SURAT

નિષ્ઠુર મા: સાડી અને બ્લાઉઝમાં લપેટી પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુને કચરામાં ફેંકી દીધું, કાગડા અને કૂતરાં બાળકીને..

સુરત: શહેરના ભેસ્તાન વિસ્તારમાં કચરાના ઢગલામાંથી આજે સવારે બિનવારસી હાલતમાં નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સાડી અને બ્લાઉઝમાં લપેટીને પ્લાસ્ટીકની થેલીમાં ફેંકેલી બાળકીને કુતરા અને કાગડા ખેંચતા હતા. ત્યારે એક રાહદારીએ તેને નવી સિવિલમાં ખસેડી દાખલ કરાવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન સીએનજી પંપ પાસે આજે સવારે એક નવજાત બાળકી સાડી અને બ્લાઉઝમાં લપેટીને પ્લાસ્ટીકની થેલીમાં ફેંકેલી મળી આવી હતી. કુતરા અને કાગડા આ બાળકીની થેલી ખેંચતા હતા. દરમિયાન ત્યાંથી કારખાને જવા નીકળેલા રાહદારી ભરતભાઈ પાલની નજર પડી હતી. કુતરાઓ થેલી ખેંચતા જોઈ તેમણે કુતરાઓ અને કાગડાઓને ભગાડ્યા હતા.

ભરતભાઈએ તાત્કાલિક 108ને ફોન કર્યો અને રિક્ષાવાળા પાસે ચાદર લઈ તેને થેલીમાંથી બહાર કાઢી સાફ કરી ત્યારે તેનું રડવાનું બંધ થયું હતું. ત્યારબાદ બાળકીને તાત્કાલિક 108માં બેસાડી સિવિલ લઈ આવ્યા તો ડોક્ટરોએ એને NICUમાં રિફર કરી દીધી હતી. હાલ બાળકની હાલત સાધારણ હોવાનું કહી શકાય છે.

તબીબોના જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી છે. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો છે. બાળકીનું વજન લગભગ 1.6 કિલો ઉપરનું હોય શકે એમ કહી શકાય છે. હાલ બાળકીને NICUમાં દાખલ કરાઈ છે અને તેણે જન્મ લેતાં ત્યજી દેવાઈ હોય એમ કહી શકાય છે.

Most Popular

To Top