SURAT

દિલ્હીમાં બનાવ્યું કોલ સેન્ટર : સુરતમાં બેન્કના નિવૃત્ત ઓફિસર પાસેથી લાખોની ઠગાઈ કરનાર ટોળકી ઝડપાઈ

સુરત : અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારીને પોલિસી (Policy)ના રૂપિયા રિલીઝ કરવાના બહાને 42 લાખની ઠગાઇ કરનાર ટોળકી (Gang)ના ચાર યુવકોને પોલીસે પકડી પાડ્યા હતા. આ ચારેય યુવકોએ મોટી વીમા કંપનીઓની પાસેથી પોલિસી લેનારાઓના નંબર લઇ લોકોને ટાર્ગેટ કરતા હતા. આ ટોળકી પોતે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા (Govt of India) સાથે સંકળાયેલી હોવાનું કહીને ઠગાઇ કરતી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અઠવાલાઈન્સ અશોકનગર પાસે દેના એપાર્ટમેન્ટમાં રહેતા દેના બેન્કના નિવૃત્ત ઓફિસર (Retire bank officer) પીયૂષભાઈ રજનીકાંત મહેતાની ઉપર વીમા કંપનીના નામે ફોન કરી પોલિસીની રકમ પાકી ગઇ છે અને તે રકમ પરત મેળવા માટે વિવિધ ચાર્જીસ ભરવાનું કહી 42 લાખ પડાવી લીધા હતા. પીયૂષ મહેતાએ તેમના નામ ઉપર, પુત્ર તેમજ પરિવારના અન્ય સભ્યોનાં નામ ઉપર અલગ અલગ 44 લાખની પોલિસી લીધી હતી. આ તમામ પોલિસીની રકમ રિલીઝ કરવા માટે પેન્શન યોજનાની સ્કીમો આપવામાં આવી હતી. આ ચીટર ટોળકીએ ટીડીએસ, જીએસટી, ઇન્કમટેક્સ સહિતના ટેક્સ ભરવા માટે કહીને પીયૂષભાઇની પાસેથી રૂ.42.81 લાખ પડાવી લીધા હતા.

ઠગાઇ થઇ હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સાયબર ક્રાઇમે યુપીના બદાયુમાં પશ્વિમ મહોલ્લામાં રહેતા અબ્દુલ મન્નાન અબ્દુલ કચ્યુમ ખાન, ઉમર સલીમ મોર્યા, ઈરફાન અહમદ નિશાર અહમદ અને આકીબ અન્સાર ખાનને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.12.25 લાખ રોકડા તેમજ ચાર મોબાઇલ ફોન પણ કબજે લીધા હતા. પોલીસની પૂછપરછમાં આ ટોળકીઓ જે મોટી વીમા કંપનીઓ છે તેમની પાસેથી જે મોટી રકમની પોલિસી લેનારના નંબરો મેળવી લેતા હતા. આ ટોળકીએ દિલ્હીમાં જ કોલ સેન્ટર શરૂ કરીને પીયૂષભાઇની સાથે 2017થી સંપર્કમાં હતા. અલગ અલગ સમયે તેઓની પાસેથી રૂ.42.81 લાખ પડાવી લેવાયા હતા. પોલીસે આ ચારેયની ધરપકડ કરી તેમણે બીજા કયા વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા છે તેની વિગતો મેળવવાની પણ તજવીજ કરી છે. પોલીસે જે 12 લાખ કબજે કર્યા છે તે રકમ બે અલગ અલગ એકાઉન્ટમાં જમા કરવામાં આવી હતી.

પકડાયેલી ટોળકી માત્ર 8થી 10 ધોરણ જ ભણી છે

પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલ મન્નાન, આકીબ, ઉમર અને ઇરફાન માત્ર 8 થી 10 ધોરણ જ ભણેલા છે. આ ચારેય પૈકી મુખ્ય સુત્રધાર મન્નાન હોવાનું પણ બહાર આવ્યું છે. આ ટોળકીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરી સરકારની પણ સાઇટો તૈયાર કરી હતી અને પોતાના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાનું કહીને 44 લાખ જમા કરાવી લીધા હતા.

Most Popular

To Top