Comments

ભ્રષ્ટાચાર માળખાકીય પ્રશ્ન છે

દિલ્લીના માલવીય નગરની ‘ફ્લરીશ સ્ટે બી એન બી’નામની હોટેલમાં લાગેલી આગ ૨૧ લોકોને ભરખી ગઈ. એમાં ૧૩ વિદેશી નાગરિકો પણ હતાં. ૨૦૨૬ના વીતેલા પાંચ મહિના દરમિયાન દિલ્હીમાં જ ૭,૮૦૦થી વધુ આગની ઘટનાઓ નોંધાઈ જેમાં ઓછામાં ઓછા ૫૫ લોકોનાં મોત નોંધાયાં છે. શું આ અકસ્માત હતા કે માનવસર્જીત દુર્ઘટના? ઇલેક્ટ્રિકલ ખામીઓ, એસીમાં થતાં વિસ્ફોટો અને બિલ્ડિંગ નિયમોના ઉલ્લંઘનથી ઊભાં થતાં જોખમો અંગેની જાણકારી નવી તો નથી. બે વર્ષ પહેલાં રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં ૩૦ જણને ભરખી ગયેલી આગના અકસ્માતમાં શું થયું? ગેમિંગ ઝોનના માલિક અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓથી લઈને કથિત રીતે ગેરકાયદેસર બાંધકામ કરનાર દરેક વ્યક્તિ જામીન પર જેલની બહાર છે. કેસ ક્યારે ચાલશે એ ખબર નથી. એવી જ પરિસ્થિતિ ૨૨ વિદ્યાર્થીઓનાં મોત માટે જવાબદાર સુરતના તક્ષશિલા કોચિંગ સેન્ટરની આગ કે પછી ૪૩ લોકોનાં મોત માટે જવાબદાર દિલ્લીની અનાજમંડી આગની છે.

કર્ણાટકના ફટાકડાની ફેકટરીમાં લાગેલી આગ, કોલકત્તાની હોસ્પિટલ, દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલ, અમદાવાદ અને રાજકોટની હોસ્પીટલના આઈ.સી.યુ., સિકંદરાબાદમાં ઈ-બાઈકના શો રૂમ વિગેરે…. વિગેરે…. પાછલાં પાંચ-સાત વર્ષના જ આ કિસ્સા જેમાં નિયમોનું ખુલ્લેઆમ થયેલું ઉલ્લંઘન…. શરૂઆતમાં આરોપીની ધરપકડ અને પછી વર્ષોનાં વર્ષો સુધી જામીન પર મુક્તિ! કાયદાનું ઉલ્લંઘન સસ્તું અને સરળ છે જ્યારે લોકોના જીવની સલામતી મોંઘી પડે છે. માત્ર નફો વધારવામાં વિકાસને શોધતા આપણા મોડેલમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી હોવા પાછળનું આ રહસ્ય છે.

ભ્રષ્ટાચાર માત્ર અગ્નિશમન વ્યવસ્થા પૂરતો મર્યાદિત નથી. પાછલાં પાંચ વર્ષમાં જ ૪૦ થી વધારે તો પુલ જ તૂટ્યા છે. ચાર હજારથી વધુ ઔદ્યોગિક અકસ્માતો થયા છે જેમાં પાંસઠ સો થી વધુ શ્રમિકોએ જીવ ખોયા છે. પર્યાવરણના નિયમો નહિ પાળવાને કારણે કુદરતી હોનારતના નામે દર વર્ષે હજારો લોકો જીવ ગુમાવે છે. આ ઉપરાંત નીટની પરીક્ષાનું પેપર લીક થવું, સી.બી.એસ.સી. ની પરીક્ષામાં ગોટાળા થવા પણ ભ્રષ્ટાચારના જ નમૂના છે. પ્રશ્ન થોડા લોકોના બેઈમાન વ્યવહાર પૂરતો સીમિત નથી, પરંતુ બેઈમાની આપણી આર્થિક વ્યવસ્થાનો એક સામાન્ય ભાગ બની ગઈ છે.

બજારની સ્પર્ધામાં ટકી રહેવા ખર્ચ ઘટાડવો પડે. સલામતીના નિયમો અને મજૂરોના હકો પાછળનો ખર્ચ ઘટાડવો સૌથી સરળ છે. જો કોઈ સત્તાની નજીક હોય, રાજકીય પ્રભાવ વાપરી શકાતા હોય તો લાંચ આપીને કે નિયમોને તોડવા મરોડવા આસાન છે. ચોપડા પર આવી ઘટના “અકસ્માત”તરીકે નોંધાય, પરંતુ હકીકતમાં તે લાંબા સમયથી ચાલતી બેદરકારી, નિયમોના ભંગ અને જવાબદારીના અભાવનું પરિણામ છે. એટલે, ભ્રષ્ટાચારને માત્ર વ્યક્તિગત નૈતિક નિષ્ફળતા તરીકે સમજવું પૂરતું નથી. જ્યાં માનવીય સુરક્ષા અને જાહેર હિત કરતાં નફા અને સત્તાના પ્રભાવનું મહત્ત્વ વધી જાય ત્યાં ભ્રષ્ટાચાર એક વ્યવસ્થાગત સમસ્યા છે.

ભ્રષ્ટ તંત્રને હલાવવાના પ્રયત્ન રૂપે ૨૦૧૧ -૧૨માં અન્ના હજારેના નેતૃત્વમાં આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન જોયું. લાખો લોકોએ સમર્થન આપ્યું હતું. ભ્રષ્ટાચારમુક્ત ભારતનું સપનું હતું. આ આંદોલને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના પરિણામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. મનમોહનસિંહની કોંગ્રેસ સરકાર ગઈ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ. સરકાર આવી. બાર વર્ષથી આ જ સરકાર સત્તામાં છે, પણ શું ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો છે ખરો?

સત્તા પક્ષ બદલાયો, માણસો બદલાયાં અને સરકારનો એજન્ડા પણ બદલાયો પણ ભ્રષ્ટાચારને જન્મ આપતી વ્યવસ્થા તો ત્યાંની ત્યાં જ છે. જે પણ દુર્ઘટના બની એ બધામાં કેટલીક વાત સામાન્ય હતી કે સલામતીનાં ધોરણો નેવે મુકાયાં, નિયમોનું પાલન ના થયું અથવા નિયમો જ બદલાઈ ગયા, જેની પર આરોપ લાગ્યા એ સંસ્થા/ કંપની સત્તા પક્ષની નજીક હોવાનું બહાર આવ્યું અને કેટલાક કેસમાં આરોપ લાગ્યા પછી પણ એ જ કંપનીને ફરી કોન્ટ્રાકટ મળ્યો! બેદરકારી આચરનાર કંપની, એને જાણ્યા પછી લાઈસન્સ આપનાર અધિકારી અને જેમની મહેરબાન નજર હેઠળ કારોબાર ચાલ્યો તે મંત્રી બધા જ ભ્રષ્ટ કહેવાય. આ બધી જ હકીકત જાહેરમાં હોવા છતાં કોઈ મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારતાં નથી અને નૈતિકતાના ધોરણે રાજીનામું આપતા નથી. વ્યવસ્થામાં વણાઈ ગયેલો ભ્રષ્ટાચાર સાથે સૌ કોઈએ પોતાનું મન મનાવી લીધું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top