Editorial

મફતની રેવડીને કારણે યુવાનોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વિક્રમી સ્તરે

લોકો રોકડાનો વહેવાર ઓછો કરે અને પ્લાસ્ટિક કરન્સી તરફ વળે તે માટે સરકાર દ્વારા ભૂતકાળમાં અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ તેને એટલી સફળતા મળી નહોતી. સરકારે આ માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની સાથે અલગ અલગ પ્રકારના અનેક કાર્ડને મંજૂરી આપી પરંતુ છતાં પણ સરકારનો ઈરાદો એટલો બર આવ્યો નહીં, પરંતુ હવે ધીરેધીરે ક્રેડિટ કાર્ડનો વપરાશ એટલી હદે વધી રહ્યો છે કે સરકારની ઈચ્છા ધીરેધીરે પુરી થશે. હાલમાં યુવાનોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એટલી હદે વધી રહ્યો છે કે તેનો વપરાશે હાલમાં નવો વિક્રમ સર્જ્યો છે.

ભૂતકાળમાં વર્ષ 201-20માં ક્રેડિટ કાર્ડ દ્વારા 60 હજાર કરોડનો ખર્ચ કરવાામં આવ્યો હતો, જે હાલમાં 2022-23માં વધીને 1.20 લાખ કરોડ થઈ ગયો છે. ક્રેડિટ કાર્ડનો વપરાશ વધવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વિવિધ બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડના વપરાશ બદલ રિવોર્ડ પોઈન્ટ્સથી માંડીને કેશબેક તેમજ અન્ય અનેક ઓફરો આપવામાં આવી રહી છે. હાલમાં એવી સ્થિતિ છે કે, ક્રેડિટ કાર્ડ દ્વારા ઘરના ભાડાંથી માંડીને કરિયાણાની દુકાનનું ચૂકવણું પણ કરવામાં આવી રહ્યો છે. લોકો પોતાના કાર્ડ અથવા તે તેને સંલગ્ન એપ્લિકેશન મારફત આ ચૂકવણા કરી રહ્યા છે અને તેને કારણે ક્રેડિટ કાર્ડનો વપરાશ વધી રહ્યો છે.

રિઝર્વ બેંક દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી તેમાં જણાવ્યું હતું કે, હાલમાં ક્રેડિટ કાર્ડ દ્વારા જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમાં દર ત્રણ વર્ષે બમણો વધારો થઈ રહ્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ક્રેડિટ કાર્ડ મારફત ખર્ચનો આંકડો 1.40 લાખ કરોડ સુધી પહોંચી જવાની ધારણા છે. હાલમાં યુપીઆઈ, ડેબિટ કાર્ડથી માંડીને એનઈએફટી કે આરટીજીએસ દ્વારા પણ મોટાપાયે નાણાંકીય વહેવારો કરવામાં આવી રહ્યા છે છતાં પણ ક્રેડિટ કાર્ડમાં મળતી ઓફરોએ મેદાન માર્યું છે.

ક્રેડિટ કાર્ડ મારફત થતાં ખર્ચમાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગ, એન્ટરટેઈનમેન્ટ, લકઝરી ખર્ચથી માંડીને અનેક નવા ક્ષેત્રો પણ સમાવેશ થયો છે. હાલમાં એજ્યુકેશન ક્ષેત્રે પણ ક્રેડિટ કાર્ડનો વપરાશ વધી ગયો છે. ઓનલાઈન શોપિંગ પોર્ટલ કંપનીઓને કારણે પણ ક્રેડિટ કાર્ડનો વપરાશ વધી ગયો છે. કારણ કે આ પોર્ટલ દ્વારા પણ ક્રેડિટ કાર્ડ મારફત થતી ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પોર્ટલને કારણે દર મહિને આશરે 2.25 લાખ જેટલા નવા ગ્રાહકો ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા છે.

છેલ્લા દોઢેક વર્ષથી આ પરિસ્થિતિ ચાલી રહી છે. ભૂતકાળમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો પણ હવે ક્રેડિટ કાર્ડનો વધુને વધુ વપરાશ કરી રહ્યા છે. આમાં 30થી 40 વર્ષની વયના લોકો મુખ્ય છે. ક્રેડિટ કાર્ડથી બેંકોને વધુ ફાયદો થઈ રહ્યો હોવાથી બેંકો દ્વારા તેને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ક્રેડિટ કાર્ડના ઉપયોગ બદલ મફતની અનેક રેવડીઓ મળી રહી હોવાથી લોકોમાં તે વધુને વધુ પ્રિય થઈ રહ્યા છે. આમ પણ નોટબંધી અને ત્યારબાદ જીએસટીને કારણે રોકડાનો વહેવાર ધીરેધીરે ઘટી રહ્યો છે. અનેક પરિવારો યુપીઆઈ તરફ વળી રહ્યા છે. યુપીઆઈમાં એટલા રિવોર્ડ મળતાં નથી પરંતુ ક્રેડિટ કાર્ડમાં કેશબેકની રકમ મોટી હોય છે. આગામી દિવસોમાં બની શકે કે ક્રેડિટ કાર્ડને યુપીઆઈ સાથે જોડી દેવામાં આવે. જો આમ થશે તો નાણાંકીય વહેવારમાં એક નવી જ ક્રાંતિ આવશે અને ભારતનો પ્રત્યેક નાગરિક ક્રેડિટ કાર્ડ ધરાવતો થઈ જાય તો નવાઈ નહીં હોય.

Most Popular

To Top