઈ અશોક પટેલ દ્વારા તેમને ધાક ધમકી આપી કંપનીમાંથી જો ભંગાર ઊંચકવા હોય તો દર મહિને 20,000 રૂપિયા આપવાના રહેશે. વેપારી દ્વારા ત્રણ મહિના સુધી હપ્તા રૂપે રૂ.20,000ની ચુકવણી કરાયા બાદ વેપારીએ આ અંગે કડૈયા પોલીસ મથકે નવીન પટેલ અને તેના ભાઈ અશોક પટેલ સામે ખંડણી અને ધાકધમકીની ફરિયાદ દાખલ કરાવી હતી.

આરોપી કારમાં વાપીથી મુંબઈ અને મુંબઈથી દિલ્હી ભાગી છૂટ્યો હતો
પોલીસે ફરિયાદના આધારે જિ.પં.ના પ્રમુખ નવીન પટેલ તથા તેના ભાઈ અશોક પટેલની ધરપકડ કરી હતી. ખંડણીનો ગુનો દાખલ થતાની સાથે જ આ કામમાં પૈસાની લેવડદેવડ કરનાર વચેટીયો ઈસરાર બબલુ મજીબૂલા ચૌધરી (રહે. વાપી) કારમાં બેસી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઇસરારની ભીલાડ પોલીસ મથક હદમાંથી કાર સાથે ધરપકડ કરી દમણ લાવી હતી. તેની સઘન તપાસ કરતા તેણે તેનો ગુનો કબૂલ કરી જણાવ્યું હતું કે કારમાં વાપીથી મુંબઈ અને મુંબઈથી દિલ્હી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પરત રાજસ્થાન અને ગુજરાત થઈને મુંબઈ આવ્યો હતો.

આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધો
મુંબઈથી પરત વાપી તરફ આવતા તે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. તેને ભગાડવામાં અને સ્કોર્પિયો કાર આપવામાં ભરત પટેલ નામના વ્યક્તિએ મદદ કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. જેને પગલે પોલીસે નાની દમણ મોટી વાકડના પટેલ ફળિયા ખાતે રહેતો 41 વર્ષીય ભરત મોહન પટેલની પણ ધરપકડ કરી, વચેટીયા તથા મદદગારી કરનાર બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top